અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે સતત સાતમે વર્ષે અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સફળ પુર્ણાહુતિ થઈ. 13 નવેમ્બરથી શરૂ થયેલી સાતમી આવૃત્તિ 30 નવેમ્બર (રવિવાર)ના રોજ એક મહા માનવ મેળાવડામાં પરિણમી. શ્રેયસ ફાઉન્ડેશન, ગુજરાત યુનિવર્સિટી અને અટીરા એમ ત્રણ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમોમાં 4.5
લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.
આ સમારોહના સમાપન પ્રસંગે સંબોધન કરતા યુ.એન.એમ. ફાઉન્ડેશનના ચેરમેન સપના મહેતાએ કહ્યું, “અભિવ્યક્તિની ઉત્પત્તિ એક સરળ પણ મજબુત વિચાર – ‘કલા તમામ માટે સુલભ હોવી જોઈએ’ -માંથી થઈ હતી. છેલ્લી સાત આવૃત્તિમાં આપણે સહુંએ જોયુ કે કેવી રીતે આ વિચારે પોતાના મુળીયા મજબુત અને ઊંડા કરીને અમદાવાદના હૃદયમાં એક વિશાળ વટવૃક્ષ તરીકે વિકાસ સાધ્યો છે. આ વર્ષે નોંધાયેલ રેકોર્ડબ્રેક ભાગીદારી, પ્રદર્શનની વિવિધતા અને કલા પ્રશંસકો તરફથી મળેલો જબરદસ્ત પ્રતિસાદ એક એવો મંચ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે, જ્યાં સર્જનાત્મકતાની કોઈ સીમાઓ ના હોય. હવે, નવેમ્બર 2026માં રજુ થનાર આઠમી આવૃત્તિ માટે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ અને મક્કમ છે, કલાકારો અને દર્શકો વચ્ચેનો સેતુ તૈયાર કરતા રહેવાનો.”
અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કુલ 2656 અરજીઓ મળી હતી, જે પૈકી 140થી વધુ કલાકારોની પસંદગી કરવામાં આવી છે. આ આવૃત્તિમાં ભાગ લેનાર કલાકારો પૈકી 80 ટકાથી વધુ ગુજરાત બહારના હતા, જે 16 રાજ્યના 45 શહેરનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. જેમાં મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, જયપુર, કોચી જેવા ધમધમતા મહાનગરોથી લઈને સિલચર (આસામ), બાડમેર અને અલવર (રાજસ્થાન), રાયપુર (છત્તીસગઢ), ઉજ્જૈન (મધ્યપ્રદેશ), ગોવા અને વારાણસી (ઉત્તરપ્રદેશ) જેવા ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ કલાકારોનો સમાવેશ થતો હતો. શહેરના દર્શકોએ તમામ કલા સ્વરૂપોને વધાવી લીધાં હતાં અને અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની કલા કલારસિકોના દિલને સ્પર્શી ગઈ હતી. 
અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં નૃત્ય, રંગભૂમિ, સંગીત અને વિઝ્યુઅલ આર્ટ એમ ચાર શૈલીઓની 140 પ્રસ્તુતિઓનું પ્રીમિયર યોજાયું હતું. મંચ ઉપર પ્રથમ વખત રજૂ કરાયેલ સાહિત્ય વિભાગે પણ કલાત્મક અભિવ્યક્તિઓની ઝલક દર્શાવી હતી.

તેમાં 24 નૃત્ય પ્રસ્તુતિઓ, 23 રંગમંચ પ્રસ્તુતિઓ, 31 સંગીત પ્રસ્તુતિઓ, 62 વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ, સાથે સાહિત્ય – એક નવા અધ્યાય તરીકે જોડાયું હતું. પ્રથમ વખત, અભિવ્યક્તિએ સાહિત્યને કલાના એક અલગ પ્રકાર તરીકે રજૂ કર્યું. આ તમામ પ્રસ્તુતિઓને પાંચ પ્રખ્યાત ક્યુરેટર – ગોપાલ અગ્રવાલ (નૃત્ય), તાપસ રેલિયા (સંગીત), ગુરલીન જજ (નાટક), જય ઠક્કર (વિઝ્યુંઅલ આર્ટ) અને પ્રીતિ દાસ (સાહિત્ય) દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યાં હતાં. કલાકારોને માર્ગદર્શન આપનારા માર્ગદર્શકોમાં ક્રુતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક), ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ), અને રાજેશ ‘મિસ્કીન’ વ્યાસ (સાહિત્ય)નો સમાવેશ થાય છે.
આગામી સમયમાં, અભિવ્યક્તિની અન્ય શહેરો (સુરત, વડોદરા, રાજકોટ અને ભૂજ (કચ્છ)) આવૃત્તિઓ વર્ષ ૨૦૨૬માં ચાલુ થશે, જેમાં અમદાવાદ ખાતે અભિવ્યક્તિની સાતમી આવૃત્તિની લોકપ્રિય પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ અન્ય શહેરોની આવૃત્તિઓ પણ ઉભરતા કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પુરો પાડશે અને કલાને એક વિશાળ દર્શક વર્ગ સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે.




