ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન

અમદાવાદઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુખદ નિધન થયું છે. કચ્છની ધરતી પર નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રતા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતાં-લડતાં તે જંગ હારી ગઈ છે. જોકે આ અહેવાલને પગલે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું પ્રસરી ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી ‘હેલ્લારો’ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે છેવટે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.

હજી હાલમાં જ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઓફ લતાનું બિરુદ પામેલા મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું ઉંમરના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમામાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]