અવસર પતિની પ્રશંસા કરવાનો… Just Love

મુંબઈ: વાત જ્યારે પ્રશંસાની આવે ત્યારે લગભગ માણસ માત્રને ગમતી હોય છે. પ્રશંસા એક એવો સ્ત્રોત છે જેમાંથી આત્મવિશ્વાસ મળે છે અને જો તેનું પ્રમાણ વધી જાય તો શું થાય તે પણ તમે જાણો છો. ખેર, આજે આપણે પતિની પ્રશંસાની વાત કરીએ. શું તમે તમારા પતિની સામે તેની પ્રશંસા કરો છો? જો કરતાં હોય તો બહુ જ સરસ પરંતુ જો ના કરતાં હોય તો આજે બેસ્ટ દિવસ છે પતિના ભરપૂર વખાણ કરી પ્રેમ વ્યક્ત કરવાનો. આજે 20 એપ્રિલના રોજ “પતિ પ્રશંસા દિવસ” (Husband Appreciation Day)છે. આ ખાસ અવસરે ચિત્રલેખાએ મુંબઈની કેટલીક મહિલાઓ સાથે વાત કરી તેમના પતિના ગમતાં ગુણો વિશે જાણ્યું હતું. ચાલો જાણીએ મુંબઈની આ લેડિઝ તેમના પતિને શું કહેવા માગે છે? અને તેમની કઈ ક્વોલિટી સૌથી વધુ ગમે છે.

રિદ્ધિ થડેશ્વર, વસઈ

પ્રિય સ્મિત,
તમે સંબંધના તમામ પાસાઓમાં વિશ્વસનીય અને પ્રામાણિક છો. તમે રિલેશનમાં સમર્પિત છો અને પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવા તૈયાર છો. તેમજ તમે કાઈન્ડ અને કેરિંગ પર્સન છો. આઈ લવ યુ.

કુંતલ સોનપાલ, કાંદિવલી

પ્રિય ચેતન,
યુ આર સો કેરિંગ એન્ડ કાઈન્ડ. એક પ્રાણિક હીલિંગ ટ્રેનર બનવામાં મને તમારો ખૂજ સહકાર મળ્યો છે. મને આગળ લાવવા માટે તમે મને પ્રાણિક હીલિંગ શીખવ્યું અને હવે આપણે બંને એકસાથે મળીને પ્રાણિક હીલિંગને ફેલાવી રહ્યાં છીએ તેનો આનંદ છે. ખૂબ પ્રેમ અને વ્હાલ.

સાવિત્રી શાહ, મરિન લાઈન્સ

પ્રિય રાજીવ,
આપણી એક વાત મને બહુ જ ગમે છે કે આપણને બંનેને ફરવાનો શોખ છે. તમારી સાથે દરેક ટ્રીપની મજા આવે છે. મારા હિસ્સાની જવાબદારી નિભાવવામાં પણ તમે મને ખુબ સપોર્ટ આપ્યો છે. ખાસ, આજે પચાસની ઉંમર વટાવ્યા બાદ હું ફરી અભ્યાય કરું છું તેનો શ્રેય પણ તમને જાય છે. તમારા સહકારથી મને પ્રોત્સાહન મળે છે. તમે ખુબ જ પ્રેમાળ છો. તમે એકદમ ફિટ છો. સૌથી મહત્વનું કે તમારે કારણે મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. મને મારી ઓળખ કરાવવા બદલ આભાર.ખૂબ જ પ્રેમ અને વ્હાલ.

અનિતા ભાનુશાલી, ગોરેગાંવ

પ્રિય દિપક,
દિપક,તમારા માટે મારે એક લાઈનમાં કઈંક કહેવું હોય તો હું એટલું કહીશ કે લગ્નના ત્રેવીસ વરસે એ વાતનો રાજીપો છે કે ‘હું તને પ્રેમ કરું છું’એ લાગણી તમે કહેવા કરતા કરવામાં વધુ વ્યક્ત કરી છે. ખૂબ ખૂબ પ્રેમ અને વ્હાલ.

ગોપી શાહ, મરિન લાઈન્સ

પ્રિય અલ્પેશ,
મને તમારા સહુથી વધુ ગમતા ગુણોમાં એક તો તમને કોઈપણ પ્રકારનું વ્યસન નથી.બીજા ભારે વ્યસનો તો દૂર પણ સાદા પાન જેવી પણ આદત નથી. બીજું, તમે અતિશય પરિવાર પ્રેમી છો, જેમાં પરિવાર એટલે ફક્ત આપણે અને આપણા બાળકો જ નહિ પણ આપણા બંનેના માતાપિતા અને ભાઈબહેનો સહુએ આવી જાય.ત્રીજી વાત એ કે, એક સહુથી ગમતી બાબત જે હું ઘણી મહેનત કરવા છતાં મારામાં ખીલવી નથી શકતી એ એ છે કે તમે કોઈપણ પરિસ્થિતિને એની સાથે જોડાયેલા તમામ લોકોની દ્રષ્ટિથી જોઈ શકો છો અને તેથી તમે બીજાને પણ મદદ કરી શકો છો. ખૂબ પ્રેમ.

ઊર્વી નિશાર, થાણે

પ્રિય દર્શિલ,
હું મારી કોઈ ઈચ્છાઓ સાથે કોમ્પ્રાઈઝ કરીને તો લગ્ન નથી કરી રહી ને! એ મેક સ્યોર કર્યુ તે મને બહુ જ ગમ્યું હતું. મને ખબર છે કે હું એક પ્રોફેશનલ વર્કિંગ વુમન છું તેનો તમને ગર્વ છે અને તમે સપોર્ટ પણ કરો છો. તમારી ઓફિસ અને મારું ક્લિનિક એક જ જગ્યાએ હોવાથી મારે બિલ,ઓફિસ ખોલવી કે બંધ કરવી વગેરેની કાળજી લેવાની જરૂર નથી રહેતી. તમે ખૂબ જ સોશિયલ અને ઈન્ટરેક્ટિવ પર્સન છો. મારો એક મોટો સંયુક્ત પરિવાર છે, ત્યાં તમે બધાના દિલ જીતી લીધા છે. તમે સંબંધોને ખૂબ જ સારી રીતે સંભાળો છો. અઢળક પ્રેમ.

શેફાલી વોરા, વિલે પાર્લે

પ્રિય ભાવેન,
તમે ખુબ કેરિંગ અને પ્રેમાળ છો. મને મારા જીવનમાં બધી સ્વતંત્રતા આપી છે. હું જ્યારે મુંઝવણમાં હોઉં ત્યારે તમે મને તમામ સૂચનો આપ્યાં છે. સૌથી મહત્વની વાત, તમે મને રોજ સમયસર દવા આપો છો. અઢળક પ્રેમ.

આ તો પતિનો ખાસ દિવસ છે એટલે તેમની વાત કરી. બાકી આ અહેવાલ વાંચીને તમને કોઈની પણ પ્રશંસા કરવાનું મન થાય તો સંકોચ વગર કરી દેજો. શું ખબર તમારી પ્રશંસા કદાચ તેમના માટે આત્મવિશ્વાસનું એક પગથિયું બની જાય.

(નિરાલી કાલાણી)