પ્રભુ પાસે માગો શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠામલક્ષ્મીં નાશયામ્યહમ્ ।

અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ ગૃહાત્ ।।8।।

”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન, મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે) જેની હાજરીમાત્રથી મારી ભૂખ, તરસ ભાંગે અને અલક્ષ્મી સાથે સંકળાયેલી અપવિત્રતા દૂર થાય. એ લક્ષ્મી એવી હોય જેનાથી મારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય.”

ભૂખનાં અનેક કારણો હોય છે. ભિખારીને ખાવાનું ન મળે ત્યારે એ ભૂખ્યો રહે છે. કોઈ કુદરતી આપદાને લીધે ક્યાંક અટવાઈ ગયા હોવાને લીધે અતિશય ધનવાન માણસને પણ ખાવાનું ન મળે એવું પણ થતું હોય છે. સ્વેચ્છાએ કે ધાર્મિક કારણોસર માણસ ઉપવાસ કરતો હોય છે. પોતાના અધિકાર માટે કામદારો કે અન્ય કોઈ માણસ ભૂખહડતાળ કરીને ભૂખ્યો રહે છે. કોઈ યોગી સંપૂર્ણપણે ધ્યાનમાં લીન હોય અને એને ભૂખ-તરસનું ભાન ન હોય એવું પણ બનતું હોય છે. આમ, ભૂખ અલગ અલગ પ્રકારની હોય છે.

ગરીબીને લીધે જન્મતી ભૂખને કારણે ગુસ્સો, નિરાશા, બેબાકળાપણું, ચિડચિડિયાપણું, વગેરે અનેક લાગણીઓ જન્મતી હોય છે. ગુણની દૃષ્ટિએ જોઈએ તો એ સ્થિતિ મનની તામસી સ્થિતિ હોય છે.

પોતાની માગણીઓને ભારપૂર્વક રજૂ કરવા માટે ભૂખહડતાળ પર ઉતરેલી વ્યક્તિ મનની મક્કમ હોય છે અને મનની આ સ્થિતિ રાજસી હોય છે. ચિંતન કરવાને કારણે ભૂખ્યા પેટે રહેલી વ્યક્તિના ચહેરા પર અનેરી આભા હોય છે. એ વ્યક્તિના મનની સ્થિતિને સાત્વિક કહી શકાય. કદાચ એ માણસ ગુણાતીત એટલે કે ત્રણે ગુણોથી પર થઈ ગયો હોઈ શકે.

મનુષ્ય કામુકતાને લીધે પણ ભૂખ વેઠે છે, પરંતુ એ વિષય અલગ સ્વરૂપનો હોઈ અત્યારે તેની ચર્ચા અસ્થાને છે.

ઉક્ત શ્લોકના ઉપદેશ પ્રમાણે આપણે મનને શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન માગવું જોઈએ. દેખાડો કરવા માટે, અહમ્ સંતોષવા માટે કે ઈર્ષ્યાને વશ થઈને ધનની જે ભૂખ લાગે છે તેને લીધે નૈરાશ્ય, ક્રોધ અને લઘુતાગ્રંથિ જન્મે છે. આ બધી અશુદ્ધિઓ છે અને એવી અશુદ્ધિઓ પેદા કરનારા ધનની પ્રાપ્તિનો કોઈ અર્થ નથી.

શ્લોકની બીજી પંક્તિમાં કહેવાયા મુજબ મનુષ્યે દુઃખ અને દરિદ્રતા દૂર કરનારું ધન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.

આ વાત પરથી મને એક કિસ્સો યાદ આવે છે. હું થોડા દિવસ પહેલાં મારા કૉલેજકાળના મિત્રને મળવા ગયો હતો. તેણે કહ્યું કે બે દિવસ રહીને આવનારા શનિવારે એ ફેમિલી લંચ લેવાનો હતો. દર પખવાડિયે એકવાર શનિવારના દિવસે એ દીકરો-દીકરી અને પત્ની સાથે જમવા બેસે છે. મને નવાઈ લાગી. એક છત નીચે રહેનારા ચાર માણસો પંદર દિવસે ફક્ત એક ટંક એક સાથે જમવા બેસે! મિત્રે કહ્યું કે ચારે જણ એક યા બીજા કામમાં વ્યસ્ત હોય છે અને દરેકનું શેડ્યુલ અલગ અલગ હોય છે તેથી તેઓ ફક્ત એક જ ટંક સાથે બેસીને જમી શકે છે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર ઉપસેલા ભાવ પારખીને એણે નિસાસો લેતાં કહ્યું, ”શું કરીએ, અમે અમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ મૂલ્ય ચૂકવીએ છીએ.”

અંગ્રેજીમાં એક સરસ ઉક્તિ છેઃ saying “Family that Prays together, eats together stays together.” પરિવાર દિવસમાં જો એક ટંક પણ સાથે બેસીને જમી શકે નહીં તો એ સંપત્તિનો શું અર્થ?

એક દિવસ મને શ્રીમતીજીએ કહ્યું, હીરા આન્ટીએ તમારા માટે મીઠાઈનું બોક્સ મોકલાવ્યું છે. અમારા પરિચિત ઘડિયાલી પરિવારની ત્રણ બહેનોમાંનાં એક છે હીરા આન્ટી. તેઓ ત્રણ બહેનો અને એક ભાઈ. ચારે જણ અપરિણીત. બાળપણથી હું તેમના ઘરે જતો અને તેઓ મને ખૂબ લાડ કરતાં. હું મારી મમ્મી સાથે જ્યારે પણ તેમના ઘરે જાઉં ત્યારે ચોકલેટ હાજર જ હોય.

હીરા આન્ટી સિવાયનાં ભાઈ-બહેન ગુજરી ગયા છે અને આન્ટી હાલ 87 વર્ષનાં છે. તેઓ દર નવા વર્ષે મને મીઠાઈ મોકલાવે છે. તેમને ધનની કમી નથી, પરંતુ એકલતા સાલે છે. પરિવારમાં બીજું કોઈ નથી અને હીરા આન્ટી પણ સાવ સુકાઈ ગયાં છે. હું ક્યારેક તેમને મળવા જાઉં છું. કામે રાખેલાં એક બહેન રોજ તેમની સુશ્રુષા કરે છે. ક્યારેક મને વિચાર આવે છે કે આન્ટીના હાથ-પગ ચાલે છે ત્યારે જ તેમને ભગવાન ઉપાડી લે તો સારું, નહીંતર કોણ જાણે શું થશે. એક દિવસ મેં તેમને પૂછ્યું હતું, ”તમે તમારી સંપત્તિનો શું ઉપયોગ કર્યો છે? શું તમે કોઈ પ્લાનિંગ કર્યું છે?” આંખમાં પ્રશ્નાર્થ સાથે તેમણે મને કહ્યું, ”કોને આપું, આપવા માટે કોઈ નથી.”

ચાલો, તો ફરી એક વાર પ્રભુને કહીએ કે હે પ્રભુ ભૂખ, તરસ, દરિદ્રતા ભગાડે અને આખા પરિવારને સુખ-તંદુરસ્તી આપે એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે.

આ વાત સાથે આજે આપણે લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો અને આપણાં શાસ્ત્રોમાં લખાયેલી વાતોનો અભ્યાસ પૂરો કરીએ છીએ. થોડા સમય પછી નાણાંને લગતી બીજી કોઈ ચર્ચા શરૂ કરીશું. ત્યાં સુધી તબિયત સાચવજો અને પોતાની તથા પરિવારની કાળજી રાખજો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)