પીડાના મૂળ કારણને દૂર કરો

આ વિશ્વનું દરેક પાસું ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં દરેક વસ્તુ ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ પ્રકૃતિમાં ગતિશીલ છે. તે બધા વિકાસના ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે.

સમગ્ર સૃષ્ટિ પાંચ તત્વો અને દસ જ્ઞાનેન્દ્રિયોથી બનેલી છે – પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ ક્રિયા ઇન્દ્રિયો. આ સમગ્ર સૃષ્ટિ તમને આનંદ અને આરામ આપવા માટે છે. જે તમને ખુશ કરે છે તે તમને આરામદાયક પણ હોવું જોઈએ. નહિ તો સુખ પોતે જ દુ:ખ બની જાય છે. ચાલો હું તમને એક ઉદાહરણ આપું: તમને એપલ પાઈ ગમે છે, પરંતુ એક સાથે પાંચ એપલ પાઈ તમારા માટે થોડી વધુ જશે. જે વસ્તુએ તમને ખુશ કર્યા હતા હવે એ જ તમને દુઃખી કરશે. સમગ્ર સર્જન તમને આનંદ અને મુક્તિ આપે છે. તમારે કોઈક સમયે આ બધામાંથી તમારી જાતને મુક્ત કરવી પડશે, નહીં તો સુખ દુઃખમાં ફેરવાઈ જશે.

જો કે આ જગત એક બ્રહ્મજ્ઞાની વ્યક્તિ માટે એવી રીતે અસ્તિત્વમાં નથી, જે રીતે તે સામાન્ય વ્યક્તિ માટે અસ્તિત્વમાં છે, જગત પોતાના વિરોધાભાસ સાથે અસ્તિત્વમાં રહેવાનું છે. જે જ્ઞાનમાં જાગ્રત થાય છે તેને બીજી કોઈ તકલીફ નથી. વિશ્વ સંપૂર્ણપણે અલગ દેખાય છે. તેમના માટે આ રચનાનો કણે કણ આનંદ અથવા આત્માના અંશથી ઓત-પ્રોત છે. પરંતુ અન્ય લોકો માટે તે જેવું દેખાઈ છે તેવું અસ્તિત્વમાં છે.

તમારું શરીર ત્રણ ગુણોનું બનેલું છે – સત્વ, રજસ અને તમસ – અને તે મુજબ તમારા વિચારો અને વર્તન બદલાય છે. તમસ વધુ નીરસતા, નિંદ્રા, સુસ્તી સર્જે છે અને રજસ બેચેની, ઇચ્છાઓ અને દુઃખનું સર્જન કરે છે. જ્યારે મન પર સત્વનું વર્ચસ્વ હોય છે, ત્યારે તે પ્રસન્ન, સતર્ક અને ઉત્સાહી હોય છે. જ્યારે આ ત્રણેય ગુણો તમારા શરીરમાં તેમની પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે, ત્યારે આ વિભિન્ન ગુણો પ્રબળ બને છે. તમારી અંદર રહેલી વૃત્તિઓનું અવલોકન કરો અને એવું ન વિચારો કે તે વૃત્તિઓ તમે જ છો. એક વાર્તા છે. હિમાલયમાં એક મહાન ઋષિ હતા. તે જ્યાં પણ જાય ત્યાં તેને રોક ટોક વગર પ્રવેશ મળતો. લોકો તરફ થી તેમને પ્રેમ અને સત્કાર મળ્યો. આ સંત રોજ રાજાના મહેલમાં બપોર નું ભોજન લેવા જતા હતા. અને રાણી તેને સોનાની થાળી અને વાટકીમાં ભોજન પીરસતી. તે જમતા અને જતા રહેતા. એકવાર, ભોજન કર્યા પછી, તેણે ચાંદીનો ગ્લાસ અને સોનાનો ચમચો ઉપાડ્યો અને સાથે લઈને ચાલ્યા ગયા. તેણે કોઈને કહ્યું પણ ન હતું કે તેમને તેની જરૂર છે.

મહેલમાં રહેલા લોકોને આશ્ચર્ય થયું. ‘સાધુને શું થયું? તેણે ક્યારેય આવું કશું લીધું નથી, આજે શું થયું, તે પણ કોઈને કહ્યા વગર?” તેને આશ્ચર્ય થયું. ત્રણ દિવસ પછી તે સામાન પાછો લાવ્યા. એ વધુ આશ્ચર્યજનક હતું.

રાજાએ ઋષિના વર્તનનું વિશ્લેષણ કરવા માટે તમામ જ્ઞાની લોકોને બોલાવ્યા. તે જાણવા માટે પંડિતો અને જ્ઞાનીઓએ તે દિવસે ઋષિને શું ખવડાવ્યું હતું તપાસ કરી. તેઓને ખબર પડી કે તે અમુક લુંટારાઓ/ડાકુઓ પાસેથી જપ્ત કરવામાં આવેલો ખોરાક હતો, જે રાંધીને સાધુને પીરસવામાં આવ્યું હતો અને જેણે તેને પણ લૂંટવા માટે મજબુર કરી દીધો હતો!

તેથી, પીડાના મૂળ કારણને દૂર કરવા માટે ચોક્કસ સમજ જરૂરી છે. શરીર, મન અને સમગ્ર વિશ્વમાં દરેક સમયે પરિવર્તનો થતા રહે છે. સમગ્ર બ્રહ્માંડ પ્રવાહીતાનું એક સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાન એ છે કે, ‘હું શરીર નથી, હું આત્મા છું, હું આકાશ છું, હું અવિનાશી છું, અપ્રભાવિત છું, મારી આસપાસની આ દુનિયાથી અછૂત છું. આ શરીરનો દરેક કણ બદલાઈ રહ્યો છે અને મન પણ બદલાઈ રહ્યું છે. આ શુદ્ધ જ્ઞાન આ ચક્રમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)