નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં નવો લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેના હેઠળ હડતાળ અને તાળાબંધી સંબંધિત નિયમો પહેલાંથી વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે રાજ્યમાં 14 દિવસની પૂર્વ સૂચના વગર ન તો કર્મચારી હડતાળ કરી શકશે અને ન મેનેજમેન્ટ તાળાબંધી કરી શકશે. એ સાથે જ સરકારે સામૂહિક રજા (Mass Casual Leave)ને પણ હડતાળની શ્રેણીમાં સામેલ કરી છે. એટલે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા એકસાથે રજા લેવાશે તો તેને પણ હડતાળ માનવામાં આવશે અને નવા નિયમો લાગુ થશે.
300 કરતાં વધુ શ્રમિકો ધરાવતા કંપની માટે કડક નિયમો
નવી શ્રમ સંહિતા મુજબ હવે 300થી વધુ શ્રમિકો ધરાવતા કંપનીમાં છટણી કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. માત્ર છટણી જ નહીં, કંપનીને બંધ કરવા માટે પણ આ જ નિયમ લાગુ પડશે.
નવી સંહિતાઓ 21 નવેમ્બરથી અમલમાં
ઉત્તર પ્રદેશના શ્રમમંત્રી અનિલ રાજભરે જણાવ્યું કે નવી સંહિતાઓ 21 નવેમ્બરથી રાજ્યમાં અમલમાં આવી ગઈ છે. તેમનો દાવો છે કે શ્રમ કાયદાઓનું પાલન સરળ બન્યું છે અને તેમાં શ્રમિકોનાં હિતોનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે. કંપની માટે પણ આ રાહતદાયક છે. એ સાથે જ ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચે સમન્વય વધારવા માટે ફરિયાદ નિવારણ સમિતિ, વાટાઘાટ પરિષદ અને બે સભ્યોનું ઔદ્યોગિક અધીકરણ પણ રચવામાં આવ્યું છે. અનિલ રાજભરના જણાવ્યા મુજબ ન્યૂનતમ વેતન હવે તમામ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં લાગુ પડશે અને સેવા સમાપ્તિ અથવા રાજીનામાની સ્થિતિમાં બે દિવસની અંદર તમામ બાકી ચુકવણીઓ કરવી ફરજિયાત રહેશે.

એવું નથી કે હવે કોઈ હડતાળ કરી શકશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હડતાળ કરવાનો અધિકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કર્મચારીઓ હડતાળ કરી શકે છે. ફક્ત બદલાવ એટલો છે કે હવે હડતાળ પહેલાં કર્મચારીઓએ નોટિસ આપવી પડશે, ત્યાર બાદ જ તેઓ હડતાળ પર જઈ શકશે.




