મુંબઈઃ લખનઉની ગલીઓમાંથી માત્ર સાત વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક સફર શરૂ કરીને માયાનગરી મુંબઈમાં આવીને લોકોને પોતાનાં ગીતો ગાતાં કરનાર જાણીતાં ગીતકાર, કવયિત્રી, લેખિકા માયા ગોવિંદનું 82 વર્ષની વયે આજે અહીં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. સાંજે વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની સ્મશાનભૂમિમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પુરુષોના એકાધિકારને તોડનાર પ્રથમ મહિલા ગીતકાર હતાં માયા ગોવિંદ. એમણે લખેલાં અને લોકજીભે ચઢેલાં ગીતોમાં ‘મૈં ખિલાડી તુ અનાડી’, ‘આંખોં મેં બસે હો તુમ’, ‘મેરા પિયા ઘર આયા ઓ રામજી’ (યારાના)નો સમાવેશ થાય છે. એમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દી 70ના દાયકામાં શરૂ કરી હતી. એમણે ‘આરોપ’ (વિનોદ ખન્ના), ‘રઝિયા સુલતાન’ (હેમા માલિની), ‘ચાહત’ (શાહરૂખ ખાન) ‘બેટી નંબર 1’ (ગોવિંદા), ‘દમન’ (રવીના ટંડન), ‘લાલ બાદશાહ’ અને ‘ઐતબાર’ (અમિતાભ બચ્ચન), ‘યારાના’ (રિશી કપૂર-માધુરી દીક્ષિત) ‘હમ તુમ્હારે હૈ સનમ’ (શાહરૂખ-માધુરી દીક્ષિત) સહિત અનેક ફિલ્મોમાં 350થી વધારે ગીત લખ્યાં હતાં.
માયા ગોવિંદનાં પુત્ર અજયનાં જણાવ્યા મુજબ, એમના માતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામવાને કારણે ચારેક મહિનાથી ગંભીર રીતે બીમાર થયાં હતાં. એને કારણે એમને આરોગ્યને લગતી બીજી તકલીફો પણ થઈ હતી. હોસ્પિટલમાં એમને આઈસીયૂમાં પણ રાખવામાં આવ્યાં હતાં. આજે સવારે જુહૂ વિસ્તારસ્થિત પોતાનાં નિવાસસ્થાને એમણે આખરી શ્વાસ લીધો હતો.