સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ માટે ‘શકુની’ કરણ જોહર, ‘દૂર્યોધન’ રણબીર કપૂર જવાબદાર છે: કંગના રણોત

મુંબઈઃ રણબીર કપૂરને ગયા શનિવારે ‘સફેદ ઉંદર’ તરીકે ઓળખાવ્યા બાદ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આ અભિનેતા પર તેમજ નિર્માતા કરણ જોહર પર બીજો શાબ્દિક પ્રહાર કર્યો છે. એણે રણબીરને ‘દૂર્યોધન’ અને જોહરને ‘શકુની’ તરીકે ઓળખાવ્યા છે. એણે એમ પણ ઉમેર્યું છે કે આ બંને જણ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ માટે જવાબદાર છે.

‘પંગા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કંગનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ વિભાગમાં લાંબું લખાણ પોસ્ટ કર્યું છે. એમાં તેણે રણબીર અને જોહરની ટીકા કરી છે. એણે લખ્યું છે, ‘ફિલ્મ ઉદ્યોગમાં તમામ પ્રકારના દૂષણો છે, પણ ‘દૂર્યોધન’ અને ‘શકુની’ની જોડી વધારે ખરાબ છે. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વાત જાણે છે. તેઓ સુશાંતસિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર નકલી વાતો (અફવાઓ) ફેલાવનાર મુખ્ય શકમંદો છે. તેઓ મારી વિરુદ્ધ પણ ફાલતુ અફવાઓ ફેલાવે છે. મારી પર કરાતી જાસૂસી વિશે મેં જનતાનું ધ્યાન દોર્યું છે એટલે મારી અને મારી ફિલ્મો વિરુદ્ધ ગંદી વાતો ફેલાવે છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે હું જ્યારે પણ સત્તા પર આવીશ ત્યારે ડાર્ક વેબ, હેકિંગ, સ્પાઈંગ, ગેરકાયદેસર ગુપ્ત સ્તરની માનહાનિ જેવી ગેરપ્રવૃત્તિઓનો પર્દાફાશ કરીશ. એને કારણે એમને જેલમાં જવું પડશે.’

કંગનાની નવી ફિલ્મ આવી રહી છે ‘તેજસ’ અને ‘ઈમર્જન્સી’. ‘તેજસ’માં એણે ભારતીય હવાઈ દળની મહિલા પાઈલટનો રોલ કર્યો છે જ્યારે ‘ઈમર્જન્સી’માં એ ઈન્દિરા ગાંધી બની છે.