આવી રહી અજિત પવારની સફર…

મુંબઈઃ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં નિધન થયું છે. ચાર મુખ્ય મંત્રી—પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે—સાથે મહારાષ્ટ્રમાં સૌથી લાંબા સમય સુધી ડેપ્યુટી સીએમ તરીકે કાર્ય કરનાર અજિત પવારનો રાજ્યના રાજકારણમાં લગભગ ચાર દાયકાનો મજબૂત પ્રભાવ રહ્યો. પોતાના સમર્થકોમાં તેઓ ‘દાદા’ તરીકે ઓળખાતા હતા, જેમાં ‘દાદા’નો અર્થ મોટા ભાઈ થાય છે.

અજિત પવારે પ્રથમ વખત 1982માં ચૂંટણી જીતનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે તેઓ એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા. ત્યાર બાદ રાજીનામા અને પક્ષ-વિપક્ષ—દરેક રીતે તેમણે માત્ર રાજ્ય નહીં પરંતુ કેન્દ્રના રાજકારણ પર પણ અસર પાડી. તેમના નિધન બાદ તેમના પરિવારમાં પત્ની સુનેત્રા પવાર અને બે સંતાન—જય અને પાર્થ પવાર છે. સુનેત્રા પવાર રાજ્યસભાનાં સાંસદ છે.

શરદ પવાર માટે સાંસદપદ છોડવાથી લઈને વિરોધ સુધી

એનસીપીમાં પોતાના કાકા શરદ પવારના પગલે ચાલતાં અજિત પવારે 1982માં સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં સ્થાન મેળવીને ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ વર્ષ 1991માં તેઓ પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના અધ્યક્ષ બન્યા અને આગામી 16 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા.

એ દરમિયાન 1991ની લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પરથી જીત મેળવી તેઓ લોકસભામાં પહોંચ્યા. જોકે તેમણે પોતાના કાકા શરદ પવાર માટે જગ્યા બનાવવા પોતાનું સાંસદ પદ છોડ્યું હતું. જે પછી પી.વી. નરસિંહ રાવ સરકારમાં શરદ પવાર સંરક્ષણ મંત્રી બન્યા.ખાસ વાત એ છે કે જેમના માટે અજિત પવારે પોતાનું સાંસદ પદ છોડ્યું હતું, તે જ શરદ પવાર સામે તેઓ વર્ષ 2019થી અલગ માર્ગ અપનાવી વિરોધી રાજકીય દળ સાથે જોડાઈ ગયા હતા.

રાજકીય સફરઅજિત પવારનો જન્મ 22 જુલાઈ, 1959એ અહમદનગર જિલ્લામાં આશાતાઈ પવાર અને અનંતરાવ પવારના ઘરે થયો હતો. મહારાષ્ટ્રના ચાર વખત CM રહેલા શરદ પવાર તેમના કાકા હતા. તેમણે 12મા ધોણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમને પિતાના અવસાન બાદ કોલેજ છોડવી પડી હતી.

અજિત પવારે વર્ષ 1991ની પેટા ચૂંટણીમાં જીત મેળવી અને ત્યાર બાદ સતત 1995, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો. કુલ મળીને તેઓ સાત વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા હતા.

વર્ષ 1991-92 દરમિયાન સુધાકરરાવ નાઈકની સરકારમાં તેઓ કૃષિ અને ઊર્જા રાજ્ય મંત્રી બન્યા. વર્ષ 1992માં પોતાના કાકા શરદ પવારની સરકારમાં તેમણે સંરક્ષણ, ઊર્જા અને આયોજન મંત્રાલય સંભાળ્યું. વર્ષ 1999માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં તેઓ સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા. પછી વર્ષ 2003માં સુશીલકુમાર શિંદેની સરકારમાં તેમને ગ્રામ વિકાસ વિભાગ મળ્યો. વર્ષ 2004માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની જીત બાદ વિલાસરાવ દેશમુખ અને અશોક ચવ્હાણની સરકારમાં તેમણે વોટર રિસોર્સિસ મંત્રાલય સંભાળ્યું.

મહારાષ્ટ્રની રાજકારણમાં મોટો વળાંક 23 નવેમ્બર 2019એ આવ્યો, જ્યારે અજિત પવારે એનસીપી છોડીને ભાજપના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈ ડેપ્યુટી સીએમ બન્યા. જોકે દેવેન્દ્ર ફડણવીસની આ સરકાર 80 કલાકથી પણ ઓછા સમયમાં પડી ગઈ અને બાદમાં તેઓ ફરી એનસીપીમાં પરત ફર્યા.

એ પછી મહાવિકાસ આઘાડી હેઠળ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં તેમણે ફરી ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું. વર્ષ 2022માં શિવસેનામાં ફૂટ પડતાં ઉદ્ધવ સરકાર પડી ગઈ અને એકનાથ શિંદેની સરકાર બની, જેમાં અજિત પવાર વિપક્ષના નેતા બન્યા. જોકે ત્યાર બાદ એનસીપીમાં પણ ફૂટ પડી અને તેઓ ફરી ભાજપ–એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈ ડેપ્યુટી સીએમ બન્યા.