283 બેઠકો પર મતદાન પૂર્ણ, હવે 4 તબક્કામાં 260 બેઠક બાકી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ત્રણ તબક્કામાં 285 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. આથી હવે 259 બેઠક પર બાકીના ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે. ત્યારે આવો એક નજર કરીએ ક્યા રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને ક્યા રાજ્યમાં બાકી છે. બાકીના ચાર તબક્કામાં કયા રાજ્યમાં કેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.19મી એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 21 રાજ્યમાં 102 બેઠક પર મતદાન થયું. જેમાં નોર્થ-ઈસ્ટના રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા(1 બેઠક), સિક્કિમ અને નાગાલેન્ડમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશો પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરની લોકસભાની પાંચ બેઠકો છે. જેના પર શરૂઆતના પાંચ તબક્કામાં દરેક વખતે એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશ (80 બેઠક), પશ્ચિમ બંગાળ(42 બેઠક) અને બિહાર(40 બેઠક) ત્રણ એવાં રાજ્યો છે, જેમાં સાતેય તબક્કામાં મતદાન થવાનું છે.

પુડુચેરી – 01 મિઝોરમ – 01 મેઘાલય – 02
મધ્ય પ્રદેશ – 06 મણિપુર – 02 મહારાષ્ટ્ર – 05
અરૂણાચલ પ્રદેશ – 02 આસામ – 05 બિહાર -04
છત્તીસગઢ – 01 જમ્મુ-કાશ્મીર – 01 લક્ષદ્વીપ – 01
રાજસ્થાન – 12 સિક્કિમ – 01 તામિલનાડુ – 39
ત્રિપુરા – 01 ઉત્તરાખંડ – 05 ઉત્તર પ્રદેશ – 08
પશ્ચિમ બંગાળ – 03 નાગાલેન્ડ – 01 આંદામાન-નિકોબાર -01

26મી એપ્રિલના રોજ બીજા તબક્કામાં 13 રાજ્યમાં 89 બેઠક પર મતદાન થયું. જેમાં કેરળનું સંપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. કર્ણાટકની 28માંથી 14 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ભાજપ શાસિત રાજસ્થાનની 25 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 12 અને બીજા તબક્કામાં 13 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.

આસામ – 05 બિહાર – 05 છત્તીસગઢ – 03
કર્ણાટક – 14 કેરળ – 20 મધ્ય પ્રદેશ – 07
મહારાષ્ટ્ર – 08 મણિપુર – 01 રાજસ્થાન – 13
ત્રિપુરા – 01 ઉત્તર પ્રદેશ – 08 પશ્ચિમ બંગાળ – 03
જમ્મુ-કાશ્મીર – 01

7મી મેના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યમાં 94 બેઠક પર મતદાન થયું. જેમાં સૌથી મહત્વનું રાજ્ય હતું, ગુજરાત. વર્ષોથી જે રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાતના હોય તે રાજ્યમાં આ વખતે ખુબ જ ઓછું મતદા થયું છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્રીજા તબક્કામાં આસામની 4 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું. આમ આસામની કુલ 14 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયુ છે. આથી નોર્થ-ઈસ્ટ અને ઈસ્ટ ભારતમાં લગભગ લોકસભા મતદાન પૂર્ણ થઈ ગયું છે.

આસામ – 04 બિહાર – 05 છત્તીસગઢ – 07
ગોવા – 02 ગુજરાત – 26 કર્ણાટક – 14
મધ્ય પ્રદેશ – 08 મહારાષ્ટ્ર – 11 ઉત્તર પ્રદેશ – 10
પશ્ચિમ બંગાળ – 04 દમણ-દીવ – 02 જમ્મુ-કાશ્મીર – 01

13મી મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યમાં 96 બેઠક પર મતદાન યોજાવાનું છે. ચોથા તબક્કામાં દરેક રાજકીય પક્ષની નજર તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પર રહેવાની છે. તેલંગાણાની 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 2019ના પરિણામોની જો વાત કરવામાં આવે તો 17માંથી 9 બેઠક ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાસે છે. જ્યારે ભાજપ પાસે 4 બેઠક અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે.

આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે પણ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 25માંથી 22 બેઠકો પર વાય.એસ.આર.કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે માત્ર ત્રણ બેઠક જ T.D.P.ના ફાળે ગઈ હતી. કોંગ્રેસ કે ભાજપનું તો ખાતું પણ ખુલ્યું ન હતું. આ સિવાય મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 13, મધ્ય પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર પણ મતદાન થવાનું છે.

ચોથા તબક્કાના ચર્ચિત ચહેરાઓમાં હૈદ્રાબાદથી ભાજપના માધવી લત્તા, AIMIMના અસુદ્દીન ઔવેસી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, કન્નોજથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહ, મુંગેરથી જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ રાજીવ રંજન સિંહ, આંધ્ર પ્રદેશના કડપાથી વાય.એસ.શર્મિલા, ઝારખંડના ખૂંટીથી અર્જુન મુંડા, પશ્ચિમ બંગાળના આસનસોલથી શત્રુઘ્ન સિંહા, બહરામપુરથી અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાના મતદાન બાદ 18 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે.

તેલંગાણા – 17 આંધ્ર પ્રદેશ – 25 બિહાર – 05
ઉત્તર પ્રદેશ – 13 મહારાષ્ટ્ર – 11 જમ્મુ-કાશ્મીર – 01
પશ્ચિમ બંગાળ – 08 મધ્ય પ્રદેશ – 08 ઓડિશા – 04
ઝારખંડ – 04

20મી મેના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર મતદાન યોજાવાનું છે. પાંચમા તબક્કામાં સૌથી રસપ્રદ કહી શકાય એવી બેઠકોમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠીની બેઠક છે. જેમાં અમેઠીની બેઠકના બદલે આ વખતે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ લદ્દાખની એક બેઠક માટે મતદાન થવાનું છે જે સૌથી મહત્વની બેઠક અત્યાર કહી શકાય. આ સિવાય કોઈપણ સિંગલ રાજ્યની ચૂંટણી આ તબક્કામાં થવાની નથી. સાતેય તબક્કામાં છે એવાં રાજ્યો બિહાર-03, ઉત્તર પ્રદેશ -14 અને પશ્ચિમ બંગાળ-07 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની છેલ્લી પાંચમી બેઠક માટે પણ મતદાન થવાનું છે. જ્યારે મહારાષ્ટ્રની પણ છેલ્લી 13 બેઠકો માટે આ તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં મુંબઈની 6 બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરૂપમ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હાલ તો ચર્ચામાં છે.

બિહાર – 05 ઝારખંડ – 03 મહારાષ્ટ્ર – 13 ઓડિશા – 05
ઉત્તર પ્રદેશ – 14 પશ્ચિમ બંગાળ – 07 જમ્મુ-કાશ્મીર – 01 લદ્દાખ – 01 

25મી મેના રોજ છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યમાં 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. છઠ્ઠા તબક્કામાં હરિયાણાની દશેય બેઠક પર મતદાન થવાનું છે. જેમાં કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા, કુમારી શૈલજા, ભાજપના નવીન જિંદલ, આપના સુશીલ ગુપ્તા અને INLDના અભયસિંહ ચૌટાલા જાણીતા ચહેરા છે. આથી 20મી મે બાદ આ રાજ્યમાં સ્ટાર પ્રચારકોના આંટા-ફેરા વધી જશે. આ સિવાય રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પણ સાતેય બેઠકો માટે આ જ તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં મનોજ તિવારી vs કનૈયા કુમારવાળી દિલ્હી નોર્થ-ઈસ્ટ બેઠક પર સૌની નજર છે. આ ઉપરાંત ભાજપના દિવંગત નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના સોમનાથ ભારતી ચૂંટણી લડી રહ્યા છે.

બિહાર – 08 હરિયાણા – 10 ઝારખંડ – 04
ઓડિશા – 06 ઉત્તર પ્રદેશ – 14 પશ્ચિમ બંગાળ – 08
દિલ્હી – 07

1લી જૂનના રોજ સાતમા તબક્કામાં 8 રાજ્યની 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર સૌની નજર હશે. કારણ કે અહીંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે.

બિહાર – 08 ચંદીગઢ – 01 પશ્ચિમ બંગાળ – 09 પંજાબ – 13
હિમાચલ પ્રદેશ – 04 ઉત્તર પ્રદેશ – 13 ઓડિશા – 06 ઝારખંડ – 03

આ ઉપરાંત પંજાબની 13 બેઠકો માટે અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે. જેનું ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે. પરંતુ અહીં પણ મુકાબલો રસપ્રદ ચોક્કસ રહેશે.

(તસવીર – ઈલેક્શન કમિશન વેબસાઈટ)