મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ‘ભારત રત્ન’ સમ્માનિત લતા મંગેશકર આજે એમનો 92મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આજના વિશેષ દિવસે પરિવારજનો સાથે ડિનર કરવાનું લતાજીએ નક્કી કર્યું છે. એક સંદેશામાં એમણે લખ્યું છે કે ઈશ્વરની દયા અને મારાં માતા-પિતાનાં આશીર્વાદથી હું 92 વર્ષની થઈ છું. ઈશ્વર આપણાં દેશ પર એમની દયા વરસાવતા રહે એવી એમને પ્રાર્થના કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓએ દંતકથાસમાન ગાયિકાને શુભેચ્છા આપી છે. મોદીએ કહ્યું છે કે, ‘આદરણીય લતાદીદીને જન્મદિવસની શુભકામના. એમનાં સુમધુર સ્વરે દુનિયા આખીને મુગ્ધ કરી છે. ભારતીય સંસ્કૃતિ પ્રતિ એમની વિનમ્રતા અને લાગણીને કારણે એમનો આદર કરવામાં આવે છે. અંગત રીતે માનું છું કે એમનાં આશીર્વાદ મહાન શક્તિનો સ્રોત છે. લતાદીદીનાં દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે હું પ્રાર્થના કરું છું.’ ભાજપના નેતા પ્રકાશ જાવડેકર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરીને લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છા આપી છે.