રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું…

2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી 10 એપ્રિલ, બુધવારે એમની ઉમેદવારી નોંધાવી હતી. એમણે જિલ્લા કલેક્ટરની કચેરીએ જઈને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. જિલ્લા કલેક્ટર ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવે છે. રાહુલ જો જીતશે તો અમેઠીમાંથી એ તેમનો ચોથી મુદતનો વિજય બનશે. એ 2004, 2009 અને 2014માં અમેઠીમાંથી વિજયી થયા હતા. આ વખતે સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં 6 મેએ મતદાનનો દિવસ નક્કી કરાયો છે, જે પાંચમો રાઉન્ડ હશે. રાહુલે આજે ઉમેદવારીપત્ર સુપરત કર્યું ત્યારે એમની સાથે એમના પરિવારના તમામ સભ્યો હાજર હતાં - માતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, બહેન અને પક્ષનાં મહામંત્રી (પૂર્વીય ઉત્તર પ્રદેશ) પ્રિયંકા ગાંધી-વાડ્રા, બનેવી રોબર્ટ વાડ્રા, ભાણો રેહાન અને ભાણી મિરાયા. રાહુલે ઉમેદવારી નોંધાવી એ પહેલાં રોડ શો કર્યો હતો જે લગભગ બે કલાકનો રહ્યો હતો.