લોકસભાના શિયાળુ સત્રમાં SIR મુદ્દે બબાલ

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું. આ સત્રમાં કેન્દ્ર સરકાર 14 નવાં બિલ પણ રજૂ કરી શકે છે. મહત્વની વાત એ છે કે શિયાળુ સત્રની શરૂઆત હંગામાથી થઈ છે. વિરોધ પક્ષોએ એકઅવાજે માગ કરી કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચર્ચા કરાવવી જોઈએ. જોકે સરકારે કહ્યું કે સંસદની કાર્યવાહી સારી રીતે ચાલી શકે તે માટે તેઓ વિરોધ પક્ષો સાથે ચર્ચા ચાલુ રાખશે, જેથી અવરોધ ટાળી શકાય.

આ પહેલાં સર્વપક્ષી બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે આ શિયાળુ સત્ર છે, એટલે બધાએ ઠંડા દિમાગથી કામ કરવું જોઈએ. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય ઘણા વિરોધી પક્ષોએ SIRની સાથે-સાથે દિલ્હીના વિસ્ફોટની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.એ ઉપરાંત દિલ્હીમાં હવા પ્રદૂષણ, વિદેશ નીતિ, ખેડૂતોની સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરાવવા વિનંતી કરી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીતથી ઉત્સાહિત કેન્દ્ર સરકાર આ સત્રમાં 14 બિલ રજૂ કરી શકે છે.

આ સર્વપક્ષી બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓ જોડાયા હતા. સરકાર તરફથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના પ્રમોદ તિવારી, કોડિકુન્નીલ સુરેશ, TMCના નેતા ડેરેક ઓ’બ્રાયન, SPના રામગોપાલ યાદવ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના તિરુચી શિવા વગેરે બેઠકમાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે શિયાળુ સત્રના એક દિવસ પહેલાં સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષી બેઠક માત્ર એક ઔપચારિકતા હતી. બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું, “એવું લાગે છે કે ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વવાળી સરકાર લોકશાહી, સંસદીય પરંપરા અને મર્યાદાને નષ્ટ કરવાની કોશિશ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર જ સંસદને ડિરેઇલ (પાટા પરથી ઉતારવાની) કોશિશ કરી રહી છે.