યુગસર્જક લેખક વજુભાઈ કોટકને જન્મતિથિએ સ્મરણાંજલિ

ગુજરાતી ભાષાના દિગ્ગજ લેખક, પત્રકાર અને ગુજરાતી સમાજને ‘ચિત્રલેખા’ સાપ્તાહિકની અમૂલ્ય ભેટ આપનાર ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી વજુભાઈ કોટકની આજે ૧૦૯મી જન્મતિથિ છે. વજુભાઈનાં વિવિધ સાહિત્ય સર્જનોએ અનેક દાયકાઓ પૂર્વે ચિત્રલેખાના વાચકોને તો ભારે ઘેલું લગાડ્યું હતું, પણ આજની પેઢીનાં ગુજરાતીપ્રેમીઓમાં પણ ચાહના ધરાવે છે.

વજુ લખમશી કોટકનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫માં રાજકોટમાં થયો હતો. એમણે 1947થી 1959ના ગાળા વચ્ચે લખેલાં અને ‘ચિત્રલેખા’ના વાચકોમાં અતિ લોકપ્રિયતા હાંસલ કરનાર ચિંતનાત્મક સંગ્રહ ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનું ગયા વર્ષે મુંબઈમાં એક ખાસ સમારોહમાં વિમોચન કરવામાં આવ્યું હતું જેથી વજુભાઈ લિખિત રત્નકણિકાઓનો લાભ નવી પેઢીનાં લોકોને ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે.

વજુભાઈએ લખેલા પ્રભાતનાં પુષ્પોના ઓડિયો સંસ્કરણમાં સ્વર સુપ્રસિદ્ધ ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું.

‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિના ઉદઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનો આનંદ વ્યક્ત કર્યો હતો અને પત્ર લખીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. એમણે લખ્યું હતું કે, ‘તંત્રી, પત્રકાર અને નવલકથાકાર, પટકથા-સંવાદલેખક જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા વજુભાઈનું ગુજરાતી પત્રકારત્વમાં માતબર પ્રદાન રહ્યું છે. તેમનાં વિચારપુષ્પો પેઢી-દર પેઢી વાચકોમાં અત્યંત લોકપ્રિય અને સમયની સાથે તરોતાજા રહ્યા છે. આજે વજુભાઈના શબ્દોને વાણીસ્વરૂપ મળે છે તે ગુજરાતી પત્રકારત્વની ગૌરવપૂર્ણ ઘટના છે.’

વજુભાઈની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી એમને આદરાંજલિ. એમને સ્મૃતિવંદના રૂપે અહીં પ્રસ્તુત છે ‘પ્રભાતનાં પુષ્પો’ અને ‘ઝાકળબિંદુ’માંથી ખાસ ચૂંટેલી કૃતિઓ.

લાકડવાયા લેખકનાં લોકપ્રિય ‘પ્રભાતનાં પુષ્પો’:

‘અમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ, એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં? ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું, કે મારા રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઈને હું આવ્યો છું એ જો અંતરમાં સંઘરશો તો પછી તમને ચારેબાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે.’

*******

વજુભાઈ રચિત ઝાકળબિંદુઃ