વોશિંગ્ટનઃ અમેરિકાની સત્તાવાર સંસ્થા સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા દેશના નાગરિકોને એવી ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં હાલ કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા હોવાથી ત્યાં જવાનું તેમણે ટાળવું. એક નિવેદનમાં સીડીસી તરફથી જણાવાયું છે કે અમેરિકામાં કોરોના-વિરોધી રસીના બંને ડોઝ લઈ ચૂકેલી વ્યક્તિઓને પણ ભારતમાં જવાથી ફરીથી કોરોના થવાનું અને તેનો ફેલાવો કરવાનું જોખમ રહેશે. તેથી હાલ ભારત જવાનું સહુ લોકો ટાળે. જો તમારે ભારત જવું જ પડે એમ હોય તો, અમેરિકામાં પૂરેપૂરી રસી લઈ લેજો. તમામ પ્રવાસીઓએ માસ્ક પહેરવાનું, અન્ય વ્યક્તિઓથી છ-ફૂટનું અંતર રાખવાનું, ટોળાથી દૂર રહેવાનું અને પોતાના હાથ ધોતા રહેવાના નિયમોનું પાલન અતિ આવશ્યક છે.
બ્રિટને ભારતને ‘લાલ યાદી’માં મૂક્યું
આવો જ એક કડક નિર્ણય બ્રિટિશ સરકારે પણ લીધો છે. તેણે નક્કી કર્યું છે કે ભારત સહિત દક્ષિણ એશિયાના કોઈ પણ દેશના કોઈ પણ નાગરિકને તે હાલ બ્રિટનમાં પ્રવેશવા નહીં દે, સિવાય કે એ ભારતમાંના બ્રિટિશ કે આઈરિશ નાગરિક હોય અથવા એ વ્યક્તિ પાસે બ્રિટનમાં રહેવાના રેસિડન્સી અધિકારો હોય. જોકે એવી વ્યક્તિઓએ પણ બ્રિટનમાં પ્રવેશતાં જ 10 દિવસ સુધી પોતાના ખર્ચે ફરજિયાત હોટેલ-ક્વોરન્ટીન સ્થિતિમાં રહેવું પડશે. બ્રિટિશ સરકારે ‘પ્રવાસ પ્રતિબંધ લાલ યાદી’ બનાવી છે અને એમાં તેણે ભારતનો પણ ઉમેરો કર્યો છે. સરકારે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જોન્સનની એપ્રિલ-25ની ભારતયાત્રા પણ હાલપૂરતી રદ કરી દીધી છે.