Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ચૂંટણી પરિણામો બાદ હંમેશા જેમ બનતું આવ્યું છે તેમ વિપક્ષોની એકતાની વાતો શરુ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા જે પક્ષો એકબીજાને ગાળો ભાંડતા હતા, તેઓ હવે એકબીજાને ગળે લગાડવા માટે ઉત્સુક બન્યા છે. રાજકારણમાં કોઈ કોઈનું દોસ્ત નથી અને કોઈ કોઈનું દુશ્મન નથી. સત્તા મળતી હોય તો વર્ષો જૂનો સાથ એક જ ઝાટકે તોડવામાં આવે છે. એ જ રીતે સત્તા માટે વરસોથી ચાલી આવતી દુશ્મની ભુલાવી દેવામાં આવે છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ દેશનાં રાજકારણમાં નવા સમીકરણો શરુ થયા છે. સરકાર સામે મોરચો માંડવા વિપક્ષોએ એકમંચ પર ભેગા થવાની હાકલ કરી છે. રાજકારણમાં કેન્દ્ર સ્થાને સત્તા હોય છે. દેશમાં ગઠબંધનની સરકાર ચાલતી હોય તેમા સત્તા ટકાવી રાખવાનો સ્વાર્થ હોય છે. એજ રીતે સત્તા મેળવવા માટે ગઠબંધન થતા હોય છે. ઉત્તરપ્રદેશનાં પરિણામો પછી કોમામાં સરી પડેલા વિપક્ષો ઘીરે ઘીરે બેઠા થઈ રહ્યાં છે. આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ અત્યારથી જ શરુ કરવા માગે છે, કારણકે નરેન્દ્ર મોદીનો અશ્વમેધ યજ્ઞનો અશ્વ જે ઝડપે દોડી રહ્યો છે, તે જોતાં વિપક્ષો છેક 2024 સુધી રાહ જોવી પડે !

દેશને કોંગ્રેસમુક્ત બનાવવાની ભાજપની ઝુંબેશ સફળ બની છે. જોકે અમુક કિસ્સાઓમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપયુક્ત પણ બન્યા છે ! દેશમાં શાસનની દ્રષ્ટિએ જોઇએ તો આંગળીને વેઢે ગણી શકાય એટલાજ રાજ્યોમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસને સત્તા મળી એ ઘટનામાં પક્ષ કરતા પક્ષનાં મુખ્યપ્રધાનપદનાં ઉમેદવારને વધુ શ્રેય મળી રહ્યો છે. પંજાબ મળ્યું છે પરંતુ 2018માં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી સત્તા મેળવી શકશે કે કેમ એ મોટો સવાલ છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સમયે વરિષ્ઠ કોંગ્રેસી અગ્રણી નારાયણ દત્ત તિવારીને ભાજપમાં સામેલ કરી દેવાયા હતા. એ જ રીતે કર્ણાટકનાં કોંગી આગેવાન એસ એમ કૃષ્ણાને ભાજપમાં ભેળવી દેવાયા છે. વિપક્ષોનું નેતૃત્વ કરવાના સપના જોતા કોંગ્રેસનાં રહ્યાં સહ્યાં કાંગરા ખરી રહ્યાં છે. કોગ્રેસ ખુદ પોતાનો પક્ષનાં આગેવાનોને સાચવી શકતા નથી તો અગલ અલગ પક્ષોનાં આગેવાનોને એક રાખવામાં કેવી રીતે સફળ થઈ શકેશે ? આ સવાલ વિપક્ષો જ ઉઠાવી રહ્યાં છે.

વિપક્ષોમાં મોટો પક્ષ કોંગ્રેસ ગણી શકાય, પરંતુ વાસ્તવમાં છે નહીં. આ વાસ્તવિકતા કોંગ્રેસ સમજી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પક્ષે પ્રાદેશિક પક્ષ સમાજવાદી પક્ષ સાથે સમજૂતી કરીને ડહાપણ વાપર્યુ હતું. તેમછતાં ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોટાભાઈ હોવાનો દેખાવ કરવાની કોશીશ કરી હતી. હવે જ્યારે દેશવ્યાપી વિપક્ષી મોરચો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરચાનું નેતૃત્વ કોણ કરશે એ મુદ્દો પેચિદો બની રહ્યો છે. આમતો વિપક્ષ એકતાની વાત ‘છાશ છાગોળે ને ભેંસ ભાગોળે’ જેવી છે. પાંચ રાજ્યોમાં ધોબીપછાડ ખાધા પછી માંડ માંડ કળ વળીને બેઠા થયેલા વિપક્ષો ઇવીએમને મુદ્દો બનાવીને એકસૂરમાં સરકારનો કોસી રહ્યાં છે. વિપક્ષોનો આ મુદ્દો સામાન્ય પ્રજાજનને ગળે ઉતરે તેમ નથી. ઇવીએમ મામલે વિપક્ષો કદાચ એક થાય, પરંતુ મહાગઠબંધન બને તો તેનું નેતૃત્વ કોણ કરશે ? અને એટલે જ સવાલ થાય છે કે ભાજપ સામે એકઠા થતા વિપક્ષોનું લક્ષ શું ? સત્તા કે દેશ સેવા ?

વિપક્ષોનું નેતૃત્વ પક્ષ તરીકે કોંગ્રેસ કરી શકે પરંતુ ગઠબંધનના નેતા તરીકે કોંગ્રેસનાં કોઈ આગેવાનનું નામ સ્વીકાર્ય ન બને. રાહુલ ગાંધીને નેતા તરીકે અન્ય પક્ષો માન્ય ન રાખે. અને કોંગ્રેસ અન્ય કોઈને આગળ પણ ન કરે. કોંગ્રેસ સિવાયનાં પક્ષોના નેતાઓમાં જે નામો ચર્ચાઈ રહ્યાં છે તેમાં બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી અને બિહારનાં મુખ્યપ્રધાન નીતિશકુમારનાં નામ મોખરે છે. બહુજન સમાજનાં માયાવતીએ તમામ રાગદ્વેશ ભુલીને અખિલેશ સાથે ગુફતેગુ કરી અને રાજ્યમાં સાથ આપવાની સામે કેન્દ્રમાં સાથ મળે તો મોરચો સંભાળવાની તૈયારી દર્શાવી. જો કે માયાવતીની આ વાતને કોઈએ ગંભીરતાથી લીધી નથી. હાલ તો મમતા અને નીતિશકુમારમાંથી એકની પસંદગી થવાની શક્યાતા છે. આ બધા વચ્ચે આંચકો આપે એવી વાત એ છેકે અખિલેશ વિપક્ષોની એકતાની વાતો કરી રહ્યાં છે, ત્યારે મુલાયમસિંહએ જાહેર કર્યુ કે તેમનો પક્ષ કોઈ સાથે જોડાણ નહીં કરે, એકલો જ લડશે. રાજકીય સમિક્ષકોના મતે વિપક્ષી મોરચાનાં નેતા તરીકેની ચર્ચામાં માત્ર મમતા અને નીતિશકુમારનાં નામો ચર્ચામાં આવવાને કારણે મુલાયમસિંહ ગુસ્સે થયા છે. તેમને એવું લાગે છે કે ગઠબંધનના નેતા તેઓ કેમ ન બની શકે ?

જ્યારે બીજીબાજુ ભાજપ વિપક્ષોને મહાત કરવા પાછળ સમય બગાડવાને બદલે પ્રજાજનોમાં તેમનું સ્થાન મજબૂત કરવા તરફ જઇ રહ્યો છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે રાજ્યોમાં પ્રસાર માટેનાં પ્રયત્નો ચાલુ છે. એનડીએનાં સાથી પક્ષોની જ્યાં સરકાર છે તેવા રાજ્યોમાં પણ ભાજપ તેની આગવી ઓળખ ઉભી કરવા માગે છે. પંજાબમાં સાથી પક્ષ અકાલીદળની નિષ્ફળતાને પગલે ભાજપને સહન કરવું પડ્યું . તેથી સાથી પક્ષોનું શાસન છે, રાજ્યોમાં સ્થાન મજબૂત કરવાનું શરુ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં પોતાની તાકાત દર્શાવ્યા બાદ હવે ઓરિસ્સા અને તેલંગાણામાં પણ સાથી પક્ષો કરતા ભાજપને મજબૂત બનાવવામાં આવશે. રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે ભાજપ પ્રાદેશિક પક્ષોનાં પ્રભુત્વને ખતમ કરવાની દિશા તરફ આગળ વધી રહ્યો છે. અને તેથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રાદેશિક પક્ષોએ નાછૂટકે એક થવાની ફરજ પડશે. જો કે અકજૂટ થયેલા વિપક્ષો ભાજપના અશ્વમેધનાં અશ્વને મહાત કરી શકશે કે કેમ એ કેવું હાલ મુશ્કેલ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS