લોસ એન્જેલિસઃ અબજોપતિ સખાવતી બિલ ગેટ્સે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયાના દેશોએ નવા રોગચાળા માટે એવી રીતે સજ્જ રહેવું જ પડશે જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય. તદુપરાંત દર વર્ષે અબજો ડોલરનું મૂડીરોકાણ પણ કરવું પડશે. માઈક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને એમના પત્ની મેલિન્ડાએ એક વાર્ષિક સંદેશમાં આમ જણાવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું છે કે આપણને ફરીવાર ઊંઘતા ઝડપાઈ જવાનું પરવડશે નહીં. નવા રોગચાળાનું જોખમ કાયમ આપણા માથે ઝળૂંબતું રહેશે – જો એને રોકવા માટે દુનિયાના દેશો પગલાં નહીં ભરે તો. નવા રોગચાળાને રોકવા માટે દર વર્ષે અબજો ડોલર ખર્ચવાની જરૂર પડશે. બહુ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. યાદ રહે, કોવિડ-19 રોગચાલાથી દુનિયાને અંદાજે 28 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરની ખોટ ગઈ છે. હવે આપણે લાખો મોતને રોકવા માટે અને ટ્રિલિયન્સ (લાખો કરોડો) બચાવવા માટે અબજો ખર્ચવાની જરૂર છે.