નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર, 2025માં ગ્રોસ GST (Goods & Services Tax) કલેક્શન વાર્ષિક ધોરણે 0.7 ટકાના વૃદ્ધિ સાથે રૂ. 1.70 લાખ કરોડ થયું છે. પહેલી ડિસેમ્બરે જાહેર થયેલા સરકારી આંકડાઓમાંથી આ માહિતી સામે આવી છે. નવેમ્બર, 2024માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1.69 લાખ કરોડ કરતાં વધુ હતું. ઓક્ટોબર, 2025માં દેશમાં ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે 4.6 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ રહ્યું હતું.
નવેમ્બર, 2025માં ગ્રોસ ઘરેલુ રેવેન્યુ 2.3 ટકા ઘટીને રૂ. 1.24 લાખ કરોડ કરતાં વધુ રહ્યું. GST દરોમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરમાં માલના આયાત પરથી રેવેન્યુ 10.2 ટકા વધીને રૂ. 45,976 કરોડ થયું. રસોઈના માલસામાનથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ સહિત કુલ 375 વસ્તુઓ પર GSTના નવા દરો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ કરવામાં આવ્યા છે. GST 2.0 હેઠળ હવે માત્ર 5 ટકા અને 18 ટકા દરો જ છે. 12 ટકા અને 28 ટકાના સ્લેબને રદ કરી દેવામાં આવ્યા છે. ગુડ્સ અને લક્ઝરી આઇટમ્સ માટે 40 ટકાનો વિશેષ દર નક્કી કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના ભાષણમાં દિવાળીએ પહેલાં GST દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી.
તંબાકુ, પાન-મસાલા પર નવો સેસ
સરકારે સોમવારે લોકસભામાં બે વિધેયકો રજૂ કર્યાં. આ વિધેયકોનો હેતુ GST કોમ્પેન્સેશન સેસ સમાપ્ત થયા પછી પણ તંબાકુ, પાન મસાલા અને અન્ય તંબાકુ ઉત્પાદનો પર કુલ કર ભાર સમાન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ વિધેયકો દ્વારા GST કોમ્પેન્સેશન સેસની જગ્યા પર નવો સેસ લાગુ કરવામાં આવશે.
એનો ઉદ્દેશ ઉત્પાદન શુલ્ક સુધારણા વિધેયક, 2025 હેઠળ સિગારેટ સહિત વિવિધ તંબાકુ ઉત્પાદનો પર ઉત્પાદન શૂલ્ક લગાવવામાં આવશે. આ તંબાકુ પર લાગતા GST કોમ્પેન્સેશન સેસનું સ્થાન લેશે. સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક, 2025 પાન મસાલા પર લાગતા કોમ્પેન્સેશન સેસનું સ્થાન લેશે. તેનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચો માટે વધારાના સ્રોતો ઊભા કરવાનું છે. તેના અંતર્ગત પાન-મસાલા જેવી વસ્તુઓ બનાવતી મશીનો કે પ્રક્રિયાઓ પર સેસ લાગી શકશે.
હાલમાં તંબાકુ અને પાન-મસાલા પર 28 ટકા GST લાગુ પડે છે એ, સાથે અલગ-અલગ દરે કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે.




