બદલાતી રહેતી દુનિયામાં રહેલી નિશ્ચિતતાઓ

જો તમને ચેતનાની અનિશ્ચિતતાનો, અસંદિગ્ધતાનો, ખ્યાલ આવે છે તો તમે દુનિયાની અનિશ્ચિતતા બાબતે નચિંત થઈ શકો છો. લોકો મોટા ભાગે એનાથી વિપરીત કરે છે. તેઓ દુનિયા બાબતે નિશ્ચિત, સ્પષ્ટ હોય છે અને ઈશ્વર બાબતે અનિશ્ચિત, અસ્પષ્ટ. જે ભરોસાપાત્ર નથી તેના પર લોકો આધાર રાખે છે અને વ્યાકુળ થાય છે. અનિશ્ચિતતા સ્થિરતા માટે ઝંખના ઉત્પન્ન કરે છે. દુનિયામાં જે સૌથી વધુ સ્થિર, નિશ્ચિત વસ્તુ છે, તે છે ચેતના.

પરિવર્તન એ દુનિયાની પ્રકૃતિ છે અને સ્થિરતા એ ચેતનાની. તમારે અપરિવર્તનશીલ છે તેના પર મદાર રાખવો જોઈએ અને જે પરિવર્તન છે તેનો સ્વીકાર કરવો જોઈએ. જો તમે દ્રઢપણે માનતા હોવ કે બધું પરિવર્તનશીલ છે તો તમે મુક્તિ પામો છો. જ્યારે તમે અજ્ઞાનતાને લીધે અવઢવમાં હોવ છો ત્યારે તમે ચિંતિત અને ઉત્તેજિત થાવ છો. સજગતા સાથે અનિશ્ચિતતાનો સ્વીકાર એક સ્મિત સાથે ચેતનાની ઉચ્ચ અવસ્થા લાવે છે.

લોકો મોટા ભાગે એવું માને છે કે નિશ્ચિતતા એટલે મુક્તિ. જ્યારે તમે નિશ્ચિત નથી હોતા ત્યારે તે મુક્તિનો અનુભવ કરો છો તો તે ખરેખરી મુક્તિ છે. મોટા ભાગે તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા સાપેક્ષ દુનિયા આધારિત હોય છે. સાપેક્ષની અનિશ્ચિતતાની સ્પષ્ટ સમજ હોવી એ તમને જે સંપૂર્ણ છે તેના અસ્તિત્વ વિશે નિશ્ચિત બનાવે છે તથા તેના માટે દ્રઢ શ્રધ્ધા પણ સ્થાપિત કરે છે.

માત્ર જ્ઞાન થકી વ્યક્તિ અનિશ્ચિતતાઓની વચ્ચે પણ ઉત્સાહિત રહી શકે છે. મોટા ભાગે જે લોકો અનિશ્ચિત હોય છે તેઓ નિષ્ક્રિય રહે છે; તેઓ માત્ર બેસીને રાહ જુએ છે. અનિશ્ચિતતા દરમ્યાન પણ સક્રિય રહેવું એ જીવનને એક ખેલ, એક પડકાર બનાવી દે છે. અનિશ્ચિતતામાં હોવું એટલે જતું કરવું. દુનિયાની સાપેક્ષતાને નિશ્ચિતપણે માનવાથી નિષ્ક્રિયતા જન્મે છે. ચેતના વિશેની અનિશ્ચિતતા ડર ઉત્પન્ન કરે છે.

ભૌતિક પદાર્થોની અનિશ્ચિતતા ચેતના વિશે નિશ્ચિતતા લાવે છે. જ્યારે તમને લાગે છે કે સમય બહુ ઓછો છે ત્યારે તમે કાં તો વ્યાકુળ હોવ છો અથવા વિસ્તૃત જાગૃતિની અવસ્થામાં. જ્યારે તમને એવું લાગે છે કે સમય ઘણો લાંબો છે ત્યારે કાં તો દુખી હોવ છો અથવા જીજ્ઞાસાસભર હોવ છો. જ્યારે તમે ખુશ હોવ છો અને કંઈક ગમતું કરતા હોવ છે તો તમને સમયની જાણ રહેતી નથી. જ્યારે તમે સમય કરતાં વહેલા હોવ છો ત્યારે તમે ઢસડાવ છો અને કંટાળાજનક લાગે છે. જ્યારે સમય તમારા કરતાં આગળ હોય છે ત્યારે તમે અચંબામાં અને આઘાતમાં પડી જાવ છો. ઘટનાઓનો ખેલ તમે સમજી શકતા નથી. ગહેરા ધ્યાનમાં તમે જ સમય હોવ છો અને દરેક વસ્તુ તમારી અંદર થઈ રહેલી હોય છે. ઘટનાઓ તમારામાં ઘટીત થઈ રહી હોય છે, જેવી રીતે આકાશમાં વાદળો આવે અને જાય છે. જ્યારે તમે સમય હોવ છો ત્યારે તમે જ્ઞાનમાં અને શાંતિમય હોવ છો.

જ્યારે મન ખુશ હોય છે ત્યારે તે વિસ્તૃત થાય છે અને સમય ખૂબ ટૂંકો લાગે છે. જ્યારે મન દુખી હોય છે ત્યારે તે સંકુચિત થાય છે અને સમય ખૂબ લાંબો લાગે છે. જ્યારે મન સંતુલિત હોય છે ત્યારે તે સમયને પાર કરી જાય છે. આ બે પરાકાષ્ઠામાંથી છટકવા માટે ઘણા મદ્યપાન અથવા નિંદ્રાનો આશરો લે છે. પરંતુ જ્યારે મન નીરસ કે અજાણતાની અવસ્થામાં હોય છે ત્યારે તે પોતાનો અનુભવ કરી શકતું નથી. સમાધિ, કે જે મન કે સમયની પાર જવાની અવસ્થા છે,તે શાંતિ છે, ખરેખરી શાંતિ. તે સૌથી પ્રબળ સ્વસ્થતા પ્રદાયક છે.

જ્યારે મન સમયનો અનુભવ કરે છે ત્યારે એ ક્ષણને પોતાનું મન હોય છે, એક બૃહદ મન, જેની પાસે પુષ્કળ અને અનંત વ્યવસ્થા શક્તિ હોય છે. વિચાર એ કંઈ નથી પણ આ ક્ષણમાં ઉદ્દભવેલું એક વમળ છે. આમ, સમાધિની થોડી ક્ષણો મનને ઊર્જાથી ભીંજવી દે છે. તમે ઊંઘી જાવ તેની તરત પહેલા અથવા તમે જાગી જાવ તે ક્ષણે ચેતના સમયાતિત થવાનો અનુભવ કરે છે.

જીવન આકાર અને નિરાકારનો સમન્વય છે. લાગણીઓનો કોઈ આકાર હોતો નથી, પણ તેમની અભિવ્યક્તિને સ્વરુપ હોય છે, ચેતનાનો કોઈ આકાર નથી, પરંતુ તેના આવાસને સ્વરુપ છે. એ જ રીતે, જ્ઞાન અને કૃપાને કોઈ આકાર નથી. પરંતુ તેઓ કોઈ સ્વરુપ થકી વ્યક્ત થાય છે. નિરાકારને ત્યજી દેવાથી તમે જડ, ભૌતિકવાદી અને અતિશય હતાશ થઈ જાવ છો. આકાર/સ્વરૂપોનો અસ્વીકાર કરવાથી તમે સ્વપ્નોમાં ખોવાયેલા રહો છો, એક નિષ્ફળ આત્મસંયમી બનો છો અથવા ભાવનાત્મક રીતે અસંતુલિત થઈ જાવ છો.

જ્યારે કોઈ વસ્તુ માની ના શકાય તેટલી સુંદર કે આનંદપ્રદ હોય છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે આ એક સ્વપ્ન તો નથી ને! ઘણીવાર તમે જેને વાસ્તવિકતા તરીકે જુઓ છો તે આનંદપ્રદ નથી હોતું, આથી જ્યારે દુ:ખ હોય છે ત્યારે તમને લાગે છે કે આ સ્વપ્ન છે કે શું? તમને ખાતરી હોય છે કે એ ખરેખર વાસ્તવિક જ છે. આ, વાસ્તવિકને અવાસ્તવિક અને અવાસ્તવિકને વાસ્તવિક જાણવું છે. હકીકતમાં બધા દુ:ખ અવાસ્તવિક હોય છે. એક જ્ઞાની વ્યક્તિ સમજે છે કે સુખ એ વાસ્તવિકત છે કારણ કે તે તમારો મૂળ સ્વભાવ છે. દુ:ખ અવાસ્તવિક છે કારણ કે તે સ્મૃતિને દ્વારા થોપી દીધેલી હોય છે.

જ્યારે તમે દરેક વસ્તુને એક સ્વપ્ન તરીકે જુઓ છો ત્યારે તમે આપણા મૂળ સ્વભાવમાં રહી શકો છો. એક દુઃસ્વપ્ન એ એવું સ્વપ્ન છે જેને ભૂલથી વાસ્તવિકતા માની બેસીએ છીએ. સ્વપ્નમાં કોઈ મૂંઝવણ હોતી નથી. જો તમે આશ્ચર્ય પામતા રહો છો કે આ બધું સ્વપ્ન છે તો તમે જે વાસ્તવિક છે તે પ્રત્યે જાગૃત થાવ છો. ઘટનાઓ આવે છે અને જાય છે, પુષ્પોની જેમ તે નષ્ટ પામે છે. પરંતુ દરેક ઘટના અને દરેક વ્યક્તિમાં કંઈક મધ હોય છે. એક મધમાખીની જેમ દરેક ઘટના અને દરેક ક્ષણમાંથી માત્ર મધ લઈ લો અને આગળ વધતા જાવ. એક વ્યસ્ત માખીના જેવા બનો અને પોતાનામાં એકરૂપ થઈ જાવ.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)