શું વૈરાગ્ય કંટાળાજનક છે?

વૈરાગ્યનું આવવું કુદરતી રીતે શરુ થાય છે. જ્યારે તમે મોટા થઈ જાવ છો ત્યારે તમારું મન નાની નાની વાતોમાં અટકતું નથી. જેમ કે, તમે નાના હતા ત્યારે તમને લોલીપોપ બહુ ભાવતો. જ્યારે તમે સ્કૂલ કે કોલેજમાં ભણવા સુધી પહોંચ્યા, ત્યારે તે આકર્ષણ કુદરતી રીતે જતું રહ્યું હતું. તમે મોટા થાવ છો ત્યારે તમારે મિત્રો હોય છે,પરંતુ તમે તેમની માયામાં ફસાયેલા રહેતા નથી. મા અને બાળક વચ્ચે પણ આવું થાય છે. માયા તમને કુદરતી રીતે છોડવા માંડે છે. જો વૈરાગ્ય ના થાય તો તમને દુઃખનો અનુભવ થાય. આપણે એવું વિચારીએ છીએ કે -‘અરે, મેં કેટલું બધું કર્યું. મેં મારા બાળકો માટે એટલું બધું કર્યું છે અને જુઓ હવે તેઓ કેવું કરી રહ્યા છે. ‘આવું વિચારીને આપણે દુ:ખના ચક્રમાં ફસાઈ જઈએ છીએ. તમારે જે જવાબદારી નિભાવાની હતી તે તમે પાર પાડી. અન્ય કોઈ પર, તમારા બાળકોની લાગણીઓ પર, કોઈ જબરજસ્તી ના હોઈ શકે.

આપણે કોઈના પર તેમની લાગણી વ્યક્ત કરવા જબરદસ્તી ના કરી શકીએ. કોઈના પણ હ્રદયમાં લાગણીઓ, ભલે તે ગમે તે પ્રકારની હોય, કુદરતી રીતે જન્મે છે. લાગણીઓ પોતે જન્મતા પહેલા પરવાનગી નથી લેતી હોતી. પરંતુ જો તમે જ્ઞાન સાથે જીવતા હોવ તો નકારાત્મક લાગણીઓ લગભગ નહીંવત હોય છે. વળી, સકારાત્મક લાગણીઓ પ્રબળ ઈચ્છા તરીકે નહીં પણ પ્રેમ તરીકે હોય છે.

લોકો એવું માને છે કે જ્ઞાની એને કહેવાય જે પોતાની લાગણીઓ મારી શકતા હોય. ના,એવું નથી હોતું. સદ્ભાવ, પવિત્ર લાગણીઓનું અસ્તિત્વ બનેલું રહે છે. ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે,’જે મારી સાથે- ચેતના સાથે- જોડાયેલા નથી તેમનામાં બુધ્ધિ કે લાગણી હોતા નથી. બુધ્ધિ અને લાગણી વગર શાંતિ કે સુખનું અસ્તિત્વ શક્ય નથી. ‘રાગ અને દ્વેષનું પ્રેમમાં પરિવર્તન થવું એટલે વૈરાગ્ય.

આદિ શંકરાચાર્યે પણ કહ્યું છે કે દુનિયાનું એવું કોઈ સુખ નથી જે વૈરાગ્યથી પ્રાપ્ત ના થઈ શકે. વૈરાગ્ય એટલે વનમાં પ્રસ્થાન કરવું એવું નહીં. તેને સાવ ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. વૈરાગ્યમાં પરમાનંદ અને સુખ હોય છે. જે રીતે કમળ પાણીમાં હોય છે પરંતુ ભિંજાતું નથી તેમ સમાજમાં રહેવા છતાં વ્યકિતએ સમાજને મનમાં પ્રવેશવા ના દેવો જોઈએ. તમારી ઉપરથી પક્ષીઓ ઊડે તે ઠીક છે,પરંતુ તેમને તમારા મસ્તક પર માળો ના બાંધવા દો.

સંન્યાસ એટલે પોતાની અંદર સ્થાપિત થવું. જે કશાથી પણ વિચલિત નથી થતા તે સંન્યાસી છે. સંન્યાસ એ 100% વૈરાગ્ય અને 100% પરમાનંદ છે તથા માંગણીઓથી મુક્ત હોય છે. જો ચોથા આશ્રમ, વાનપ્રસ્થાશ્રમમાં, સંન્યાસ થાય તો ઘણું આવકારદાયક છે. મનમાં એટલી તૃપ્તિ થવી કે લાગે કે ‘મારું કોઈ નથી’ અને ‘કોઈ અન્ય નથી’ કે ‘દરેક વ્યકિત મારી પોતાની જ છે’ કે ‘આ દેહ મારો નથી’ એ સંન્યાસની અવસ્થા છે. સંન્યાસમાં મનમાં સંપૂર્ણ ખુશી હોય છે. વસ્ત્રો ત્યજીને અરણ્યમાં પ્રસ્થાન કરવું એ સંન્યાસ નથી. પરમાનંદ એ તમારો મૂળ સ્વભાવ છે. પરમાનંદને માણવા જતાં તમે ‘છે’ થી અધોગમન કરીને ‘છું’ માં પહોંચી જાવ છો-“હું શાંતિમય છું”,”હું પરમાનંદ છું”. એ પછી “હું દુખી છું” આવે છે.”હું છું” એ વૈરાગ્ય છે. તમે ગમે ત્યાં હોવ પણ વૈરાગી હોઈ શકો છો.

વૈરાગ્ય એટલે બધી વસ્તુને આવકારવી. કેન્દ્રિત રહેવાથી ઊર્જા, એક ચિનગારી, મળે છે. પરમાનંદને માણવાની વૃત્તિ જડતા લાવે છે. જો તમે વૈરાગી છો તો પરમાનંદ તો રહે જ છે. જ્યારે ફ્રીઝરમાં ભરપૂર આઇસક્રીમ હોય તો તમને તેની પડી હોતી નથી. વૈરાગ્ય અભાવની ભાવના દૂર કરે છે. લાલસા એ વિપુલતાના અભાવની ભાવના છે. જ્યારે પણ બધું વિપુલ પ્રમાણમાં હોય ત્યારે વૈરાગ્ય ઉદ્ભવે છે. જ્યારે વૈરાગ્ય હોય છે ત્યારે બધું વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)