Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન  શિન્ઝો એબે આજે બપોરે અમદાવાદ આવી રહ્યાં છે. એબે સાબરમતીમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટનું 14મીએ  ખાતમુહૂર્ત કરશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત-જાપાનનો પરસ્પર સહયોગ નવાં સોપાન સર કરશે.

આ પ્રોજેક્ટની વિચારણાને નરેન્દ્ર મોદીનું ડ્રીમ માનવામાં આવે છે. જેના માટે તેઓ વર્ષોથી કામે લાગ્યાં હતાં. આ કારણે તેના કેટલાક અલગ પાસાં છે.  નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનનો દાવો છે કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઇ પ્રોજેકટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. સમગ્ર પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂપિયા 1,00,000 લાખ કરોડથી વધુનો ગણવામાં આવે છે. તેમાં  ૮૦ ટકાથી વધુ નાણાંસહાય જાપાન સરકાર આપવાની છે.

જાપાન સરકાર રૂ.૮૮ હજાર કરોડ જેટલી આર્થિક સહાય ૦.૧ ટકાના વ્યાજ દરે આપી રહી છે મતલબ કે આટલી મોટી રકમ વર્લ્ડ બેન્ક કે એવી કોઇ એજન્સી પાસેથી લેવામાં આવે તો ૫ થી ૭ ટકાનો વ્યાજ દર અને પુન:ચુકવણી ગાળો ૨૫ થી ૩૫ વર્ષનો હોઇ શકે. એનો અર્થ એ થયો કે ભારતને આ પ્રોજેકટ માટે જે નાણાકીય સહાય જાપાન તરફથી મળશે તે લગભગ ‘ઝીરો કોસ્ટ’ હશે.

હાઇસ્પીડ ટ્રેન નિર્માણ-સંચાલન ક્ષેત્રે કૌશલ્યવાન માનવબળ ઊભું કરવા વડોદરા ખાતે વર્ષ-૨૦૨૦ સુધીમાં ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થશે. જે ૪,૦૦૦ જેટલા કર્મચારીને તાલીમ આપશે. જેનાથી માત્ર હાઇસ્પીડ પ્રોજેકટનું સંચાલન જ નહીં, દેશમાં નવા પ્રોજેકટ પણ સાકાર કરાશે.

શ્રમિકોને પણ તાલીમ આપી દરિયાના પેટાળમાં ટનલ બાંધવા સક્ષમ બનાવશે. આ પ્રોજેકટથી બાંધકામ ક્ષેત્રે રોકાયેલા ૨૦ હજાર શ્રમિકોને રોજગારી મળશે. યુનિવર્સિટી ઓફ જાપાન પોતાના ખર્ચે માસ્ટર્સ કોર્સમાં ૨૦ બેઠકો ભારતને ઓફર કરશે, જેથી કૌશલ્યવાન યુવાનો મળશે.એક ડગલું આગળ જાપાન સરકાર ભારતીય રેલવેના ૩૦૦ અધિકારીઓને આ પ્રોજેકટ માટે ખાસ તાલીમ આપશે. જે આગળ જતા અન્ય અધિકારી- કર્મચારીઓને તૈયાર કરશે.

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટના કેટલાક શીંકાન્સેન ટેકનોલોજી એડવાન્સીસ પણ છે. ઉચ્ચસ્તરીય સુરક્ષા માપદંડો સાથે શીંકાન્સેન ટેકનોલોજી અંતર્ગત ટ્રેનનો મોડા પડવાનો વાર્ષિક દર એક મિનિટથી ઓછો છે.અકસ્માત કે અન્ય કારણે મુસાફરોનો મૃત્યુદર શૂન્ય છે.  આ ટેકનોલોજી ડિઝાસ્ટર પ્રિવેન્શન સીસ્ટમથી સંપૂર્ણ સજ્જ છે જેથી ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે ટક્કર ઝીલી શકે છે.        આ ટ્રેનમાં ઓછામાં ઓછો ઘોંઘાટ રહે છે. રોટેટીંગ સીટ હોવાથી દિવ્યાંગો માટે સરળતા રહે છે.  આ ટ્રેનમાં વેક્યુમ ટોઇલેટની સુવિધા અપાય છે જેમાં  મહિલાઓ અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ છે.

આ ટ્રેન ઇકો ફ્રેન્ડલી પણ હશે. કિલોમીટરે વિમાન કરતાં ચોથા ભાગનો અને કાર કરતા ૨/૭ ભાગનો કાર્બન ડાયોકસાઇડ બહાર ફેંકશે. જ્યારે પ્રતિ કિલોમીટરે વિમાન કરતાં ત્રીજા ભાગની અને મોટરકાર કરતાં પાંચમા ભાગની ઊર્જા વાપરશે.

દરિયાના પેટાળમાં સાત કિ.મી.ની ટનલ ધરાવતી આ ટ્રેન ભારત-જાપાન વચ્ચેના પરસ્પરના સહયોગના ઇતિહાસમાં સુવર્ણપૃષ્ઠ અંકિત કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS