ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠક પર 1351 ઉમેદવારો વચ્ચે જંગ

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે. બે તબક્કાના મતદાન બાદ 191 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. ધીરે-ધીરે ચૂંટણી આગળ વધી રહી છે ત્યારે તમામ રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. હવે 7મી મેના રોજ 94 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં થવાની સંભાવના છે. આ તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે 1351 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. આ તબક્કામાં આસામની 04, બિહારમાં 05, છત્તીસગઢમાં 07, મધ્ય પ્રદેશમાં 09, મહારાષ્ટ્રમાં 11, દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં 02-02 સીટ, કર્ણાટકની બાકી રહેલી 14 સીટ, જમ્મુ-કાશ્મીરની 01 સીટ, પશ્ચિમ બંગાળની 04, ગુજરાતની 25 અને ઉત્તર પ્રદેશની 10 સીટ પર મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત સીટ પરથી BJPના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ રીતે જીત્યા છે. તેથી ગુજરાતમાં 26ની બદલે 25 સીટ પર જંગ જામશે.

બીજા તબક્કામાં 2019 કરતા ઓછું મતદાન

હાલ ત્રીજા ચરણની ચૂંટણીને લઈને રાજકીય દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ 13 રાજ્યોની 88 બેઠક પર બીજા તબક્કાનું મતદાન 2019ની ચૂંટણી કરતાં ઓછું થયું છે. આ વખતે આ સીટો પર 68.49% મતદાન થયું છે. જ્યાં ત્રિપુરામાં સૌથી વધુ 79.66% મતદાન જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 54.85% મતદાન નોંધાયું છે. જો કે, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે. તો ચાલો જાણીએ કઈ બેઠક પર કયા પક્ષની પકડ મજબૂત છે?

1. યુપીમાં ભાજપ, કોંગ્રેસ અને સપા વચ્ચે ત્રિકોણીય જંગ

સપાના આ ગઢમાં પાર્ટીના વર્તમાન સાંસદ ડિમ્પલ યાદવ પોતાના હરીફોને સાઈકલની રફ્તાર પર હરાવવા મેદાનમાં છે. 1996થી આ સીટ સપા પાસે છે. અત્યાર સુધી અજેય સાબિત થયેલી મૈનપુરી સીટ પર ભગવો લહેરાવા માટે ભાજપે સ્થાનિક ધારાસભ્ય અને યોગી સરકારમાં પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ઠાકુર જયવીર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. યાદવ અને શાક્ય સમુદાયની મોટી વસ્તી ધરાવતી આ બેઠક પર બસપાએ પૂર્વ ધારાસભ્ય શિવ પ્રસાદ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. બદાયું સીટ પર યાદવ પરિવારની વિશ્વસનીયતાની ખરી કસોટી થવાની છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવના બદલે આદિત્ય યાદવને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ સંઘમિત્રા મૌર્યની ટિકિટ રદ કરીને બ્રજ પ્રદેશ પ્રમુખ દુર્વિજય સિંહ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે BSPએ મુસ્લિમ ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

2. એમપીની હાઈપ્રોફાઈલ સીટ પર ચૂંટણીનો જંગ

ગુના, વિદિશા અને રાજગઢ જેવી હાઈ-પ્રોફાઈલ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અનુક્રમે ગુના અને વિદિશાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહને રાજગઢ બેઠક પરથી ઉતાર્યા છે. આમ, આ તબક્કામાં ખરાખરીનો જંગ જામશે.

4. ગુજરાતમાં 25 સીટો પર કાંટાની ટક્કર

ગુજરાતમાં તમામ 25 સીટ પર ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામશે. આ વખતે AAPએ ચેતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે. જ્યાં તેઓ ભાજપાના મનસુખ વસાવા સામે ચૂંટણી લડશે.જો કે, INDI બ્લોકના સીટ શેરિંગના કારણે કોંગ્રેસના બદલે આ સીટ AAPના ફાળે ગઈ છે. ગાંધીનગરથી BJPના નેતા અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો જામનગર બેઠક પરથી ભાજપે પૂનમબેન માડમ અને કોંગ્રેસે જે.પી.મારવીયાને ટિકિટ આપી છે. નવસારી પરથી સી.આર.પાટિલ ભાજપ તરફથી ચૂંટણી લડશે જેમનો સામનો કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ સાથે થશે. પોરબંદર બેઠક પરક BJPના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા સામસામે છે. જ્યારે આ વખતે રાજકોટની સીટ ખૂબ ચર્ચિત રહી છે, BJPના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે 26એ 26 સીટ ભાજપના ખાતામાં જશે કે, રેકોર્ડ તૂટશે.

5. મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. બારામતીમાં નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે. અહીંથી, NCP (શરદચંદ્ર પવાર) ના વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે તેમની ભાભી સુનેત્રા પવાર (NCP) સામે ચૂંટણી લડી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ છત્રપતિ કોલ્હાપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપે સતારા લોકસભા બેઠક પરથી ઉદયનરાજે ભોસલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે સાંગલીમાં ભાજપના વર્તમાન સાંસદ સંજયકાકા પાટીલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર કુસ્તીબાજ ચંદ્રહર પાટીલ સામે ટકરાશે.

ત્રીજા ચરણ માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજકીય દળો તાબડતોડ પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી રોજે બેથી ત્રણ રોડ શો અને જાહેરસભા યોજી રહ્યા છે. જે-તે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ઉમેદવારોના સમર્થનમાં મતદારોને મતની અપીલ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિવેદન બાજી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કયો પક્ષ કેટલી તાકાત લગાવશે.