‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુભાઈ કોટક લિખિત ‘પ્રભાતનાં પુષ્પો’ના ઓડિયો સંસ્કરણનું વિમોચન

ગુજરાતીઓના લોકલાડિલા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તંત્રી‌ અને લેખક વજુ કોટક લિખિત ચિંતનકણિકાઓ ‘પ્રભાતનાં પુષ્પો’થી ચિત્રલેખાના વાચકો અને વજુભાઈના ચાહકો ભાગ્યે અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી આ કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’નું ઓડિયો સંસ્કરણ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈમાં 10 જૂન, શનિવારે બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલા આ સંસ્કરણનું જાણીતા કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ એમના આશીર્વચન સાથે વિમોચન કર્યું હતું. ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિમાં સ્વર જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું. લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ફિલ્મ અભિનેતા મનોજ જોશી અને લેખક-વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને હરીશ ભીમાણીની વિશેષ ઉપસ્થિતિ હતી.

આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન અને વજુ કોટકના જ્યેષ્ઠ પુત્ર મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટક, રાજુલબેન મૌલિક કોટક, વજુભાઈ-મધુરીબહેનનાં પુત્રી રોનકબેન ભરતભાઈ કાપડિયા, અદિતી મનન કોટક સહિત કોટક પરિવારજનો અને સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

‘પ્રભાતનાં પુષ્પો’ના લખાણો પરથી ‘કલાવૃંદ’ દ્વારા બે વિશેષ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારોએ ચિંતનકણિકાઓને સ્ટેજ પર નૃત્ય સ્વરૂપે પેશ કરી હતી. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું હતું.

(તસવીર અને વિડિયોઃ દીપક ધુરી)