નોટ આઉટ @ 88 : જ્યોતિબહેન સોમાણી

નિજાનંદની મસ્તીમાં મસ્ત, કાયમ ખુશખુશાલ, એવાં આનંદી વડીલ જ્યોતિબહેન સોમાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

તેમનો જન્મ સુરતમાં. બે ભાઈ, બે બહેનનું કુટુંબ. પિતા સુરતની નિરંજન મિલમાં મેનેજર હતા. દસ વર્ષની બાળવયે  તેમણે માતાને ખોયાં, પણ સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો એટલે બાળપણ આનંદમાં ગયું. જીવન-ભારતી સ્કૂલ અને પછી ગર્લ્સ હાઇસ્કુલમાંથી SSC સુધીનો અભ્યાસ કર્યો. એક વર્ષ SNDT કોલેજમાં ગયાં. પતિના ચાલુ અભ્યાસને કારણે  વિવાહ બાદ પાંચ વર્ષે ડોક્ટર વિનોદભાઈ સોમાણી સાથે લગ્ન કર્યાં. સરકારી મેડિકલ-ઓફિસરની નોકરીમાં બે-ત્રણ વર્ષે બદલી થાય. પહેલું પોસ્ટિંગ રણોલીમાં હતું. ત્યારબાદ વાંસદા, લીમઝર, ગઢડા, ભુજ, મસ્કા વગેરે સ્થળોએ ફર્યાં. 1962માં પતિએ અમદાવાદ કોર્પોરેશનમાં હેલ્થ-ઓફિસરની નોકરી સ્વીકારી પછી અમદાવાદ આવી સ્થિર થયાં. 1962ના વોરના સમયમાં મદદરૂપ થવા તેમણે નર્સિંગનો કોર્સ કર્યો.  બે પુત્ર(એક પરદેશ), ત્રણ પૌત્રીઓ અને પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓનું ભર્યું-ભાદર્યું કુટુંબ છે. ઘરમાં ડોક્ટરોનું ચલણ વધારે છે. પતિ ડોક્ટર હતા, દીકરો અને વહુ પણ ડોક્ટર, પૌત્રી પણ ડોક્ટર! સાથે રહેતાં દીકરો-વહુ (પરેશ-મોના) તેમનું ઘણું ધ્યાન રાખે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ સવારે 6:30 વાગે ઊઠે, ચા-નાસ્તાની તૈયારી કરે. પાણી ભરે. દૂધ ગરમ કરે. નાહી-ધોઈને રસોડામાં કામ હોય તો મદદ કરે, નહીં તો પૂજા-પાઠ અને માળામાં તેમનો સમય જાય. જમીને છાપુ હાથમાં લે. રોજ ક્રોસ-વર્ડ તો કરે જ! તેમની ગમતી પ્રવૃત્તિ! અઢી વાગે થોડીવાર સુઈ જાય. ઊઠીને કપડાં વાળે, નાસ્તો બનાવે, રસોઈમાં મદદ કરે. તેઓ એકદમ સોશિયલ છે. ઘેર આવેલાં મહેમાનો તથા દીકરાનાં મિત્રો સાથે હળવા-મળવાનું બહુ ગમે. ટીવી જોવું ગમે. સમાચાર કે મેચ જોતાં-જોતાં સૂઈ જાય.

શોખના વિષયો : 

રસોઈ કરવાનું બહુ ગમે. જમવા-જમાડવાનાં શોખીન. શિવણનો શોખ હતો. ઘરના પડદા, સીટ-કવર વગેરે જાતે સીવતાં. ગરબા કરવા ગમે. મહેંદી અને રંગોળી કરવી પણ ગમે. મહેંદી-હરિફાઈમાં ઇનામ પણ મળ્યું છે! વાંચનનો ઘણો શોખ. ક્રોસ-વર્ડ તેમની ગમતી પ્રવૃત્તિ! ફરવાનું ગમે. યુવાનીમાં તો બે દિવસની રજા પડી નથી ને ફરવા ઊપડી જતાં! પિક્ચરો પણ બહુ જોતાં. સોસાયટીના મહિલા-મંડળની લાઇબ્રેરી તેઓ પોતાના ઘેરથી ચલાવતાં. મેડિકલ એસોસિએશનની લેડીઝ-વિંગની  પ્રવૃત્તિઓમાં પણ ખાસ્સાં સક્રિય હતાં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

હસતાં-હસતાં કહે છે: હરતી-ફરતી છું અને રસોઈ કરી શકું છું એટલે તબિયત સારી છે એમ સમજવાનું! અત્યાર સુધી 10 ઓપરેશન થઈ ગયાં છે! (પથરીનાં બે, ઘૂંટણનાં ચાર, મોતિયાનાં બે, હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો, મ્યુકર માઈકોસિસ…) બીપી અને ડાયાબિટીસ પણ ખરાં! સંભળાય ઓછું…..પણ, આનંદ છે!

યાદગાર પ્રસંગ:  

પતિને રણોલીમાં પહેલી નોકરી હતી. આંબાવાડીમાં એટલી બધી કેરીઓ થાય કે આંબો નમી પડે. નાનાં બાળકો જમીન પર ઊભાં-ઊભાં કેરી તોડી શકે! અમદાવાદથી એકલાં, પહેલીવાર દીકરાને ઘેર દુબઈ ગયાં, ત્યારે વ્હીલ-ચેર બુક કરી હોવાં છતાં વિમાનમાંથી ઉતર્યાં ત્યારે તેમને વ્હીલ-ચેર મળી નહીં. હાથમાં સામાન લઈ ધીમે-ધીમે તેઓ દુબઈ એરપોર્ટ પર જતાં હતાં તે એરપોર્ટ-ઓફિસરે જોયું. તેમણે બહુ મદદ કરી. ઈમિગ્રેશન-ક્લિયરન્સ અને લગેજ-કલેક્શન વગેરેમાંથી તેમને ઝટપટ પાસ કરાવી દીકરો લેવા આવ્યો હતો તેના હાથમાં સોંપ્યાં! આભાર એરપોર્ટ-ઓફિસરનો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટીવી ઉપર જરૂરી ચેનલો જાતે સેટ કરી લે. પોતાની દવાઓ જાતે મેનેજ કેરે. દવા ખૂટવા આવે ત્યારે દવા લાવવાનું સમયસર યાદ પણ કરાવી દે! પોતાની બેંક-બુક વ્યવસ્થિત રાખે, નિયમિત અપડેટ કરાવી લે. પોતાની FD અને ઇન્વેસ્ટમેન્ટની ફાઈલ જાતે સંભાળે. તેમના મતે: કોરોના પછી યાદદાસ્ત થોડી ઢીલી થઈ ગઈ છે. બાકી દીકરા-વહુના રાજમાં ખાઈ-પીને લહેર છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ છોકરાંઓને કંઈ કહેવાય નહીં! વડીલોએ જ એડજસ્ટ થઈને રહેવું પડે! તેમના  માટે તો દુબઈ એ જ એક મોટો ચેન્જ હતો! જાતજાતની અજાયબીઓ જોવા મળે! ચાલવામાં થોડી તકલીફ પડે, પણ ત્યાં જોવા-જાણવાનું ઘણું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બાળકો સાથે ગમે અને યુવાનો સાથે ફાવે! બાળકોને વાર્તા કહે, સ્તવન સંભળાવે. પૌત્રીઓ તો ઊંઘ આવે ત્યારે જ્યોતિબા પાસે આવે અને સ્તવન ગવડાવે! જ્યારે જુઓ ત્યારે જ્યોતિબા હસતાં અને હસતાં એટલે સૌને ગમે!

સંદેશો :  

હસતાં રહેવું, ગુસ્સો ના કરવો અને જતું કરવું. બધાં પોતપોતાની રીતે રહે છે. એમની જોડે એમની રીતે રહીએ તો જ રહેવાય!