કોણ છે ઉજ્જવલ નિકમ જે ભાજપ માટે કોર્ટથી સીધા ઉર્તયા ચૂંટણીના મેદાનમાં ?

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં આ વખતે ઘણા જાણીતા ચહેરાઓ ચૂંટણીના મેદાનમાં ઉર્તયા છે. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને આ બેઠક પરથી દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે,જ્યારે કોંગ્રેસે આ બેઠક માટે મુંબઈ પ્રમુખ વર્ષા ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે. કોણ છે વકીલ ઉજ્જવલ નિકમ? જેમના પર ભાજપે દાવ લગાવ્યો છે.

 

ઉજ્જવલ નિકમનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતા મરાઠી પરિવારમાં થયો હતો. મના પિતા વ્યવસાયે ન્યાયાધીશ હતા.નિકમે જલગાંવની એસએસ મણિયાર લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તેમણે સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જલગાંવમાં જિલ્લા ફરિયાદી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને પછી રાજ્ય અને રાષ્ટ્રીય કેસોમાં ઓળખ મેળવી.

તેમણે 1991માં કલ્યાણ બોમ્બ વિસ્ફોટ માટે રવિન્દર સિંહને દોષિત ઠેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.1993માં તેમની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો જ્યારે તેઓ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સરકારી વકીલ બન્યા.નિકમે આતંકવાદી ગતિવિધિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતમાં 14 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.નિકમે 26/11ના મુંબઈ હુમલાની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી દલીલો કરી હતી.મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબે જેલમાં મટન બિરયાનીની માંગ કરી હતી. જોકે,બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ખોટું બોલ્યો હતો. આ સિવાય પણ અનેક ચર્ચિત કેસો ઉજ્જવલ નિકમ લડી ચૂક્યા છે.

રેપ અને મર્ડરના કેસ

ગુલશન કુમાર હત્યા કેસ (1997): બૉલિવૂડ ફિલ્મ નિર્માતા ગુલશન કુમારની હત્યા 12 ઓગસ્ટ 1997એ અંધેરીમાં એક મંદિરની બહાર થઈ હતી. આ મામલે ઓગણીસ લોકો પર આરોપ હતો, પરંતુ 2002માં એક આરોપી સિવાય તમામને જેલમુક્ત કરવામાં આવ્યા હતાં.

મરીન ડ્રાઈવ બળાત્કાર કેસ (2005): પોલીસ કોન્સ્ટેબલ સુનીલ મોરેને મુંબઈના મરીન ડ્રાઈવ પર એક પોલીસ સ્ટેશનમાં 15 વર્ષની છોકરી સાથે બળાત્કાર કરવાના કેસમાં આરોપી જાહેર કરાયો અને તેમને 12 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી.

પ્રમોદ મહાજન હત્યા કેસ( 2006): ભારતીય જનતા પાર્ટીના નેતા મહાજનને 22 એપ્રિલ 2006માં પારિવારિક વિવાદ બાદ તેના નાના ભાઈ પ્રવીણ મહાજનને ગોળી ધરબી દીધી હતી. પ્રવીણને ડિસેમ્બર 2007માં આજીવાન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

મુંબઈ સામુહિક બળાત્કાર (2013):4 એપ્રિલ 2014ના એક આદેશમાં, મુંબઈના શક્તિ મિલ્સ પરિસરમાં એક ફોટો પત્રકાર સાથે સામુહિક બળાત્કાર મામલે ત્રણ આરોપીઓને મોતની સજા ફટાકારવામાં આવી હતી, જ્યારે ચોથા આરોપીને આજીવન કારાવાસની સજા મળી હતી.

આ સિવાય ઉજ્જવલ નિકમે મોહસિન શેખ હત્યા, પ્રીતી રાઠી હત્યા કેસ તેમજ 2016ના કોપર્ડી બળાત્કાર અને હત્યા કેસમાં સરકારી વકીલ હતાં.

આતંકવાદના કેસો

1991 કલ્યાણ બોમ્બ વિસ્ફોટ, 1993ના બોમ્બ બ્લાસ્ટ અને 2008ના મુંબઈ હુમલા સંબંધિત અનેક મોટા કેસોમાં ઉજ્જવલ નિકમની વકીલ તરીકે ભૂમિકા રહી છે.

1993 બોમ્બે બોમ્બ બ્લાસ્ટ: 12 માર્ચ 1993 ના રોજ બોમ્બે (હાલના મુંબઈ)માં થયેલા 13 હુમલાઓની શ્રેણીમાં શંકાસ્પદો પર કેસ ચલાવવા માટે 2000 માં આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એક વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. આ હુમલામાં 257 લોકો માર્યા ગયા હતા. તે સમયે તે ભારતનો સૌથી ભયંકર આતંકવાદી હુમલો હતો. ટ્રાયલ લગભગ 14 વર્ષ ચાલ્યો અને ડઝનેક લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા.

2003 ગેટવે ઓફ ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ: 25 ઓગસ્ટ 2003ના રોજ મુંબઈમાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા, એક ઝવેરાત માર્કેટમાં અને બીજો ગેટવે ઓફ ઈન્ડિયા, જે લોકપ્રિય પ્રવાસીઓનું આકર્ષણ છે. ઓગસ્ટ 2009માં ત્રણ પુરુષોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મોતની સજા આપવામાં આવી હતી.

2008 મુંબઈ હુમલા: નવેમ્બર 2008માં મુંબઈની ત્રણ દિવસની ઘેરાબંધી – જેમાં લક્ઝરી હોટલ, એક યહૂદી કેન્દ્ર અને અન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. અજમલ કસાબ, પોલીસ દ્વારા જીવતો પકડાયેલો એકમાત્ર હુમલાખોર, તેને 6 મે 2010ના રોજ મોતની સજા આપવામાં આવી હતી અને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

એવું કહેવાય છે કે ઉજ્જવલ નિકમે તેમની 30 વર્ષની કારકિર્દીમાં 628 કેદીઓને આજીવન કેદની સજા આપી છે. 37 ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. 2009માં 26/11 કેસની સુનાવણી દરમિયાન ઉજ્જવલ નિકમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.ઉપરાંત, કાનૂની ક્ષેત્રે તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા તેમને 2016 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.