લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકારણનો પારો ઉપર ચડી રહ્યો છે. આગામી પાંચ દિવસમાં દેશનું ભવિષ્ય EVMમાં બંધ થશે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો મત જોડવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. જ્યાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસના અધિકારીઓ ઉપસ્થીત હતા.
પત્રકાર પરિષદમાં તેમણે હતું કે, દેશમાં લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાનને સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ છે. જેના કારણે મુદ્દા પર વાત કરવાની જગ્યાએ નિમ્ન કક્ષાની અને બેતુકી વાતો કરે છે. રાહુલ ગાંધીએ 10 હજાર કિ.મી. જેટલી ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા કરી. દેશના લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષના મેનીફેસ્ટ્રો ‘ન્યાયપત્ર’ બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ ન્યાય 25 ગેરન્ટી આપી છે. પરંતુ ભાજપ ન્યાયપત્ર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. કોંગ્રેસ પડકાર આપે છે કે ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાય પત્ર અને ભાજપના મેનીફેસ્ટ્રોના મુદ્દા આધારીત ચર્ચા કરે. ભાજપ લોકશાહીને ખતમ કરવા સતત પ્રયાસ કરી રહી છે. તો ક્યાંક બંધારણ બદલવાની વાત ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. દેશમાં બે રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રી જેલમાં જોવા મળી રહ્યાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, યુવાનોને રોજગારી નથી, તેવા સંજોગોમાં વડાપ્રધાન જમીન અને ભેસ, મંગળસુત્ર, પાકિસ્તાનની વાતો કરે છે.
60 વર્ષમાં દેશનું દેવુ 55 લાખ કરોડ હતું જ્યારે 2014 થી 2024 સુધી એટલે કે, 10 વર્ષમાં મોદી સરકારે 205 લાખ કરોડ દેવુ કરી દેશના નાગરિકો દેવાના ડુંગરમાં ધકેલી દીધા. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે એમ.એસ.પી. ની માંગ કરતા હતા પરંતુ આજે 10 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હોવા છતાં ખેડૂતોને એમ.એસ.પી. મળતી નથી. આ બધી ગેરંટીનું શું થયું? કાળુ ધન પાછુ લાવીશું, બે કરોડ રોજગાર, ખેડૂતની આવત બમણી, સહિતની ગેરંટીઓનું શું થયું ? તેનો જવાબ વડાપ્રધાન આપે. જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યાં છે તેમ તેમ મોદીજીની હડબડાહટ સ્પષ્ટ દેખાય છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરવાની જગ્યાએ ભેસ કેમ યાદ આવે છે ?
નાણામંત્રીના પતિ કહી રહ્યા છે કે ‘ઈલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.’ જનતા મુદ્દા આધારીત, ન્યાય, હક્ક અધિકારની વાત કરતી કોંગ્રેસ પક્ષને વોટ આપશે. યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય થકી સામાજિક, આર્થિક, રાજકીય અસમાનતા દૂર કરવા અને લોકોને ન્યાય આપવામાં આવશે.