‘વજુભાઈ કોટકનાં ‘પ્રભાતનાં પુષ્પો’ મનને પ્રસન્ન કરનારા છે’: પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા

‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુ કોટકની લોકપ્રિય કોલમને અનુરૂપ ભવ્ય બની રહ્યો ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનો મુંબઈસ્થિત લોકાર્પણ કાર્યક્રમ

સત્ય હકીકત એ છે કે મહાન કાર્ય કરવા માટે કદી પણ અનુકૂળ સંજોગો મળતા જ નથી. પ્રતિકૂળ સંજોગોની સામે જ સર્જકોની શક્તિ સદા ખીલી ઊઠે છે. જેમ જેમ આફતોના પહાડ તૂટતા જાય છે તેમ તેમ એની શક્તિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે અને કાર્યની સિદ્ધિ માટે એ ઝઝૂમે છે. નદી જ્યારે પહાડમાંથી નીકળે છે ત્યારે તે એમ નથી કહેતી કે, ‘મારી સામે પથ્થરો ખડકાયા છે. હું કેવી રીતે આગળ વધીશ.’ એ તો રસ્તા પર પડેલા પથ્થરો સામે માથું ઝીંકે છે, હેરાન થાય છે, પોતાનો પ્રવાહ વેગવંતો બનાવે છે અને આખરે પથ્થરોની છાતી વીંધીને તે સાગરને ભેટી પડે છે…

******

આખરે જે હતું તે ગયું અને હું આજે આકાશ સામે મીટ માંડીને જોયા કરું છું. વહેલી સવારે પતંગ લઈને અગાસીમાં ગયો. આકાશમાં દૂર દૂર ઊડવાની ઈચ્છા હતી, સૂર્યને સંદેશો પહોંચાડવો હતો, ઊડતા પંખીઓ સાથે વાતો કરવી હતી અને એકલી-અટૂલી કોઈ વાદળીનું અંતર ઉઘાડવું હતું. પવન અનુકૂળ હતો અને એક જ સપાટે પતંગ ઉપર ચાલ્યો. હવાની લહેરો પર એણે ડોલવા માંડ્યું…

******

આ છે, લોકપ્રિય ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી અને લેખક વજુ કોટક લિખિત ચિંતનાત્મક લખાણોના સંગ્રહ ‘પ્રભાતનાં પુષ્પો’ની અમુક કડી. વજુભાઈ લિખિત આ ચિંતનકણિકાઓથી ભાગ્ય જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી એમની કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’ અત્યંત લોકપ્રિય નીવડી છે. વજુભાઈનાં સમયાતીત લખાણને હવે ઓડિયો સ્વરૂપે એમના ચાહકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુંબઈમાં 10 જૂન, શનિવારે બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલા આ સંસ્કરણનું જાણીતા કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ એમના આશીર્વચન સાથે વિમોચન કર્યું હતું. ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિમાં સ્વર જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું. લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ફિલ્મ અભિનેતા મનોજ જોશી અને લેખક-વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને હરીશ ભીમાણીની વિશેષ ઉપસ્થિતિ હતી.

આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન અને વજુ કોટકના જ્યેષ્ઠ પુત્ર મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટક, રાજુલબેન મૌલિક કોટક, વજુભાઈ-મધુરીબહેનનાં પુત્રી રોનકબેન ભરતભાઈ કાપડિયા, અદિતી મનન કોટક સહિત કોટક પરિવારજનો અને સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. એમણે પોતાના આશીર્વચન સંબોધનમાં કહ્યું હતું કે, ‘દાદા વજુભાઈ કોટકના શબ્દસર્જનને ઓડિયો સ્વરૂપે રિલીઝ કરવાના નિર્ણય માટે હું મનન કોટકને અભિનંદન આપું છું. શ્રુતિ, સ્મૃતિ, લેખન, વાંચન – એમ એક વર્તુળ હોય છે. પરંતુ કોટક પરિવારે આ વર્તુળને પૂરું થવા નથી દીધું અને વજુભાઈની કોલમને ઓડિયો સ્વરૂપે રિલીઝ કરીને તેને ગતિશીલ રાખ્યું છે. વજુભાઈ લિખિત પ્રભાતનાં પુષ્પોની આ ઓડિયો આવૃત્તિ ઘર-ઘરમાં, મન-મનમાં, હૃદય-હૃદયમાં પહોંચે એવી શુભેચ્છા આપું છું અને મારા આશીર્વાદ આપું છું.’

તે સાથે જ પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિનું પૂજ્ય ભૂપેન્દ્રભાઈએ વિમોચન કર્યું હતું અને તેનો QR કોડ વિશાળ સ્ક્રીન પર દર્શાવીનને શ્રોતાગણને તે સ્કેન કરવા ઓફર કરવામાં આવ્યો હતો.

અભિનેતા મનોજ જોશીએ વજુભાઈના એક પ્રભાતનાં પુષ્પનું પઠન કર્યું હતું અને કહ્યું કે, ‘આજની પેઢીને વજુભાઈની કોલમને સાંભળતી કરવાના અદ્દભુત પ્રયત્ન બદલ હું મનન કોટકને અભિનંદન આપું છું.’

લેખક-વક્તા જય વસાવડાએ કહ્યું હતું કે, ‘પ્રભાતનાં પુષ્પ એ માત્ર પુસ્તક નથી, પરંતુ એક ટ્રેન્ડ સેટર છે. દાદા વજુભાઈએ મનન કરીને જે લખ્યું હતું એને પૌત્ર મનન કોટકે આપણી સમક્ષ ઓડિયો સ્વરૂપમાં પ્રસ્તુત કર્યું છે એ વખાણવાલાયક છે. પ્રભાતનાં પુષ્પોનું આ માધ્યમ ફૂલોમાંથી બનેલું અત્તર છે. પ્રભાતનાં પુષ્પો અને તેની ઓડિયો આવૃત્તિ માત્ર શબ્દો નથી અને વાણી નથી, પરંતુ એક આધાર છે – ધરિ છે.’

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે, ”ચિત્રલેખા’ સાથે મારો સંબંધ 50 વર્ષ જેટલો જૂનો છે. ચિત્રલેખાનો અંક ઉઘાડતાં પ્રથમ પાને વજુભાઈ સર્જિત પ્રભાતનાં પુષ્પ વાંચવાનું બહુ ગમે. ચિત્રલેખાની સ્થાપનાને આજે સાત દાયકા થઈ ગયા છે અને તેની ગરિમાને જાળવી રાખવા બદલ હું કોટક પરિવારને અભિનંદન આપું છું. પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિના લોકાર્પણ કાર્યક્રમ માટે એનએસઈ સંસ્થા નિમિત્ત બની છે તેનો હું આનંદ અનુભવું છું. ઓડિયો સંસ્કરણ ઉત્તમ સુવિધા છે અને લોકોને આ માધ્યમ દ્વારા પ્રભાતનાં પુષ્પો સાંભળવા જરૂર ગમશે.’

મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે, ‘સંજોગોના ઉતાર-ચડાવ વચ્ચે પણ ચિત્રલેખાની નૌકાને સ્થિર રાખીને અને પ્રભાતનાં પુષ્પો કોલમને હવે ઓડિયો આવૃત્તિમાં રિલીઝ કરીને મૌલિક કોટકે એમના પિતા પ્રત્યેની લાગણી દર્શાવી છે. કોટક પરિવાર માત્ર ચિત્રલેખાનો જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યનો પણ પરિવાર છે. વજુભાઈ આજે જ્યાં પણ હશે ત્યાંથી તેઓ આત્મા સ્વરૂપે નિહાળતા હશે અને એમના આશીર્વાદ આપતા હશે. આ કાર્યક્રમ માટે કોટક પરિવારને મારા ધન્યવાદ છે.’

પ્રભાતનાં પુષ્પો માટે પોતાનો સ્વર આપનાર હરીશ ભીમાણીએ કહ્યું, ‘હું મારી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 27,000થી વધારે રેકોર્ડિંગ કરી ચૂક્યો છું, પરંતુ પ્રભાતનાં પુષ્પોનું રેકોર્ડિંગ નોખા પ્રકારનું રહ્યું. આ રેકોર્ડિંગમાં ભાવનાત્મક એકાત્મતા છે. પ્રત્યેક પ્રભાતનાં પુષ્પનું રેકોર્ડિંગ કરાવીને જ્યારે એ સાંભળતો ત્યારે એમાં ખોવાઈ જતો. આ ઓડિયો આવૃત્તિ સાંભળનારના માત્ર કાન સુધી જ નહીં, પરંતુ હૃદય સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ માટેના મેક્રો-મેનેજમેન્ટ માટે મનન કોટકનો ખરેખર આભાર માનવો જોઈએ. જે લોકો વજુભાઈનાં પ્રભાતનાં પુષ્પો વાંચી શક્યા ન હોય તો કંઈ નહીં, આ ઓડિયો આવૃત્તિ સાંભળવામાં પણ એટલું જ પુણ્ય છે.’

અગાઉ, મૌલિક કોટકે પૂજ્ય ભૂપેન્દ્રભાઈને પુષ્પ અને સ્મૃતિચિન્હ આપીને એમનું સ્વાગત કર્યું હતું. મૌલિકભાઈએ કહ્યું કે, ‘મારા પિતા વજુભાઈએ દાયકાઓ પહેલાં એવાં પુષ્પોનું સર્જન કર્યું હતું જે આજે પણ કરમાયા નથી. પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિનું લોકાર્પણ આનંદનો અવસર છે, પણ સાથોસાથ મારા માતુશ્રી સ્વ. મધુરીબહેનની ગેરહાજરીનો એક રંજ પણ છે. અમારા બાપુજીએ અઘરા વિષયો પર લખવાનું 18 વર્ષની ઉંમરથી જ શરૂ કરી દીધું હતું. બાપુજીના નિધન બાદ માતા મધુબેને પ્રભાતનાં પુષ્પોની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી હતી. મારા પુત્ર મનનને પ્રભાતનાં પુષ્પો ખૂબ બધા ગમી ગયા હતા. એમણે તેનો સતત અભ્યાસ કર્યો હતો અને પછી એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપણે પ્રભાતનાં પુષ્પોની સુગંધને એક નવા – ઓડિયો માધ્યમથી નવી પેઢી સુધી લઈ જવી જોઈએ. ઓડિયો સ્વરૂપે સાંભળીને આજની પેઢીનાં લોકો પણ પ્રભાતનાં પુષ્પોને જાણી શકે. એમની આ પહેલ ખરેખર આવકારદાયક છે. આપણી નવી પેઢીમાં ગુજરાતીનું વાંચન ઓછું થઈ રહ્યું છે ત્યારે વધુ ને વધુ લોકો સુધી આપણું દરેક પ્રકારનું સાહિત્ય આ રીતે પહોંચાડી શકાય છે અને પ્રભાતનાં પુષ્પોના ઓડિયો સંસ્કરણ સાથે ‘ચિત્રલેખા’એ પણ એ કામ આદર્યું છે એ આનંદની વાત છે. મને આશા છે કે વજુભાઈના ચાહકો આ ઓડિયો સંસ્કરણને પણ પ્રેમથી વધાવી લેશે.’

મૌલિકભાઈએ એમના પિતા સાથેની કેટલીક વાતો શેર પણ કરી હતી અને કહ્યું કે, ‘એ કાયમ કંઈને કંઈ લખતા જ રહેતા. એમને શાંતિ ખૂબ પ્રિય હતી. એ જ્યારે લખતા હોય ત્યારે જરાય અવાજ થાય એ તેમને ગમતું નહીં. એમને ફોટોગ્રાફીનો પણ બહુ શોખ હતો. મને અને મારા ભાઈ બિપીનને ફોટોગ્રાફી વિશે એમનામાંથી જ પ્રેરણા મળી હતી.’

‘ચિત્રલેખા’ પરિવારની નવી પેઢીના સુકાની એવા મનન કોટકે જણાવ્યું હતું કે, ‘મને મારા દાદા વજુભાઈ સર્જિત પ્રભાતનાં પુષ્પોમાં પ્રેમ, શક્તિ, માર્ગદર્શન અને રચનાત્મક્તાનાં ગુણ જોવા મળ્યા છે. આને ઓડિયોના નવા માધ્યમથી, નવા સ્વરૂપે, નવી પેઢી સમક્ષ પહોંચાડવાનું મેં સપનું સેવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિમલ નથવાણી મને આ માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોજેક્ટમાં અમે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ અનેક સ્પોન્સર્સનો ટેકો સાંપડતો ગયો.’ મનનભાઈએ આમ કહીને આશિષકુમાર ચૌહાણ, હરીશ ભીમાણી, લાલુભાઈ સહિત સૌનો આભાર માન્યો હતો.

મનનભાઈએ વધુમાં કહ્યું કે, ‘હરીશભાઈ ભીમાણીને પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિમાં એમનો સ્વર આપવા સહમત થયા હતા. દરેક ચેપ્ટર વિશે એમની સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. એમના જીવનસાથી રેખાબેને સૂચન કર્યું હતું કે આમાં બેકગ્રાઉન્ડ સંગીત પણ હોવું જોઈએ. તેથી એ પીરસ્યું દીપક શાહે. એમણે પ્રભાતનાં પુષ્પોનાં દરેક ચેપ્ટરના મૂડ પ્રમાણે સંગીત આપ્યું છે. મારા દાદી મધુરીબેનને ઓડિયો આવૃત્તિનું પહેલું ચેપ્ટર સંભળાવ્યું હતું, પરંતુ જૈફ વયને કારણે નિધન થવાથી તેઓ આજના પ્રસંગે હાજર રહી શક્યાં નથી તેનું દુઃખ છે. મારી સાત વર્ષની દીકરી તનાયાને પણ પ્રભાતનાં પુષ્પોનું ઓડિયો વર્ઝન સાંભળવાની મજા આવે છે.’

મનનભાઈએ એમના આ પ્રોજેક્ટ અને લોકાર્પણ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો અને દરેકના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમ કેઃ સ્પોન્સર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીવરાજ 9 (નાઈન) ટી, જેડ બ્લ્યૂ, બેન્ચમાર્ક વોટર હીટર, સ્પાયરન મસાલા, મંગલ ફાઉન્ડેશન, પાર્ટનર નેશનલ સ્ટોક એક્સચેન્જ, હેત ગ્રાફિક્સ, ખુશી આઉટડોર એન્ડ એમ્બિયન્ટ મીડિયા, સમાચાર-ફોર-મીડિયા ડોટ કોમ, ન્યૂઝ ટીવી, પાર્ટનર ટીવી-નાઈન ગુજરાતી, આઉટડોર પાર્ટનર-મુંબઈ બ્રાઈટ મીડિયા લિમિટેડ, વિડિયો પાર્ટનર 92.7 બિગ એફ એમ.

આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહીને આ આમંત્રિત કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. એમાં સાહિત્યકાર દિનકર જોષી, સાહિત્યકાર વર્ષા અડાલજા, ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી સરિતા જોશી, સ્ટેજ સંયોજક લાલુભાઈ અને એમના ગાયિકા પત્ની રૂપા બાવરી, હેમરાજ શાહ, નાટ્યલેખક પ્રવીણભાઈ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના લલિતભાઈ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મુઝુમદાર, અગ્રણી શૅર બ્રોકર દેવેન ચોક્સી, ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા, સ્વરકાર ઉદય મઝુમદાર, ‘જન્મભૂમિ’ ગ્રુપના અખબારોના તંત્રી-સીઈઓ કુંદન વ્યાસ, ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નિલેશ દવે, ‘મિડ-ડે ગુજરાતી’ના તંત્રી બાદલ પંડ્યા, વાણિજ્ય પત્રકાર જયેશ ચિતલિયા, એન.એમ. ઠક્કર કંપનીના હેમંત ઠક્કર તથા અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનો આનંદ વ્યક્ત કર્યો છે અને પત્ર લખીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તે પત્રને વિશાળ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનાં સંચાલક નેહલ ગઢવીએ તે વાંચી સંભળાવ્યો હતો. તદુપરાંત, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકનાર અભિનેતા પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝા, પરેશ રાવલ અને ફિલ્મ નિર્માતા વિપુલ શાહનો વિડિયો શુભેચ્છા સંદેશ પણ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મધુરીબહેન કોટકનાં શબ્દોને સ્વરસરિતા રૂપે રજૂ કરતા એક વિડિયોની પણ રજૂઆત કરવામાં આવી હતી. વિડિયોમાં અભિનેત્રી સરિતા જોશીએ મધુબહેનનાં શબ્દોને પોતાનો સ્વર આપ્યો છે.

કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવીએ રસપ્રદ શૈલીમાં કર્યું હતું. એમણે કહ્યું કે, ‘વજુભાઈની શબ્દચેતના આજે પણ ઝળકે છે. એમણે સાત દાયકા પહેલાં ચૂંટેલા પુષ્પો આજે પણ કરમાયા નથી. આ સાથે જ મધુરીબહેન કોટકનું પણ વિશેષ સ્મરણ કરીએ જેમણે એમનાં પતિ વજુભાઈએ નાની ઉંમરે આકસ્મિક વિદાય લીધા બાદ એમની પત્રકારત્વની યાત્રાને અટકવા દીધી નહોતી અને તેને આગળ વધારી હતી. વજુભાઈએ ચૂંટેલા શબ્દોરૂપી પુષ્પોની એમણે માળા બનાવી હતી.’

જાણીતા કલાવૃંદ દ્વારા ‘પ્રભાતનાં પુષ્પો’નાં લખાણો પર આધારિત બે વિશેષ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારોએ ચિંતનકણિકાઓને નૃત્યનાટિકા સ્વરૂપે રજૂ કરી હતી. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું હતું.

(અહેવાલઃ મનોજ મોતીવાલા)

(તસવીરોઃ દીપક ધુરી)

‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિના સંપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમની વિડિયો લિન્ક…

https://www.youtube.com/live/gTqOtaiM5G8?feature=share