પહેલી વાર કોઈ નેતાનો ચૂંટણીમાં પ્રચારમાં આવો અંદાજ જોવા મળ્યો

મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન જ ગોવિંદાએ રાજકારણમાં ફરી એન્ટ્રી કરી દીધી છે. તેમણે એક દાયકા પછી રાજકારણમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીમાં જોડાયા ત્યારથી અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદા જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. શિવસેનાના સ્ટાર પ્રચારક હોવાથી તેઓ ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેતા મંચ પર સભાની વચ્ચે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો અને અન્ય નેતાઓ પણ નાચવા લાગ્યા હતાં.

ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદાનો જોરદાર ડાન્સ

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકાય છે કે શિવસેનાના નેતાઓ સ્ટેજ પર હાજર છે. ચૂંટણી રેલીની વચ્ચે ગોવિંદા તેના હિટ ગીત ‘આપકે આ જાને સે…’ પર જોરદાર શૈલીમાં ડાન્સ કરી રહ્યા છે. તેને ડાન્સ કરતા જોઈને બાકીના નેતા પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તે પણ તેની સાથે સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. ગોવિંદાનો ડાન્સ જોઈને સભામાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે. ગોવિંદાની સ્ટાઈલ અને ઉત્સાહ પહેલા જેટલો જ શાનદાર દેખાઈ રહ્યો છે. તે ગીતની દરેક લાઇનને ફુલ એક્સપ્રેશન એન્જોય કરતા દેખાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અભિનેતાનો આવો અંદાજ પહેલીવાર જોવા મળ્યો છે.

ગોવિંદા શિવસેનામાં જોડાયા છે

નોંધનીય છે કે વર્ષ 2004માં ગોવિંદા મુંબઈ ઉત્તર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. અભિનેતા માર્ચ 2024માં શિવસેનામાં જોડાયા. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા ત્યારથી તેઓ ચૂંટણી પ્રચારનો હિસ્સો છે. હાલમાં એ નક્કી નથી થયું કે ગોવિંદા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે નહીં. જો કે, એવી ધારણા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.