અહિંસાનું આચરણ

પતંજલિ યોગ સૂત્રમાં એક સુંદર સૂત્ર એ છે કે ‘જતિદેશા કાલસમયનવછ્છિન્નહઃ સાર્વભૌમમહાવ્રતમ્’. એનો અર્થ એ થાય છે કે ‘વિરાટ પ્રતિજ્ઞાઓ વૈશ્વિક હોય છે અને તે જીવન, રાજય, દેશ,સમય કે સંજોગોની મર્યાદાથી પર હોય છે.’ આ શબ્દો સર્વત્ર,હર સમયે અને દરેકને લાગુ પડે છે.ઉપરોક્ત પાંચ પરિબળો સાર્વત્રિક છે.કોઈ પ્રાણી અકારણ હિંસક બનતું નથી. જંગલી પ્રાણીઓ જ્યારે ભૂખ લાગી હોય છે અને તેમને ખાવું હોય ત્યારે જ શિકાર કરે છે.માનવી આનંદ પ્રમોદ માટે શિકાર કરે છે. માણસોને ભગવાનના નામે હિંસા કરવામાં કોઈ સંતાપ થતો નથી. દુનિયામાં દેશ,ધર્મ અને જાતિના નામે અવિચારી હિંસા પ્રચલિત છે.આ બાબત વિવેકબુદ્ધિનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે.હિંસક માણસ કોઈનું સાંભળવા તૈયાર હોતો નથી.

હિંસા શા માટે થાય છે? એનો ઉત્તર છે હતાશા. મન હતાશ થાય છે અને હતાશા વધતી જાય છે. ‘શા માટે,શા માટે, શા માટે’ એ પ્રશ્ન હિંસામાં ફેરવાઈ જાય છે અને ચેપી થઈ જાય છે.ટોળુ હિંસા આચરે છે.વ્યક્તિગત રીતે કોઈ એ હિંસક કૃત્ય કરવા સક્ષમ ના હોય ,પરંતુ જ્યારે એ માણસ ટોળાનો એક ભાગ હોય છે ત્યારે તે તેમાં સહભાગી થાય છે. વિવેક એને કહેવાય કે જ્યારે વ્યક્તિ “આ પૃથ્વી પર હું જાણતા કે અજાણતા કોઈ પ્રાણી કે જીવની હત્યા નહીં કરું” એમ કહીને અહિંસા અપનાવે છે. આમેય તમે તમારી જાણ બહાર ઘણા જીવોનો નાશ કરતા હોવ છો. તમે ચાલો છો ત્યારે તમારા પગ નીચે ઘણી કીડીઓ મરી જતી હોય છે.તમે કોઈને મારી નાંખતા નથી. બસ એવું થઈ જાય છે. પરંતુ કશું નષ્ટ કરવાનો ઈરાદો, હિંસા કરવાનો ઈરાદો તમારા મૂળભૂત આધારને નષ્ટ કરી શકે છે. હિંસાનો આ ઈરાદો પડવો મુકવો એટલે અહિંસા.

અહિંસાની શું અસર થાય છે? મહર્ષિ પતંજલિ 35 માં સૂત્રમાં સુંદર રીતે વર્ણવે છે: ‘અહિંસાપ્રતિષ્ટયમ્ તત્સન્નિધૌ વૈરાત્યગઃ’ એટલે કે ‘જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે અહિંસા અપનાવે છે ત્યારે તેની ઉપસ્થિતિમાં હિંસા ટકી શકતી નથી.’
જો તમે સંપૂર્ણપણે અહિંસાનો અમલ કરો છો તો તમારી ઉપસ્થિતિ માત્રમાં અન્ય પ્રાણીઓ હિંસા આચરી શકતા નથી. દા.ત.,કોઈ તમારી ઉપર આક્રમણ કરવા આવે છે. તે જેવા તમારી નજીક આવશે ત્યારે તમારા સ્પંદનો સંપૂર્ણ અહિંસક હોવાથી તે ખમી જશે. તે હિંસક બનતા અટકી જશે.ભગવાન મહાવીર અહિંસા પર ભાર મુકે છે. એવું કહેવાય છે કે તેઓ જ્યારે ચાલતા ત્યારે તેમની આસપાસના વીસ કિલોમીટર વિસ્તારમાં લોકો હિંસક બનતા અટકી જતા. એવું કહેવાય છે કે હિંસા એ હદે અટકી જતી કે કાંટા પણ કોઈને વાગવાને બદલે મૃદુ બની જતા. અહિંસાથી સહનશક્તિ આવે છે.

તમને ક્યારેય કોઈને મારવાનું મન થયું છે? તમારા મનમાં શેનાથી હિંસાનો ભાવ જાગે છે? હિંસાનો સ્રોત શું છે? જ્યારે તમે હિંસાના સ્રોત તરફ ધ્યાન લઈ જાવ છો ત્યારે તમે જોશો કે હિંસા અદ્રશ્ય થઈ જાય છે,ઓગળી જાય છે અને શાંતિનું અવતરણ થાય છે. યોગથી એટલી આંતરિક શાંતિ આવે છે જે અહિંસાની સ્થાપના કરે છે. અહિંસાનું આચરણ બન્ને બાજુના વાહન વ્યવહાર જેવું છે. અહિંસા મનની શાંતિ આપે છે અને જ્યારે તમે અંદરથી શાંત હોવ ત્યારે આપોઆપ અહિંસક બની જાવ છો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)