શ્રીલંકાને આઝાદી દિવસ નિમિત્તે ભારત તરફથી 50 બસની ગિફ્ટ

શ્રીલંકાએ 4 ફેબ્રુઆરીએ તેનો 75મો આઝાદી દિવસ ઉજવ્યો. આ નિમિત્તે ભારતે આ દેશને વધુ 50 પેસેન્જર બસ ભેટ સ્વરૂપે સુપરત કરી છે. આ દેશના ગ્રામિણ વિસ્તારોમાં જાહેર ટ્રાન્સપોર્ટ સેવા સુધારવામાં મદદરૂપ થવા માટે ભારત સરકારે કુલ 500 બસ આપવાનો નિર્ધાર કર્યો છે. અત્યાર સુધીમાં બે બેચમાં 125 બસ પૂરી પાડવામાં આવી ચૂકી છે. 5 ફેબ્રુઆરી, રવિવારે શ્રીલંકાસ્થિત ભારતીય હાઈકમિશનર ગોપાલ બાગલેએ કોલંબોમાં પ્રમુખના મહેલ સ્થિત સચિવાલયમાં દેશના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેને બસને લગતા દસ્તાવેજો સુપરત કર્યા હતા. વિક્રમસિંઘેએ ભારતની ભેટનો સ્વીકાર કર્યો હતો અને રીબન કાપીને બે બસનું ઉદઘાટન કર્યું હતું. બસમાં ચડીને એમણે નિરીક્ષણ કર્યું હતું અને થોડેક સુધી પ્રવાસ કર્યો હતો. એમની સાથે અન્ય ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. 500 બસ સુપરત કરવાનો પ્રોજેક્ટ આ વર્ષના માર્ચમાં પૂરો થશે. શ્રીલંકાને બ્રિટિશ હકૂમત તરફથી 1948ની 4 ફેબ્રુઆરીએ આઝાદી મળી હતી અને 1972ની 22 મેએ તે પ્રજાસત્તાક બન્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]