મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને જાણીતા સંવાદલેખક, નિર્માતા, પટકથાલેખક સલીમ ખાનને હત્યાની ધમકી આપતી એક નનામી નોંધ મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધીને પત્ર કોણે મોકલ્યો એ વિશે તપાસ શરૂ કરી દીધી છે. બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે. સલીમ ખાન એમના સુરક્ષા ચોકિયાત સાથે દરરોજ સવારે એમના ઘરની બાજુમાં જ આવેલા બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ ખાતે મોર્નિંગ વોક કરવા જતા હોય છે. તેઓ એક ચોક્કસ જગ્યાએ બ્રેક લેતા હોય છે અને એક બેન્ચ પર થોડોક વિશ્રામ કરતા હોય છે. ગઈ કાલે તે બેન્ચ પર એમને એક નોંધ રાખેલી મળી આવી હતી. નામ વગરની કે સહી વગરની એ નોંધમાં લખ્યું હતું, ‘મૂસે વાલા જૈસા કર દૂંગા.’ સલીમ ખાને એમના સુરક્ષા ચોકિયાતની સાથે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઈન્ડિયન પીનલ કોડની 506-2 (ક્રિમિનલ ધમકી આપવી) કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.
મુંબઈ પોલીસ હવે બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાંના સીસીટીવી ફૂટેજને ચેક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની ગયા મહિને પંજાબમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સલમાન ખાન આઈફા એવોર્ડ્સ કાર્યક્રમનું સંચાલન કરવા માટે અબુધાબીના યાસ આઈલેન્ડ ખાતે ગયો હતો અને ત્યાંથી ગઈ કાલે ઘેર પાછો ફર્યો હતો. ધમકીભરી નોંધ મળ્યા બાદ મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર પોલીસે સલમાન અને સલીમ ખાનની સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. મૂસેવાલાની હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે દિલ્હીની તિહાર જેલમાં છે. બિશ્નોઈએ 2018માં સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી ગઈ કાલે મળેલી હત્યાની ધમકીના સંબંધમાં પોલીસે બિશ્નોઈની પૂછપરછ કરી છે.