મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર રાજકારણમાં પોતાની સફર નવેસરથી શરૂ કરવા જઈ રહી છે. આ વખતે એ કોંગ્રેસમાંથી નહીં, પણ શિવસેનામાંથી સફર શરૂ કરશે. એણે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને આવતીકાલ, 30 નવેમ્બરે એ શિવસેનામાં જોડાશે. ઉર્મિલા શિવસેનામાં જોડાશે એવી ચર્ચા કેટલાક વખતથી થતી જ હતી. એને વિધાન પરિષદની સદસ્ય બનાવવા માટે શિવસેના તરફથી ભલામણપત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આ મહિનાની શરૂઆતમાં જ મોકલવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીની સંયુક્ત સરકાર છે. આ ત્રણેય પાર્ટીએ વિધાન પરિષદમાં સદસ્ય બનાવવા માટે પોતપોતાના 4-4 સભ્યોના નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે. શિવસેનાએ પોતાના 4-સદસ્યોમાં ઉર્મિલાનું નામ પણ સામેલ કર્યું છે.
ઉર્મિલા 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટી સામે એનો પરાજય થયો હતો. બાદમાં ઉર્મિલાએ એવો આરોપ મૂકીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું કે પોતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉર્મિલા છેલ્લે 2018માં ‘બ્લેકમેલ’ ફિલ્મમાં જોવા મળી હતી.
