IPL 2024 : રાજસ્થાન લખનૌને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું

રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે 197 રનનો ટાર્ગેટ હતો. રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સંજુ સેમસને 33 બોલમાં સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે ધ્રુવ જુરેલ 34 બોલમાં 52 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 123 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે મોટી ભાગીદારી

લખનૌ સુપર જાયન્ટ્સના 196 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે 5.5 ઓવરમાં 60 રન ઉમેર્યા હતા. જોસ બટલર 18 બોલમાં 34 રન બનાવીને યશ ઠાકુરનો શિકાર બન્યો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલે 18 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલને માર્કસ સ્ટોઈનિસે પોતાનો શિકાર બનાવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોની વાત કરીએ તો યશ ઠાકુર સિવાય માર્કસ સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટન કેએલ રાહુલ ચમક્યો

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 196 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 48 બોલમાં સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક અને માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને પેવેલિયન ગયા હતા. ક્વિન્ટન ડી કોકે 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઈનિસ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા અને આયુષ બદોનીએ છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા.