કમલા હેરિસે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

વોશિંગ્ટનઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે મંગળવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH)માં કોરોના વાઇરસની રસીનો બીજો ડોઝ ટીવીના જીવંત પ્રસારણમાં લીધો હતો. તેમણે અમેરિકનોને પણ રસી લેવા અરજ કરી હતી. તેમણે સી-સ્પાનના દર્શકોને કહ્યું હતું કે તમારો વારો આવે, ત્યારે તમને હું રસી લેવા વિનંતી કરું છું, જેથી રસીથી તમારું જીવન બચી શકે. હેરિસે રસીનો પહેલો ડોઝ 29 ડિસેમ્બરે લીધો હતો.

ડિસેમ્બરમાં બે કોરોના વાઇરસની રસીને ઇમર્જન્સી મંજૂરી મળ્યા પછી અમેરિકા વહીવટી તંત્રએ દૈનિક ધોરણે છેલ્લા સપ્તામાં 10 લાખ કરતાં વધુ રસીના ડોઝ લગાડ્યા હતા.

પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે તેમના વહીવટી તંત્રનું લક્ષ્ય પ્રથમ 100 દિવસમાં જ 10 કરોડ અમેરિકનોને કોરોનાની રસી આપવાનું છે. બાઇડન એડમિનિસ્ટ્રેશને ઉનાળા સુધીમાં 60 કરોડ ડોઝ આપવા માટે 20 કરોડ ડોઝ ખરીદ્યા હતા. જેથી 30 કરોડ લોકોને રસી આપી શકાય. બાઇડન-હેરિસ એડમિનિસ્ટ્રેશને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફાઇઝર અને મોડર્નાની રસીના પ્રત્યેકના 10 કરોડ ડોઝ ખરીદવા માટે કામ કરી રહ્યું છે. આ કોરોના રસીના ડોઝ અમેરિકનો માટે ખરીદવામાં આવ્યા છે. જેથી ઉનાળા સુધીમાં વધારાના ડોઝ મળીને 60 કરોડ ડોઝ થઈ જશે. ઉપપ્રમુખને એનઆઇએચમાં મોડર્નના રસીને બીજો ડોઝ લગાવવામાં આવ્યો હતો.