PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદમાં કર્યું મતદાન

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ની ગુજરાત રાજ્યની બેઠકો માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઇ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મતદાન કેન્દ્રો અમદાવાદમાં હોવાથી તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. વહેલી સવારે 7-45 કલાકની આસપાસ વડાપ્રધાન નરેદ્ર મોદી રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું. કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચૂસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બલોલ નગર નજીકથી નિશાંત સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝિલતાં વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ કરીને પરત ફર્યા બાદ રાણીપમાં મીડિયા સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીના મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ અમિત શાહ અને ભાજપાના અગ્રણી કાર્યકર્તાઓ હાજર હતા. વડાપ્રધાનનું રાણીપમાં મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરાના કામેશ્વર મહાદેવ અંકુર વિસ્તારમાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. અમિત શાહે મતદાન કર્યા બાદ નજીકના કામેશ્વર મહાદેવ ખાતે દર્શન કરી મીડિયા સાથે સંવાદ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)