લોકસભાનીચૂંટણીમાં 266 ઉમેદવારો, માત્ર 19 મહિલા, જાણો વિગત..

લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે આજે વાત કરીએ ગુજરાતની. આ ચૂંટણીમાં ગુજરાતમાથી કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા, કેટલાએ પરત લીધા કેટલી મહિલાઓને આ વખતે ચૂંટણી લડવાની તક મળી એ વિગતે જાણવું રસપ્રદ છે.

 ઉમેદવારી પત્રક પરત ખેંચાયા

આ વખતે લોકસભાની 26 બેઠકો માટે 433 ઉમેદવારો અને વિધાનસભા માટે 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી પછી લોકસભામાં 266 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યાં. નોંધનીય છે કે ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. જ્યારે 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા.

 આ બેઠક પર સૌથી વધુ ઉમેદવાર

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો અને સૌથી ઓછા બારડોલી લોકસભા બેઠક પર 3 ઉમેદવાર ચૂંટણી લડશે એ જ રીતે વિધાનસભા બેઠક પર વિજાપુરમાં સૌથી વધુ 8 ઉમેદવાર અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયુ છે. તો બીજી બાજુ અન્ય પક્ષ તથા અપક્ષના 8 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત લેતા આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

 મહિલા ઉમેદવાર

વાત કરીએ મહિલા ઉમેદવારોની તો સમગ્ર ગુજરાતની 25 બેઠકોમાંથી માત્ર આઠ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ટિકિટ આપી છે. 11 મહિલાઓએ અન્ય અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, ખેડા, નવસારી અને સાબરકાંઠા બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જો કે સમગ્ર ચિત્ર જોતા ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આ વખતે મોટાભાગે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે.

મહિલાઓને ટિકિટ આપવામાં રાજકીય પક્ષ પહેલેથી જ ઉદાસીનતા દાખવે છે. ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડવને યથાવત રાખીને એમને ફરી વખત જામનગરથી ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડો. રેખાબહેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, અમરેલીથી જેનીબહેન ઠુંમ્મર, દાહોદથી ડો. પ્રભા તાવડિયા અને ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ ફાળવી છે. આમ બંને પક્ષે ચાર-ચાર મહિલા ઉમેદવાર છે.

 અન્ય પક્ષ પણ મેદાને

અન્ય અને અપક્ષ મહિલા ઉમેદવારની વાત કરીએ તો બારડોલીથી બહુજન સમાજ પક્ષમાંથી રેખાબહેન ચૌધરી, ભરૂચ માલવા કોંગ્રેસ પક્ષમાંથી ગીતાબહેન માછી, ગાંધીનગર બેઠક પરથી પ્રજાતંત્ર આધાર પાર્ટીમાંથી સુમિત્રા મૌર્યા, ખેડા બેઠક પર ગરિબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દિરાબહેન વ્હોરા, નવસારીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી સુમનબહેન ખુશવા, સાબરકાંઠા બેઠક પર ઇન્સાનિયત પાર્ટીમાંથી ઈન્દિરાબહેન ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સાબરકાંઠા બેઠક પર જ ભાવનાબહેન પરમારે અપક્ષમાંથી ચૂંટણી લડશે. ભગવતી બહેન બ્રહ્મક્ષત્રિય ભાવનગરથી અપક્ષ, સુહાના મન્સુરી ગાંધીનગરથી અપક્ષ, હિરાબહેન વણઝારા અને કવિતાબહેન મચ્છોયા કચ્છ બેઠક પરછી અપક્ષ ચૂંટણી લડશે. આમ 11 મહિલાઓએ જાતે જ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  19 મહિલાઓ પૈકી સૌથી વધુ 3 ગાંધીનગર અને 3 સાબરકાંઠા પર ચૂંટણી લડશે.