બાબરીના પાયાનો પથ્થર મુકાશે, જોઉં કોણ રોકે છે?: હુમાયુ કબીરની ચેલેન્જ

નવી દિલ્હીઃ TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે TMC અને મમતા બેનર્જીને અટકાવી બતાવવાની ચેલેન્જ આપી છે. મિડિયાથી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ પહેલેથી નક્કી કરેલી યોજના મુજબ મસ્જિદની પાયાનો પથ્થર મૂકશે. જો કોઈ અટકાવી શકે તો રોકી લે.

તેમણે વાતચીતમાં કહ્યું હતું કે મેં પાયાનો પથ્થર મૂકવાની વાત કરી છે, અમે પાયો મૂકીશું. બધી બાબતોનો ખુલાસો પછી થશે. પચ્ચીસ બીઘા જમીન પર ઇસ્લામિક હોસ્પિટલ બનશે, મુસાફિર ખાનું બનશે, હોટેલ અને રેસ્ટોરાં બનશે, હેલીપેડ, પાર્ક અને મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે થોડો સમય આપો, કોઈ ચિંતા ન કરો. આવતા દિવસોમાં આ બધું કામ કરાવીને બતાવીશું. મુર્શિદાબાદમાં કોણ અવરોધ ઊભો કરશે? હુમાયુ કબીરને કોણ રોકશે? હું તેમને અટકાવવાની ચેલેન્જ કરું છું. એ દરમિયાન તેમણે એ પણ કહ્યું હતું કે 2026માં મમતા બેનર્જી મુખ્ય મંત્રી નહીં બને. તેઓ શપથ નહીં લે અને તેમના પર ભૂતપૂર્વ મુખ્ય મંત્રીનું ટેગ લાગી જશે.

TMC કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે. જેને પગલે તૃણમૂલ કોંગ્રેસે  (TMC) પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. આ કારણસર તૃણમૂલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

શું કહ્યું TMC પાર્ટીએ?

આ મામલે પ્રતિક્રિયા આપતાં TMC મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે અમે અગાઉ પણ હુમાયુ કબીરને ચેતવણી આપી ચૂક્યા હતા. તેમ છતાં તે વારંવાર ભૂલ કરી રહ્યા છે અને આ જ કારણે અમે તેમને સસ્પેન્ડ કરી રહ્યા છીએ. હાકિમે ચોખવટ કરી હતી કે હુમાયુ કબીર સાથે હવે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.