ઘરમાંથી અપવિત્ર ધન જશે તો જ પવિત્ર ધન સ્થિર થશે

આદિત્યવર્ણે તપસોऽધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોऽથ બિલ્વઃ ।

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીઃ ।।6।।

ગયા વખતથી આપણે ઋગ્વેદમાં વર્ણિત શ્રીસૂક્તને કેન્દ્રમાં રાખીને લક્ષ્મી વિશેના આપણા સંવાદને આગળ વધાર્યો છે. ઉક્ત શ્લોક ક્રમાંક 6માં કહેવામાં આવ્યું છે કે આપણે કયા પ્રકારની લક્ષ્મીની મનોકામના રાખવી જોઈએ.

તેમાં કહેવાયું છે, ”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન), મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે, જેનો વર્ણ સૂર્ય જેવો હોય, જે વિશાળ બિલિવૃક્ષ સમાન તપ કરીને પ્રાપ્ત થઈ હોય. હે પ્રભુ, એ તપના બળથી મારો અંધકાર અને ભ્રમણાઓ તથા અલક્ષ્મી દૂર થઈ જાય એવું કર.”

લક્ષ્મી વિશે બીજી અનેક જગ્યાની જેમ અહીં પણ કહેવાયું છે કે પરિશ્રમ કરીને અને પવિત્ર રીતે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી જોઈએ. તેનો અર્થ એવો પણ થાય છે કે આપણે પોતાનો હક ન હોય એવી સંપત્તિ પર પણ હક જમાવવો જોઈએ નહીં કે તેને પચાવી કે છિનવી લેવી જોઈએ નહીં. આપણા ઘરમાં આવતી એકેએક પાઈ નૈતિક રસ્તે મેળવાયેલી પરસેવાની કમાણી હોવી જોઈએ. આ રીતે પ્રાપ્ત કરેલું ધન આપણી ભ્રમણાઓ અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે.

આ ભ્રમણાઓ અને અજ્ઞાન આપણામાં અહંકાર, ઈર્ષ્યા, હતાશા, ગુસ્સો, ચિંતા અને લાલચના સ્વરૂપે અસ્તિત્વમાન હોય છે.

કોઈની પાસે ધન જોઈને એવો વિચાર આવે કે એ માણસે અનૈતિક રીતે ધન ભેગું કર્યું હશે, તો તેનો અર્થ એવો થયો કે આવું વિચારનાર વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યાભાવ રહેલો છે. ”એણે મોંઘા ભાવનો મોબાઇલ તો લીધો, પણ એમાંની એકેય ઍપ તો વાપરતાં આવડતું નથી,” એવું બોલવામાં આવે એ પણ એક પ્રકારની ઈર્ષ્યા જ છે.

આ જ રીતે, ”હું તો ફલાણી જ બ્રાન્ડનાં શર્ટ પહેરું” એમ કહેવું એ અહમ્ છે. કોઈ નવું ગેજેટ લીધું હોય અને એ દેખાડ્યા કરવાની ઈચ્છા થાય એ અહમને સંતોષવા માટે જ હોય છે. આપણું અસ્તિત્વ જાણે એ શર્ટ પહેરવામાત્રથી જ ઓળખાય કે કોઈ સ્થળે જવાથી જ આપણું મહત્ત્વ દેખાય એ એક પ્રકારનો ઘમંડ છે. ખરી રીતે તો આંતરિક શાંતિ મળે એવી સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ. એ ધનથી આપણો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધવાં જોઈએ.

આપણે અજંપો ધરાવીએ એ એક પ્રકારનું અજ્ઞાન છે. પૈસાથી જ આપણી મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જશે એવું જ્યારે આપણને એમ લાગવા માંડે ત્યારે સમજવું કે આપણે પૈસાની બાબતે અજંપો ધરાવીએ છીએ. અજંપો આવવાથી અસલામતી અને લાલચ જન્મે છે.

આથી એવી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઈશ્વરને કહેવું જોઈએ જેનાથી ઈર્ષ્યા, અહમ, અજંપો, લાલચ જેવી લાગણીરૂપી આપણો અંધકાર દૂર થાય.

ઉક્ત શ્લોકમાં અલક્ષ્મીની વાત પણ કરવામાં આવી છે. આપણે આ કટારમાં અગાઉ કહી ગયા છીએ કે સાધુ-સંતોની ભૂમિમાં આપણો જન્મ થયો એ બદલ આપણે પ્રભુનો પાડ માનવો જોઈએ.  એ સાધુ-સંતોએ આપણને ધન-સંપત્તિ વિશે સાચું જ્ઞાન આપ્યું છે. આધુનિક જગતના મહાન અર્થશાસ્ત્રીઓ પણ પવિત્ર અને અપવિત્ર ધન વચ્ચેનો તફાવત જાણી શક્યા નથી. આપણા ઘરમાંથી અપવિત્ર ધન જશે નહીં ત્યાં સુધી પવિત્ર ધન ઝાઝું નહીં ટકી શકે.

આપણા ઘરમાં કામવાળી કચરો કાઢતી હોય ત્યારે આપણે તેના પર નજર રાખતા હોઈએ છીએ કે એ બરોબર કચરો કાઢે છે કે નહીં. આપણે તેની પાસે કારપેટ, કબાટ અને પલંગની નીચેથી, ખૂણાઓમાંથી કચરો સાફ કરાવીએ છીએ. જો ઘર આખેઆખું બરોબર સાફ થાય નહીં તો એ કચરો ઘરમાં ને ઘરમાં ઉડ્યા કરે.

આ જ રીતે જો અપવિત્ર ધનને બરોબર વાળીને ઘરમાંથી નહીં કાઢીએ તો પવિત્ર ધન ટકી નહીં શકે. ઘણી વાર આપણે જાણ્યે-અજાણ્યે અપવિત્ર ધન મેળવીએ છીએ. આપણું ઘર બંધાતું હોય ત્યારે ઘણા જીવો નાશ પામ્યા હોઈ શકે છે, આપણે વ્યવસાયની સ્પર્ધામાં ટકી રહેવા માટે કર્મચારીઓ કે અન્ય ગરીબ લોકો સાથે અન્યાય કર્યો હોઈ શકે છે, ધન કમાતી વખતે પર્યાવરણને નુકસાન કર્યું હોઈ શકે છે. આ બધી રીતે આવેલું ધન અપવિત્ર હોય છે. સંપત્તિસર્જન કરતી વખતે ઈર્ષ્યાનો ભાવ જાગે તો એ ધન પણ અપવિત્ર બની જાય છે.

આથી, પ્રભુને પ્રાર્થના કરો કે ”હે પ્રભુ મારા ઘરમાંથી અપવિત્ર ધન જતું રહે અને માત્ર પવિત્ર ધન મને પ્રાપ્ત થાય.”

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)