બાબા કેદારના જયઘોષ સાથે કેદારનાથના ખુલ્યા કપાટ

મહાદેવ ભક્તોની આતુરતા આજે અંત આવ્યો. આજે અક્ષર તૃતિયાના પાવન પર્વના દિવસે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ ભગવાન કેદારનાથ મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે કેદારનાથના કપાટ રાવળ ભીમાશંકર લિંગ અને મુખ્ય પૂજારી શિવશંકર લિગ દ્વારા ખોલવામાં આવ્યા. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબા કેદારનાથ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

ચાર ધામમાંથી એક કેદારનાથના કપાટ ખોલતી વખતી ઉત્તરા ખંડના મુખ્યમંત્રી પુષ્કર સિહં ધામી હાજર રહ્યા હતા. જ્યાં તેમને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખની મનોકામના કરી હતી. જે બાદ મુખ્યમંત્રીએ ભાવી ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. આ રીતે ચાર ધામ માંથી ત્રણ ધામના કપાટ ખુલ્યા છે. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ આગામી 12મી મેના રોજ ખુલશે.

નોંધનીય છે કે ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ 10 હજાર ભક્તો હાજર છે.