જ્યોર્જ ફ્લોઈડ મૃત્યુ-કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી કસુરવાર ઘોષિત

વોશિંગ્ટનઃ 2020ની 25 મેએ 46 વર્ષના આફ્રિકન-અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લોઈડની કરાયેલી હત્યાની કોર્ટ કાર્યવાહીમાં મિનીઆપોલીસ શહેરના ભૂતપૂર્વ પોલીસ અધિકારી ડેરેક ચોવીનને હેનપીન કાઉન્ટી કોર્ટમાંની એક જ્યૂરીએ તમામ આરોપો માટે કસુરવાર ઘોષિત કર્યો છે. 12 જ્યૂરી સભ્યોએ એમના આદેશમાં કહ્યું કે ચોવીન સેકન્ડ-ડિગ્રી બિનઈરાદાપૂર્વકની હત્યા માટે, થર્ડ-ડિગ્રી હત્યા અને સેકન્ડ-ડિગ્રી માનવવધ, એમ તમામ આરોપો માટે કસુરવાર છે. સેકન્ડ-ડિગ્રી બિનઈરાદાપૂર્વકની હત્યાના અપરાધ માટે 40 વર્ષ સુધીની જેલની સજા છે, થર્ડ-ડિગ્રી હત્યા માટે 25 વર્ષ સુધીની જેલની સજા છે જ્યારે સેકન્ડ-ડિગ્રી માનવવધ અપરાધ માટે 10 વર્ષની જેલ અને/20 હજાર યૂએસ ડોલરનો દંડ છે. બે મહિનામાં ચોવીનની સજાની જાહેરાત કરાશે. જજ પીટર કાહિલે જ્યૂરી સભ્યોનો આભાર માન્યો હતો. જ્યૂરીના આ ચુકાદા બાદ મિનીઆપોલીસ શહેરમાં ફ્લોઈડનાં સમર્થકોએ આનંદ વ્યક્ત કર્યો છે તો અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને પણ ચુકાદાને આવકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક ફરિયાદ મળ્યા બાદ પોલીસોએ મિનીઆપોલીસ શહેરના પાવડરહોર્નમાં ફ્લોઈડને પકડ્યો હતો અને એના હાથ પાછળથી બાંધી દઈ એને પોલીસ સ્ટેશનમાં લઈ જતા હતા. એ દરમિયાન, ફ્લોઈડે કથિતપણે સંઘર્ષ કરતાં 45 વર્ષીય ચોવીને ફ્લોઈડને રસ્તા પર પટકી દીધા બાદ પોતાના ઘૂંટણ નીચે એની ગરદનને દબાવી દીધી હતી. ચોવીને લગભગ 9 મિનિટ સુધી ઘૂંટણ નીચે ગરદન દબાવી રાખતાં થયેલી ગૂંગળામણથી ફ્લોઈડનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. રસ્તા પરથી પસાર થતા એક જણે તેના મોબાઈલ ફોન દ્વારા વિડિયો ફિલ્મ ઉતારી હતી અને પોતાના ફેસબુક પેજ પર એ ઘટનાનું લાઈવ સ્ટ્રીમ મૂક્યું હતું. જે ફૂટેજ દુનિયાભરમાં લોકોએ જોયું હતું અને ખળભળાટ મચી ગયો હતો. ચોવીનની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.