મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું કર્યું લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ ચરણ રૂપે રાજસ્થાનના દૌસા શહેરમાં દિલ્હી-દૌસા-લાલસોત વિભાગનું 12 ફેબ્રુઆરી, રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ સેક્શન 246 કિલોમીટરનો છે. આ સેક્શનના બાંધકામ માટે રૂ. 12,150 કરોડનો ખર્ચ થયો છે.

આ સેક્શન શરૂ થવાથી દિલ્હીથી જયપુર સુધી વાહનચાલકો માટે પ્રવાસ સમય હાલના પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થશે. સાથોસાથ આ વિસ્તારમાં આર્થિક વિકાસને વેગ મળશે.

સમગ્ર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિલોમીટરનો છે. તે આખો બંધાઈ ગયા બાદ દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 12 ટકા જેટલું ઘટી જશે અને પ્રવાસ સમય 50 ટકા ઘટી જશે. હાલ વાહનચાલકોને પ્રવાસ સમય 24 કલાક લાગે છે તે ઘટીને 12 કલાકનો થઈ જશે.

આ એક્સપ્રેસવે છ રાજ્યોમાંથી પસાર થશે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ માર્ગ કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોને જોડશે.

દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનું દ્રશ્ય