ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરી ફટકાર લગાવી છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં થયેલા મતદાનના ડેટાને લઈને ખડગેએ આરોપ લગાવ્યા હતા. એ પત્રને લઈને પંચે કહ્યું હતું કે ખડગેના નિવેદનથી નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ આવે છે. ચૂંટણીની વચ્ચે તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છો અને એવાં નિવેદનોથી મતદાતાઓની ભાગીદારી પર નકારાત્મક અસર પડી શકે છે.

બે દિવસ પહેલાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મતદાનના આંકડા પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે પંચ પર આરોપ લગાવ્યો હતો. તેમણે  ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને અપીલ કરી હતી કે બધા મળીને મતદાનના આંકડા પર  સવાલ ઊભા કરો, કેમ કે અમારો ઉદ્દેશ બંધારણની સુરક્ષા અને લોકતંત્રની રક્ષા કરવાનો છે.ખડગેએ પત્રમાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અમારા લોકતંત્ર અને બંધારણને બચાવવાની લડાઈ છે. લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો અને પંચને જવાબદેહી બનાવવાનું સામૂહિત કર્તવ્ય છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે ભાજપ અને RSS ઝેર છે, તે આપણને આપણા અધિકારોથી વંચિત કરી રહ્યા છે. જો લોકસભા ચૂંટણી બાદ મોદી સત્તામાં આવશે તો તાનાશાહી થશે, કોઈ લોકશાહી નહીં હોય અને કોઈ ચૂંટણી નહીં થાય. નીતીશ કુમારના NDAમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક વ્યક્તિના અલગ થવાથી મહાગઠબંધન નબળું નહીં થાય, આપણે ભાજપને હરાવીશું.