કેજરીવાલને કોર્ટમાંથી પહેલી જૂન સુધી ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને ચૂંટણીપ્રચાર માટે પહેલી જૂન સુધી જામીન આપ્યા છે. જોકે CM કેજરીવાલને જુલાઈ સુધી જામીનની માગ કરી હતી. EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કરતાં ગુરુવારે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે ચૂંટણીપ્રચાર જામીનનો આધાર ના હોઈ શકે. એ ના તો ફન્ડામેન્ટલ હક છે અને કાયદેસરનો અધિકાર છે.

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. તેમણે એજન્સીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે EDની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હા, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણીપ્રચારમાં જોડાઈ શકે છે.

એજન્સી કેજરીવાલને લિકર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. બીજી બાજુ, એજન્સી કેજરીવાલ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા છે, જેમાં આપ પાર્ટીને આરોપી બનાવી છે. એવું પડેલી વાર થશે, જેમાં આરોપી તરીકે કોઈ પાર્ટીનું નામ હોય.

કોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત  છે. હવે તેઓ ફરી એક વાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણીપ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને પહેલી જૂન સુધીનો સમય મળી ગયો છે અને બીજી જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.