ભૂત પિશાચ અતિનિકટ આવે, રામસે જબ ફિલિમ બનાવે!

ભારતના ભાગલા બાદ સિંધથી મુંબઈ આવી વસેલા ફતેચંદ રામસિંઘાનીને સાત પુત્રો ને બે પુત્રી. બીજા નંબરના પુત્ર ગંગુનું ગયા અઠવાડિયે 83 વર્ષની વયે અવસાન થયું. અખંડ ભારતનાં કરાચી, લાહોરમાં ઈલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતા ફતેચંદ મુંબઈના લેમિંગ્ટન રોડ પર ઈલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતા. કુટુંબ મોટું ને આવક એવી કોઈ ખાસ નહોતી. વધુ કમાણી કરવા એમણે 1954માં અમુક સિંધી વેપારીઓ સાથે મળીને ‘શહીદ-એ-આઝમ ભગતસિંહ’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મમાં મોહમ્મદ રફીનું હિટ સોંગ “સરફરોશી કી તમન્ના” હોવા છતાં ફ્લૉપ થયેલી. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ બનાવી અને 1970માં ‘એક નન્હી મુન્હી લડકી થી’. પૃથ્વીરાજ કપૂર અને મુમતાઝ જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ મરાઠી સાહિત્યકાર, લેખક-દિગ્દર્શક વિશ્રામ બેડેકરે ડિરેક્ટ કરેલી. ફિલ્મ સેમી હિટ હતી. આમાં એક ડરામણા સીનના બહુ વખાણ થયેલા એટલે ફતેચંદે નક્કી કર્યું કે બીજી ફિલ્મ ટોટલ ડરામણી બનાવીએ.

-અને 1972માં એમણે રિલીઝ કરીઃ ‘દો ગઝ ઝમીન કે નીચે’. આ વખતે ફતેચંદે નામ ટૂંકાવીને કર્યું એફ.યુ. અને અટક રામસિંઘાનીમાંથી કરી રામસેઃ એફ.યુ. રામસે. ફિલ્મનું ડિરેક્શન સંભાળ્યું ફતેચંદના બેટા શ્યામ અને તુલસીએ.

મહાબળેશ્વરમાં એક સરકારી ગેસ્ટ હાઉસ તથા આસપાસના જંગલમાં માત્ર સાડાત્રણ લાખ રૂપિયા અને 40 દિવસમાં ‘દો ગઝ…’ બનેલી. સાતેય ભાઈઓ નાના-મોટા કલાકારો સાથે બસમાં મુંબઈથી મહાબળેશ્વર જતા, 12-રૂપિયા-પર-નાઈટવાળી રૂમમાં રહેતા. ઍક્ચ્યુઅલ લોકેશન પર શૂટ કરવાના લીધે સેટ્સ બનાવવાના કોઈ ખર્ચા નહોતા, કૉસ્ચ્યુઅમ ડિપાર્ટમેન્ટ જ નહીં. જેને જે પહેરવું હોય તે પહેરવાની છૂટ. હા, કન્ટિન્યુઈટીનું ધ્યાન રાખવામાં આવતું. આમ ટાઈટ બજેટમાં બનેલી ફિલ્મે એ જમાનામાં આશરે ચાળીસ લાખ રૂપિયાનો ધંધો કરેલો.

સાત પુત્રો, બે પુત્રી, પુત્રવધૂ અને પૌત્રોની મદદથી 1970ના દાયકામાં શરૂ થયેલી એફ.યુ. રામસેની હૉરર ફૅક્ટરીમાંથી એક પછી એક ડરામણી ફિલ્મો નીકળતી રહી, ‘રામસે બ્રધ્રર્સ’ એક બ્રાન્ડનેમ બની ગયું. એમના જેવી હોલસેલમાં ગભરાવતી ફિલ્મો કોઈએ બનાવી નથી.

અલબત્ત એ પહેલાં ‘મહલ’, ‘બીસ સાલ બાદ’, ‘કોહરા’, ‘ગુમનામ’, ‘વોહ કૌન થી’ કે એકતા કપૂરની ‘રાગિણી એમએમએસ’ જેવી આંગળીના વેઢે ગણાય એવી અને સહ્ય હૉરર ફિલ્મો બની છે ખરી. આ ફિલ્મોમાં મ્યુઝિક ડિપાર્ટમેન્ટ સ્ટ્રોન્ગ હોય, પણ રામસેભાઈઓ સંગીતમાં ખાસ ધ્યાન આપતા નહીં. ભાગ્યે જ કોઈ ફિલ્મનાં ગીત યાદગાર હશે.

‘દો ગઝ ઝમીન કે નીચે’ હિટ થતાં રામસે બ્રધર્સે નક્કી કર્યું કે આપણે બસ, લોકોને ડરાવો ને બૅન્ક બૅલેન્સ છલકાવતા જાઓ. ‘વીરાના’, ‘દહશત’, ‘બંધ દરવાઝા’, ‘પુરાના મંદિર’, ‘પુરાની હવેલી’, ‘સબૂત’ જેવાં ટાઈટલવાળી મોટા ભાગની ફિલ્મો અમેરિકન અને બ્રિટિશ હૉરર ફિલ્મ્સથી પ્રેરિત રહેતી, પણ એનું પૅકેજિંગ એકદમ ઈન્ડિયન રહેતું. ‘દો ગઝ…’ બાદ બધા જ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ પરિવારજનોએ સંભાળી લીધાઃ કુમાર લખે, કેશુ નિર્માણ કરે, કિરણનો ડિપાર્ટમેન્ટ સાઉન્ડ, હમણાં જેમનું અવસાન થયું એ ગંગુભાઈ સિનેમેટોગ્રાફી કરે ને લાઈટિંગ પણ સંભાળી લે, અર્જુન એડિટિંગ કરે, જ્યારે શ્યામ અને તુલસી ડિરેક્શન સંભાળે. ડરના વાતાવરણને હળવું કરવા ચપટીક કૉમેડી અને સેક્સ ભભરાવવાની જવાબદારી તુલસીભાઈની. આમ એમણે 30થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન પર ઝી હૉરર શો ચલાવ્યો.

ગયા અઠવાડિયે પત્રકારમિત્ર દિલીપ ઠાકૂરનો મેસેજ આવ્યોઃ “ગંગુ રામસે ગયા”. મેસેજ વાંચીને આ બધું યાદ આવી ગયું. ગ્રાન્ટ રોડ બ્રિજ નીચે આવેલી રામસે પ્રોડક્શન્સની ઑફિસ, ઑફિસમાં કાજુ-બદામ ચાવતાં ચાવતાં ગંગુભાઈ સાથેની વાતચીત.

પાંચેક વર્ષ પહેલાં એક બ્રદર શ્યામ રામસે 67 વર્ષની વયે 2019માં અવસાન પામેલા. તુલસીભાઈ એની પહેલાં, 2018માં ગયા. કેશુ રામસેએ પરિવારથી નોખા થઈને મોટા બજેટની ફિલ્મો બનાવી. જેવી કે અક્ષયકુમાર-મમતા કુલકર્ણીવાળી ‘ખિલાડી’ અને ‘ખિલાડી’ સિરીઝની લગભગ બધી જ ફિલ્મો. દીકરા આર્યમનને લૉન્ચ કરવા કેશુએ અમિતાભ બચ્ચન-અક્ષયકુમારને લઈને ‘ફૅમિલીઃ ટાઈઝ ઑફ બ્લડ’ બનાવી. ન આર્યમન ચાલ્યો કે ન ફિલ્મ. અને, ફિલ્મ ફ્લૉપ થતાં અક્ષયે એમનો સાથ છોડી દીધો. પરિવારથી નાતો તો ઘણા સમય પહેલાં કપાઈ ગયેલો. સ્વતંત્ર ફિલ્મસર્જનમાં પડ્યા પછી એમણે નામાવલિમાંથી રામસે અટક કાઢી નાખેલીઃ ઑન્લી કેશુ. 2010માં કેશુભાઈનું અવસાન થયું.

છેલ્લે એવું જાણવા મળેલું કે અજય દેવગન આ રામસે બ્રધર્સ પર બાયોપિક બનાવવાના હતા અને, ‘કહાની’, ‘પિન્ક’, ‘રેઈડ’, ‘ઍરલિફ્ટ’ જેવી ફિલ્મોના લેખક રિતેશે શાહ સ્ક્રિપ્ટ લખવાના હતા. સાચું-ખોટું તો દ્વારીકાધીશ જાણે. કંઈ વધારે જાણવા મળશે તો શૅર કરીશ. અત્યારે આટલું જ.