Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગટન- અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ વિવાદો અને ચર્ચામાં રહ્યા છે. હાલમાં ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, જોકે આ વખતે ટ્રમ્પ તેના ભાષણને કારણે નહીં પણ ‘હેંડ શેક’ નહીં કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. જર્મન ચાન્સલર એંજેલા માર્કલ હાલ અમેરિકાની મુલાકાતે છે, જ્યાં વ્હાઈટ હાઉસની સત્તાવાર મુલાકાત બાદ ઔપચારિક ફોટોસેશન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને  એંજેલા માર્કલ સાથે તો બેઠા હતા પરંતુ ટ્રમ્પે એંજેલા સાથે હાથ મિલાવવાથી ઈનકાર કર્યો હતો.

વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મુલાકાત બાદ ઔપચારિક ફોટોસેશન દરમિયાન ટ્રમ્પ અને એંજેલા માર્કલ એક સાથે બેઠા હતા. જે દરમિયાન ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફરે તેમને રિવાજ અનુસાર બન્ને મહાનુભાવોને હાથ મિલાવવા કહ્યું હતું. ત્યારબાદ એંજેલા માર્કલે પણ ટ્રમ્પને પુછ્યું કે ‘શું તેઓ હાથ મિલાવવા ઈચ્છે છે?’ જોકે ટ્રમ્પે એંજેલાની વાતને અનદેખી કરી અને પોતે બીજી તરફ મોઢુ ફેરવીને બેસી ગયા હતા. ટ્રમ્પના આવા વલણથી એક વાત તો સ્પષ્ટ થઈ કે બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચા સદભાવપૂર્ણ ન રહી.

મહત્વનું છે કે, ટ્રમ્પે એંજેલા માર્કલ સાથેની ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ મીડિયા સાથેની મુલાકાતમાં ફરી એકવાર પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પર ફોન ટેપિંગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે ટ્રમ્પની આ વાત દરમિયાન એંજેલા માર્કલ મૌન રહ્યા હતા અને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. મહત્વનું છે કે, ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકી જાસુસી એજન્સીઓએ જર્મન ચાન્સલર એંજેલા માર્કલના ફોન કોલ્સ ટેપ કર્યા હતા જેને લઈને અમેરિકાને શર્મિંદગી અનુભવવાનો વારો આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS