ભાવતાલની પાછળનો મનનો તાલ

નયનાબેન પોતાની મર્સીડીઝ ગાડીમાંથી ઊતર્યાં અને શાકભાજીવાળા સાથે ભાવતાલ કરવા લાગ્યાં, સરખો ભાવ કર, અમે તો તારા રોજના ગ્રાહક છીએ.

કાછિયાએ પણ કહ્યું, “બેન, છેક વસઈથી આ ઉંચકીને લાવું છુ, તમે રોજના ઘરાક છો અને આજે જલદી જવું છે એટલે તમને ઓછો ભાવ કહ્યો છે, બાકી બજારમાં ક્યાંય તમને આ ભાવ નહીં મળે”.

નયનાબેનના પતિ, દીકરો અને પુત્રવધૂ બધાં જ ડૉક્ટર છે. તેઓ મુંબઈના વરલી વિસ્તારમાં 2,300 ચો. ફૂટના ઘરમાં રહે છે. વર્ષમાં એક વખત તેઓ વિદેશના પ્રવાસે જાય ત્યારે હંમેશાં બિઝનેસ ક્લાસમાં જ મુસાફરી કરે છે. આ પરિવારને ક્રૂઝમાં ફરવાનો પણ શોખ છે. હું ડૉ. ભટ્ટના આ કુટુંબને લાંબા સમયથી ઓળખું છું. તેઓ બધાં મળતાવડાં છે અને પોતાના વતનમાં સખાવતી કાર્યો પણ કરે છે. મેં કેટલીય વાર જોયું છે કે શાકભાજી કે ફળવાળા તથા બીજા નાના ફેરિયાઓ સાથે તેઓ ભાવની બાબતે રકઝક કરતાં જ હોય છે. તેમના પરિવારની જાણે એ આદત બની ગઈ છે.

એક દિવસ મારાથી રહેવાયું નહીં અને મેં તેમને પૂછી લીધું, ”શું તમે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવતી વખતે અને ક્રૂઝમાં કેબિન નક્કી કરતી વખતે કંપનીઓ સાથે પણ ભાવતાલ કરો છો?” શ્રીમતીજીએ મને વાર્યો, પરંતુ હું જાતને રોકી શક્યો નહીં અને મેં બીજો સવાલ કર્યો, ”ધારો કે એ જ બકાલી તમારી પાસે પોતાની દીકરીના શિક્ષણ અર્થે આર્થિક સહાય લેવા આવે તો તમે તેને મદદ કરો કે ન કરો?” તરત જ જવાબ મળ્યો, ”મદદ કરીએ, ચોક્કસ કરીએ. તેને સહાય કરવાની આપણી નૈતિક જવાબદારી કહેવાય. એ વર્ષોથી આપણા બિલ્ડિંગમાં આવે છે. જો આપણે તેને કોઈ કામે નહીં આવીએ તો બીજું કોણ આવશે?”

આપણે ભટ્ટ પરિવારના વર્તન વિશે કોઈ અભિપ્રાય બાંધી લઈએ એ ઉચિત ન કહેવાય, પરંતુ મને લાગે છે કે દરેક વ્યક્તિમાં ક્યાંક એક પ્રકારનો અહમ્ છુપાયેલો હોય છે. આપણે જ્યારે બીજાઓને મદદ કરીએ ત્યારે આપણો એ અહમ્ સંતોષાતો હોય છે. આપણે સુષુપ્ત મનને ઢંઢોળીએ તો બે વાત ધ્યાનમાં આવે છે. એક, આપણને નાના ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાની આદત પડી હોય છે. જ્યાં સુધી રકઝક કરીને વસ્તુ ખરીદીએ નહીં ત્યાં સુધી સંતોષ થાય નહીં. બે, કોઈ સખાવત કરવાથી આપણો અહમ્ સંતોષાય છે. આ બન્ને પ્રકારની વૃત્તિઓ જોખમી છે. તેનાથી આપણી ખરી ઓળખ પ્રગટ થતી નથી. જ્યારે આપણે પોતાના મૂળ સ્વભાવથી, આત્માથી દૂર થતાં જઈએ ત્યારે આપણને જે ખુશી મળે એ ફક્ત થોડા સમય પૂરતી હોય છે. લાંબા ગાળે આપણે એ વૃત્તિને વશ થઈ જઈએ છીએ અને પરિણામે એ આપણું બંધન (લત) બની જાય છે.

ભાવતાલ કરવામાં કંઈ ખોટું નથી, પણ તમે કોની સાથે રકઝક કરી રહ્યા છો એ જોવું જોઈએ. જો તમે હૉટેલમાં જમવા જાઓ ત્યારે કે વિમાનમાં પ્રવાસ કરો ત્યારે જો ભાવતાલ કરતા ન હો તો નાની રકમ માટે ફેરિયાઓ સાથે ભાવતાલ કરવી જોઈએ નહીં. જો શક્ય હોય તો મોટી હોટેલોમાં કે શોપિંગ કરવા જાઓ ત્યારે મોટી દુકાનોમાં ભાવતાલ કરો અને સમજદારીપૂર્વકનો નિર્ણય લો.

કોઈ માણસ દાન/સહાય મેળવવા માટે તમારી સામે હાથ ફેલાવે તો તમે રાજી થઈને મદદ કરો છો, પણ એ જ માણસ જો મહેનત કરીને પેટિયું રળતો હોય અને થોડો નફો કરી લેતો હોય તો તેની સાથે ભાવ માટે રકઝક કરો છો, એ કેવું કહેવાય તેનો વિચાર કરી જુઓ. સામેવાળાની દૃષ્ટિએ વિચાર કરી જુઓ. એ વિચાર કર્યા બાદ તમે સ્વને વધુ સારી રીતે ઓળખી શકશો અને સાચું સુખ મેળવી શકશો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)