પ્રાર્થનામાં બાહ્યની સાથે સાથે આંતરિક સમૃદ્ધિ પણ માગો

ઉપૈતુ માં દેવસખઃ કીર્તિશ્ચ મણિના સહ ।

પ્રાદુર્ભૂતોऽસ્મિ રાષ્ટ્રેऽસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે ।।7।।

”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન, મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે) જેની હાજરીમાં દેવના સખાઓ તેમની કીર્તિ (આંતરિક સમૃદ્ધિ) અને વિવિધ રત્નો (બાહ્ય સમૃદ્ધિ) લઈને મારી સમીપ આવે અને મારો પુનર્જન્મ શ્રી અર્થાત્ લક્ષ્મીજીના શાસનમાં થાય જ્યાં મને કીર્તિ (આંતરિક સમૃદ્ધિ) અને વૃદ્ધિ (બાહ્ય સમૃદ્ધિ) પ્રાપ્ત થાય.

સામાન્ય જીવનમાં આ મુદ્દાને સ્પર્શે એવો એક દાખલો જોઈ લઈએ. દા.ત. નીલેશભાઈ ભાટિયા. તેઓ જર્મનીની કોઈ મોટી કંપનીને પ્રિસિઝન એન્જિનિયરિંગ ગુડ્સ તરીકે ઓળખાતી વસ્તુઓની ત્રણ વર્ષ સુધી સપ્લાય કરવા માટેનો મોટો સોદો કરીને ફ્રેન્કફર્ટથી પાછા ફર્યા હતા. આ કોન્ટ્રેક્ટને પગલે તેમને સારો એવો નફો થવા ઉપરાંત આ પ્રકારની વસ્તુઓના સપ્લાયર તરીકે તેમનું નામ પ્રસ્થાપિત થવાનું હતું અને ભવિષ્યમાં અનેક દેશોની સરકારો તથા અન્ય ઉદ્યોગગૃહો તરફથી વધુ કોન્ટ્રેક્ટ મળવાની શક્યતા વધી ગઈ હતી.

આટલી ઉજ્જવળ સંભાવનાઓ હોવા છતાં તેઓ ટેન્શનમાં હતા. તેમને ખબર હતી કે તેમના કામદારો તેમનાથી નારાજ થઈ જશે. તેમણે કામદારોને કાબૂમાં રાખવા માટે તેમના નેતાને લાંચ આપવી પડશે. બીજી બાજુ, આવક વેરા ખાતાની અદાલતમાં તેમની સામે કેસ પેન્ડિંગ હતા. વળી, તેમના મોટાભાભી પિયરે પાછા ચાલ્યાં ગયાં હતાં અને તેમનો દીકરો તેમની સેક્રેટરી સાથે છાનગપતિયાં કરતો હતો. નીલેશભાઈ પોતે પણ ડાયાબિટીસના દરદી હતા અને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્ષન લેતા હતા. તેમના પર ઘણો માનસિક બોજ હતો.

તેમણે પોતાના પૌત્રે તેમની 70મી વર્ષગાંઠના દિવસે ભેટમાં આપેલો આઇફોન ટેન ઉપાડીને કૉલેજકાળના મિત્ર કિરીટનો નંબર જોડ્યો. બે-ત્રણ વખત ટ્રાય કર્યા પછી પણ કિરીટભાઈએ ફોન ઉપાડ્યો નહીં ત્યારે નીલેશભાઈ ઉદાસ થઈ ગયા અને સ્વગત બોલી ઉઠ્યા, “એ તો ક્યાંક પલાંઠી વાળીને આંખો બંધ કરીને મૂર્તિની જેમ બેઠો હશે. કોણ જાણે તેને આ બધું કેવી રીતે ફાવે છે!”

નીલેશભાઈની મુલાકાત કૉલેજના છેલ્લા એન્યુઅલ ડે દરમિયાન યોજાયેલી સ્પર્ધા વખતે થઈ હતી. તેઓ બન્ને ખાધેપીધે સુખી ઘરના હતા. તેમણે પોતે પણ ઘણું ધન ભેગું કર્યું હતું. કિરીટભાઈ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં હતા.

છેલ્લાં થોડાં વર્ષોથી તેમણે બિઝનેસમાં સક્રિયપણે ભાગ લેવાનું છોડી દીધું હતું. તેમની કંપની લિસ્ટેડ હોવાથી પ્રોફેશનલ મૅનેજરો બધો કાર્યભાર સંભાળતા. તેમનો મોટો દીકરો કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં હતો અને બીજો સીનિયર મૅનેજમેન્ટમાં હતો. સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ તેઓ કંપનીના કામકાજમાં ભાગ્યે જ ધ્યાન આપતા. ક્યારેક તેમનો અભિપ્રાય કે સલાહ માગવામાં આવે તો જ તેઓ કંઈ કહેતા. તેમનો મોટાભાગનો સમય મેડિટેશનમાં વીતતો.

કિરીટભાઈ પહેલાં નિયમિતપણે NCPA (નૅશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ)માં જતા. થોડા સમયથી તેમને સંગીત અને નાટકોમાં રસ જાગ્યો હતો. તેઓ ક્યારેક પોતાના વતનમાં પણ જતા. ત્યાં તેઓ એક સ્વૈચ્છિક સંસ્થાના સલાહકારી મંડળમાં સેવા આપતા. દર 4-5 મહિને એક વાર તેઓ ક્યાંક ફરવા જતા. જો કે, દરરોજનો યોગાભ્યાસ ક્યારેય ચૂકતા નહીં. નવી બનેલી તોતિંગ ઈમારતમાંના 25મા માળે આવેલા નવા ઘરમાં તેમણે યોગાસન, પ્રાણાયમ અને મેડિટેશન કરવા માટે અલગ ઓરડો રાખ્યો હતો. એ જ ખંડમાં પુસ્તકોનો વિશાળ સંગ્રહ પણ હતો. તેમનો પૌત્ર સાંજે પિયાનો વગાડતો.

નીલેશભાઈ પોતે કરેલા મોટા સોદાના સમાચાર કિરીટભાઈને આપવા માગતા હતા. તેઓ પારિવારિક મોરચે કેવી રીતે કામ લેવું તેના માટેની સલાહ પણ તેમની પાસેથી મેળવવા માગતા હતા. સંપત્તિ તો બન્ને પાસે હતી. મોટું ઘર, કારનો કાફલો, ફાઇવ સ્ટાર હોલિડેની મજા, એ બધું જ બન્ને પાસે હતું, પરંતુ માનસિક શાંતિ અને શીતળતા ફક્ત કિરીટભાઈ પાસે હતી.

એમ તો આ બન્ને મિત્રો દર શનિવારે સવારનો નાસ્તો ભેગા જ કરતા, પરંતુ નીલેશભાઈને વચ્ચે જ્યારે માનસિક તાણ અને અજંપો વર્તાતાં ત્યારે પણ તેઓ કિરીટભાઈને મળી લેતા. તેમની પણ ઈચ્છા કિરીટભાઈની જેમ જીવવાની હતી, પરંતુ તેઓ એ નિર્ણય લઈ શકતા ન હતા.

ઉક્ત ઉદાહરણ પરથી આંતરિક અને બાહ્ય સમૃદ્ધિનો મુદ્દો સ્પષ્ટપણે સમજી શકાય છે.

ઋગ્વેદના શ્રીસૂક્તનો આ સાતમો શ્લોક આપણને આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાનું કહે છે. ફક્ત બાહ્ય સમૃદ્ધિથી પ્રસન્નતા નથી મળતી, તેનાથી કામચલાઉ ઉન્માદ જ જન્મે છે. આંતરિક સમૃદ્ધિ જ ખરી પ્રસન્નતા આપી શકે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)