બોરીસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો ખૂબ વધી જતાં એમની આવતા અઠવાડિયે નિર્ધારિત ભારત-મુલાકાતને રદ કરી દીધી છે. એક સત્તાવાર નિવેદનમાં જોન્સનના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વડા પ્રધાન બોરીસ જોન્સન આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે જઈ નહીં શકે.

અગાઉ એવા અહેવાલો હતા કે ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાનો ખૂબ ફેલાવો થયો હોવાથી ત્યાંની મુલાકાત રદ કરવાનું જોન્સન પર દબાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જોન્સન પહેલાં ગઈ 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસના ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવવાના હતા, પણ ત્યારે બ્રિટનમાં કોરોનાનો ફેલાવો ખૂબ થયો હોવાને કારણે એમણે પોતાનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો અને હવે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ભારત આવવાનું નક્કી કર્યું છે.

 

વિરોધ પક્ષ લેબર પાર્ટીએ સવાલ કર્યો છે કે દ્વિપક્ષી સંબંધો વિશે ચર્ચા કરવા માટે શું જોન્સન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું ઓનલાઈન ચર્ચા કરી શકે એમ નથી? લેબર પાર્ટીના નેતા સ્ટીવ રીડે કહ્યું છે કે, ‘એક તરફ સરકાર લોકોને જણાવી રહી છે કે પ્રવાસ કરશો નહીં, તો વડા પ્રધાન જોન્સન ભારત સરકાર સાથે ‘ઝૂમ’ (ઓનલાઈન) માધ્યમથી શા માટે ચર્ચા કરી ન શકે. આજે જ્યારે બધાં લોકો કાળજી લઈ રહ્યાં છે તો જાહેર જીવનમાં રહેલા આપણે સૌ, વડા પ્રધાન જોન્સને પણ, એવો દાખલો બેસાડવો જોઈએ. હું ઈચ્છીશ કે જોન્સન ભારતના પ્રવાસે જવાને બદલે ચર્ચાનું કામ ‘ઝૂમ’ મારફત કરે.