Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કેટલાંક સપનાં જે પેઢીએ જોયાં હોય તે ભવિષ્યની પેઢીમાં પૂરાં થતાં હોય છે. દાદા વસંતરાવ કાળે જ્યારે પોતાના ખેતરોની, જમીન સાથેના લગાવની અવનવી વાતો તેમના નાનકડાં પૌત્રને કરતાં હતાં, ત્યારે આવું જ બની રહ્યું હતું. પૌત્ર સચીન કાળે એ અચરજભરી વાતો સાંભળી ક્યારે એ જોવા મળશે તેવું વિચારતો. જોકે કોઇપણ મધ્યમવર્ગીય પરિવારના માતાપિતા ઇચ્છે તેમ જ તે પણ એન્જીનિયર કે ડોક્ટર બનવાનો હતો, ખેડૂત નહીં. માતાપિતાના સપનાં પ્રમાણે સચીને નાગરુપ VRCE, જે પહેલાં REC નાગપુર તરીકે ઓળખાતું તેમાંથી મિકેનિકલ એન્જીનીયરિંગ કર્યું. અભ્યાસમાં તેજસ્વી સચીન એમબીએ પણ ભણ્યો અને લૉ ગ્રેજ્યુએટ પણ બન્યો…!

હવે વારો આવ્યો કેરિયરનો. તેણે એક પાવર પ્લાન્ટમાં કામ શરુ કર્યું અને પોતાની ટેલેન્ટના બળે 24 લાખની કમાણી કરતો થઈ ગયો. તો પણ અભ્યાસકાર્યરુપે 2007માં ડેવલપમેન્ટલ ઇકોનોમિક્સ વિષય સાથે પીએચડી કરતો હતો. બસ, આ દરમિયાન તેને ઉદ્યોગસાહસિક થવાનું મગજમાં આવ્યું. તેને એમ થયું કે તે અન્યો માટે કેમ કામ કરે છે, પોતાના માટે કેમ નહીં..આ પ્રકારના વિચારો કેરિયરની ચડતી જતી સીડી પર પણ સતાવવા લાગ્યાં.

સચીન કહે છે, એન્તોરપ્રિન્યોરશિપના વિચારો આવતાં મને થતું કે આપણે ત્યાં ફૂડ ઇન્ડસ્ટ્રી ખૂબ ઉપેક્ષિત રહી છે. આ સમયે મારા દાદા જે ખેતીવાડી વિશે જે વાતો કહેતાં તે યાદ આવતી. દાદા કહેતાં કે કોઇપણ માણસ કમાયા વિના જીવી શકે છે પરંતુ ખોરાક વિના જીવી શકતો નથી. જો તમે તારું પોતાનું અનાજ ઉગાડવાની કળા જાણતાં હો તો તમે કોઇપણ પરિસ્થિતિમાં જીવી શકો છો. તે પોતાની 25 એકરની પૈતૃક જમીનમાં લઇ જતાં ત્યારે ઇચ્છા વ્યક્ત કરતાં કે એકદિવસ તેઓ આ જમીનને ખેતરમાં પરિવર્તિત કરશે.

દાદાએ આપેલા લેસનમાંથી એક મુદ્દા પર સચીને ધ્યાન કેન્દ્રિત કર્યું ખેતીકામ માટે દાડિયા-મજૂર મળવા બાબતે. કૃષિક્ષેત્રમાં ઉત્સાહિત કરતાં તેની સમસ્યાની ચેતવણી પણ આપી કે શ્રમિક મળવા મુશ્કેલ છે. તેઓ જે કમાણી કરી રહ્યાં છે તેનાથી વધુ કમાણી થવાની હોય તો જ તેઓ તમારા માટે કામ કરશે. સચીને આ વાત પકડી, અને વિચાર્યું કે ખેડૂતોને વધુ લાભ કેવી રીતે મળી શકે. સચીન સમજી ગયો કે તેણે એગ્રીપ્રિન્યોર બનવું હશે તો ખેતી કેવી રીતે કરવી તે શીખવું પડશે અને વધુ કમાણી કરી બતાવી એક ઉદાહરણરુપ બનવું પડશે.

બસ, પછી તો 2013માં સચીને ગુરગાંવમાં પૂંજલોઇડ મેનેજર તરીકેની પોતાની વાર્ષિક 24 લાખની લક્ઝૂરિયસ જોબ છોડી દીધી. અને ખેડૂત બનવા માટે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના પોતાના ગામ મેધપરમાં બિસ્તરાંપોટલાં સાથે, પરિવાર સાથે આવી ગયો. પાકા ઇરાદા સાથે ખેડૂત બનવાની તેની ઇચ્છા જો પાર ન પડે તો પરિવાર માટે થઇને પોતાની કોર્પોરેટ લાઇફમાં પાછો ફરશે તેવી તૈયારી સાથે !

તેણે પોતાની પંદર વર્ષની જોબ દરમિયાનના પ્રોવિડન્ટ ફંડના તમામ પૈસા ખેતીમાં રોકાણ કર્યાં. એક ભણેલાંગણેલાં માણસ તરીકે પોતાના કૌશલ્યના વિશ્વાસ અને મજબૂત ઇરાદા સાથે સચીને ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવી લીધું. તેણે મોડેલ વિકસાવ્યું જેમાં તેની જમીન  રાઉન્ડ ધ યર પ્રોફિટ આપી શકે. વર્ષમાં અમુક જ માસની ખેતી પર આધારિત રહેવાની જગ્યાએ  સતત પાક લેવાની તેની ગણતરી હતી. હવે આ મોડેલના લાભ વિશે સમજવાનું શરું કર્યું. તેણે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ વિશે ઘણું રીસર્ચ કર્યું અને કન્વીન્સ્ડ થયો કે તેના મોડેલથી વધુ આર્થિક લાભ સાથે સ્થાયી આવક ઉપલબ્ધ થઇ શકશે.

આખરે 2014માં સચીને પોતાની Innovative Agrilife Solutions કંપની લોન્ચ કરી. જે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને મદદ કરતી હતી. કામ કાચું ન રહે તે માટે સચીને બિલાસપુર એગ્રિકલ્ચર કોલેજના સલાહકારોને હાયર્ડ કર્યાં. તેમના દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અને ખેતીની યોગ્ય પદ્ધતિઓ શીખવી. કોન્ટ્રેક્ટ ફાર્મિંગ એક રીતે ખેડૂત અને ખેતપેદાશનો કરાર છે જેમાં ખેતપેદાશોના ખરીદકર્તા ખેડૂતોને ફંડિંગ આપે છે અને બદલામાં પોતાની માગણી મુજબનો પાક અને ખેતપદ્ધતિ ઇચ્છે છે. જમીન ખેડૂતની માલિકીની જ રહે અને પાકની ઉપજના નાણાંમાં ખેડૂતને ભાગ મળે છે. ખેતપેદાશની કીમત પહેલેથી ફિકસ કરી દેવાય છે અને પાક સફળ થાય કે નિષ્ફળ, તેને નિશ્ચિત રકમ ચૂકવી જ દેવાય છે. માર્કેટમાં જો વધુ કીમત મળે તો તે પ્રમાણે ખેડૂતને પણ વધુ નાણાં મળે..આવી વિનવિન સિટ્ચ્યૂએશન બંને પક્ષો માટે રહેતી હોય છે. સચીને આ પ્રમાણે અન્ય ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જોડવા માટેનું કામ કરવું શરુ કર્યું.

એક યુવક જેણે કદી ખેતી કરી નથી તે વર્ષોથી ખેતી કરતાં ખેડૂતોને ખેતી શીખવવા જાય એવી આ ઘટના હતી. આ અનુભવ કેવો રહ્યો તે યાદ કરતાં સચીન કહે છે, શરુઆતના બે વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યાં. શહેરમાંથી આવેલા એક આધુનિક યુવક પર 70 વર્ષનો ખેડૂત વિશ્વાસ કઇ રીતે મૂકે? પણ હું જ્યારે કાગળ પર તેમની સાથે નાણાકીય મુદ્દાઓ ચર્ચતો ત્યારે તેમને રસ પડવા લાગ્યો. મારી 24 એકર જમીનમાં ડાંગર અને સીઝનલ શાકભાજીના પાક લેવાનું શરુ કર્યું. ખેડૂતોને બતાવ્યું કે તેઓ ફક્ત ચાર માસ માટે ડાંગર વાવીને આઠ માસ માટે તેમની જમીનનો ઉપયોગ છોડી દઇ કમાણી ગુમાવી રહ્યાં છે. સફળતા જોઇને ખેડૂતોને તરત જ વિશ્વાસ બેઠો અને તે પછી તેમને જણાવ્યું કે તેઓ આખા વર્ષ દરમિયાન કઇ રીતે સીઝનલ પાક લઇ વધુ કમાણી કરી શકે છે. આ પોઇન્ટ હતો જ્યાંથી સચીનની રનિંગ સફળતાના રસ્તે પૂરપાટ દોડી.

આજે તેની કંપની 137 ખુશખુશાલ ખેડૂતોની કંપની પણ છે, જે 200 એકર જમીનમાંથી વાર્ષિક બે કરોડ રુપિયાની કમાણી કરી રહી છે. સચીન પ્રોફિટ વધુ થાય તો વધુ ભાગ ખેડૂતોને શેર કરવાનું ભૂલતો નથી.

સચીનનું આગળનું સ્વપ્ન છે કે તેની કંપની મુંબઇ સ્ટૉક એક્સચેન્જમાં નોંધાય અને કૃષિ તેમ જ કૃષિકારો દેશના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવે.

બાય ધ વે, સચીને જ્યારે 24 લાખની શહેરી સુખસાહ્યબીની જિંદગી છોડી ગામડે ખેડૂત બનવાનો નિર્ણય કર્યો ત્યારે તમે શું માનો છો તેની પત્નીની શી પ્રતિક્રિયા હશે ? સચીનની પત્ની કલ્યાણી પોતે કોમ્યૂનિકેશનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે કહે છે, હા એ શહેરી જિંદગી થોડી મિસ તો કરીએ છીએ, પરંતુ તેનાથી વધુ એન્જોયમેન્ટ એ છે કે અમે સાથે જિંદગી જીવીએ છીએ.સચીન કોર્પોરેટ જોબમાં હતો ત્યારે મહિનામાં 20 દિવસ ટ્રાવેલિંગમાં રહેતો હતો. વધુમાં અમને હવે તાજી હવા મળે છે અને અમે એકદમ ફ્રેશ અને હેલ્ધી ફૂડ આરોગીએ છીએ. આ ફાયદો કંઇ જેવો તેવો છે, શું કહો છો…!


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS