શું પશ્ચિમ શૈલીના મકાનોમાં ભારતીય વાસ્તુના નિયમો લાગુ પડે?

શું ભારતને ભારત જેવું ન જોઈ શકાય? કેટલાક લોકો માટે ભારતના શાસ્ત્રો પર શંકાઓ કરવી અને વિદેશી સંશોધનોને જ માન્ય રાખવા એ ફેશન થઇ ગઈ છે. ભારતના ઇતિહાસના નકારાત્મક પાનાઓને જ ભારતની પ્રતિભા સાથે જોડવા અને સકારાત્મક ઇતિહાસનો વિરોધ કરવો એ પણ પ્રચલિત થઇ રહ્યું છે. અને પોતાના જ દેશને અન્ય દેશની સામે નિમ્ન માનવામાં મોટાઈ દેખાતી હોય ત્યારે સાચે જ વિચાર આવે કે શું આ પ્રજા દેશને વિશ્વગુરુ બનવા દેશે? અનેક સમસ્યાઓ સામે લડવાના બદલે આવા નક્કામાં વિષયો પર કલાકો ચર્ચા થાય, ત્યારે દેશના ભવિષ્યની ચિંતા જરૂર થાય. પણ આવા જ લોકો સાથે જે સંસ્કૃતિ હજારો વરસથી જીવંત છે એના પાયા ખુબ મજબુત છે. માત્ર એના મૂળને સમજવાની જ જરૂર છે. વિદેશી આક્રમણોના મુખ્ય કારણોમાંથી એક કારણ એકતાનો અભાવ પણ ગણી શકાય. અને એ જ એકસુત્રતાના કારણે આઝાદી મળી એ પણ આપણા ઇતિહાસમાં દેખાય છે. સકારાત્મક વિચારધારા માટે સકારાત્મક વાસ્તુમાં રહેવું જોઈએ. જે શૈલીના મકાનમાં રહીએ તેની ઉર્જા પણ વ્યક્તિને અસર કરે જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું એવું નથી લાગતું કે પશ્ચિમી શૈલીના મકાનોમાં રહ્યા પછી ભારતીય હોવા છતાં લોકો પશ્ચિમના દુષણો અપનાવી રહ્યા છે. જેને એ લોકો લાઈફ સ્ટાઈલ કહે છે એ અમારા જમાનામાં દુષણ કહેવાતું. જેમ કે લગ્નેતર સંબંધ હવે લીવ ઇન થઇ ગયું છે. દારૂ પીવો એ સ્ટેટસ કહેવાય છે. લાગણીશીલ વ્યક્તિઓને મુર્ખ ગણવામાં આવે છે. લુચ્ચા લોકો સ્માર્ટ ગણાય છે. દેવું કરીને જીવવાના પાઠ ભણાવાય છે વિગેરે. શું આ દિવસો જોવા આઝાદીની ચળવળમાં લોકો શહીદ થઇ ગયા? ગાડરિયો પ્રવાહ કઈ તરફ જશે એ કોઈને ખબર નથી. દેવસ્થાનની બહાર ઉભેલા યુવાનો ખરેખર ધર્મને સમજે છે ખરા? માત્ર ટોળા અને ધક્કાધક્કી એ કયા સમાજની ઓળખ બને? નાની નાની વાતમાં ખૂન થઇ જાય છે. યુવાનોને મફતની ઘેલછા દેખાય છે. માત્ર ડીગ્રી લઈને કોનો ઉદ્ધાર થાય? પહેલા વિદેશીઓ ભારત તરફ દોટ મુકતા. હવે આપણા છોકરાઓ ઘેલા થયા છે. બધું યુવાધન વિદેશ જતું રહેશે તો આ દેશમાં રહેશે કોણ? આપ વાસ્તુના જાણકાર છો. મારી મુંજવણ દુર કરવા વિનંતી.

જવાબ: વડીલ શ્રી. પ્રણામ. આપની ચિંતા સમજી શકાય તેવી છે. આપણો છેલ્લા હજાર વરસનો ઈતિહાસ જોઈએ તો અન્યથી પ્રભાવિત થઈને લેવાયેલા ખોટા નિર્ણયો દેખાય છે. લગભગ એ જ સમયમાં આપણે વિદેશી રહેણાક શૈલીઓથી પ્રભાવિત પણ થયા. વિવધ બાંધકામ શૈલીનો આપણે ત્યાં પ્રભાવ વધ્યો. આધુનિક શૈલીમાં ભારતીયપણું ઓછુ છે. આપણા શાસ્ત્રો પ્રત્યેની ઉદાસીનતા અથવા તો પછી એમાં માનવું એ ઓછાપણું માનવાની માનસિકતા આમાં કારણભૂત લાગે છે. એક કારણ એ પણ છે કે જેમને કશું જ નથી આવડતું એમને કશું પણ શીખવી શકાય. આવું કરવાવાળા પણ વધતા હોવાથી લોકો શાસ્ત્રોથી દુર ભાગી રહ્યા હોય એવું બની શકે.

વાસ્તુ પરફેક્ટ મકાનમાં રહેવાથી સકારાત્મક થવાય છે. પણ પ્રેક્ટીકલ વાસ્તુ જેવું કશું હોતું નથી. કોઈ ડોક્ટર એવું કહે કે મોઢું સારું હોય એટલે તમે રોગમુક્ત ગણાવ એવી વાત ગણી શકાય. આપણા શાસ્ત્રો માત્ર દેખાડા માટે નથી. એમાં વિજ્ઞાન છે. સાચો પ્રયોગ થાય તો જ પરિણામ મળે.

સુચન: માત્ર દ્વાર સકારાત્મક હોય તો સમગ્ર વાસ્તુ સકારાત્મક ન ગણી શકાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)